ઋષભ પંતને મળવા પહોંચ્યા યુવરાજ સિંહ, તસવીર શેર કરીને જણાવ્યું આવી છે ભારતના સ્ટાર ખેલાડીની હાલત

રમત-જગત

ભારતના સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત વર્ષ 2022ના અંતમાં એક રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઈજાના કારણે પંત લાંબા સમયથી ક્રિકેટથી દૂર છે. તેમને સાજા થવામાં વધુ સમય લાગી શકે છે. ઈજાના કારણે તેમણે હાલમાં ઘણી ક્રિકેટ સિરીઝ રમી નથી. જ્યારે તે IPL 2023માંથી પણ બહાર થઈ ચુક્યા છે.

હાલમાં ઈજામાંથી સાજા થઈ રહ્યા છે. ધીમે ધીમે તે ગંભીર ઈજાઓમાંથી સાજા થઈ રહ્યા છે. આ દરમિયાન તેની એક નવી તસવીર સામે આવી છે. આ તસવીર પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કરી છે. તેને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

વાયરલ તસવીરમાં ઋષભ પંત સાથે યુવરાજ સિંહ બેઠેલા જોવા મળી રહ્યા છે. બંને પ્રખ્યાત ખેલાડીઓ સોફા પર બેઠા છે. જણાવી દઈએ કે રોડ અકસ્માત પછી યુવરાજ સિંહ પંતને મળવા પહોંચ્યા હતા. તેમણે પંતના હાલ-ચાલ લીધા અને પંત સાથે બેસીને ઘણી વાતો કરી.

યુવરાજ સિંહે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં પંતની પ્રશંસા પણ કરી હતી. ઋષભ પંત સાથેની પોતાની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા યુવરાજે લખ્યું, “નાના-નાના પગલા શરૂ થઈ ગયા છે. આ ચેમ્પિયન (પંત) ટૂંક સમયમાં ફરી ઉઠવા માટે તૈયાર છે. તેમને મળીને અને હસી-મજાક કરીને ખૂબ સારું લાગ્યું. શું એક અદ્ભુત વ્યક્તિ, હંમેશા સકારાત્મક અને રમુજી. ઋષભ તમને ખૂબ શક્તિ મળે.”

વાયરલ તસવીરમાં બંને પ્રખ્યાત ખેલાડી શોર્ટ્સ અને ટી-શર્ટમાં જોવા મળી રહ્યા છે. બંનેને સાથે જોઈને ચાહકો અને સોશિયલ મીડિયા યુઝર્સ પણ ખૂબ જ ખુશ છે. ઋષભ સાથેની પોતાની તસવીર યુવરાજે 16 માર્ચ, ગુરુવારે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. તેના પર ચાહકો ખૂબ કમેન્ટ કરી રહ્યા છે.

એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું છે કે, “ટેસ્ટમાં સૌથી ઝડપી અડધી સદી સાથે સૌથી ઝડપી T20 અડધી સદી (ભારત)”. એકે લખ્યું કે, “બે સ્ટાઇલિશ લેફ્ટ હેન્ડર્સ”. ક્રિકેટર રાહુલ શર્માએ કમેંટ કરી હતી કે, “શેર મુંડા”. એક યુઝરે પંત માટે લખ્યું, “જલ્દી સાજા થાઓ સર, ટેસ્ટ ક્રિકેટમાં મેં તમને ખૂબ યાદ કર્યા”.

પંત અને યુવીની આ તસવીરને અત્યાર સુધીમાં 9 લાખથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. એક યુઝરે કમેન્ટ કરી કે, “એક તસવીરમાં બે સિક્સર કિંગ્સ”. એકે લખ્યું હતું કે, “બે મહાન ફાઈટર્સ”. એક યુઝરે લખ્યું કે, “પંતનો ખુશ ચહેરો જોઈને આનંદ થયો… જલ્દી સ્વસ્થ થાઓ”.

જણાવી દઈએ કે દિલ્હીથી રૂરકી જતી વખતે ડિસેમ્બર 2022ના અંતમાં મોડી રાત્રે પંતનો કાર અકસ્માત થયો હતો. ઋષભ પોતે કાર ચલાવી રહ્યા હતા. આ ભયાનક માર્ગ અકસ્માતમાં ઋષભને ગંભીર ઈજાઓ થઈ છે. તેમને સંપૂર્ણ સ્વસ્થ થવામાં લાંબો સમય લાગી શકે છે. તેઓ જૂન 2023માં રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ જગ્યા બનાવી શકશે નહીં.