અખા ત્રીજ શા માટે ઉજવવામાં આવે છે, જાણો તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા અને કેટલીક ખાસ વાતો

ધાર્મિક

અખા ત્રીજને ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસે મુહૂર્ત જોયા વગર સરળતાથી શુભ કાર્યો કરવામાં આવે છે. આ વર્ષે અખા ત્રીજ 14 મેના રોજ છે. આ દિવસે સોનાની ખરીદી, લક્ષ્મીની પૂજા અને દાનનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. તેથી અખા ત્રીજના દિવસે તમારે આ કાર્ય જરૂર કરવા જોઈએ.

અખા ત્રીજનું મહત્વ: અખા ત્રીજના દિવસે માતા અન્નપૂર્ણાનો જન્મદિવસ પણ ઉજવવામાં આવે છે. આ દિવસે જરૂરિયાતમંદને ભોજન કરાવવાથી માતા અન્નપૂર્ણા પ્રસન્ન થાય છે અને પોતાના આશીર્વાદ આપે છે. તેનાથી ઘરમાં આન્નના ભંડાર હંમેશા માટે ભરાયેલા રહે છે અને ક્યારેય પણ અન્નની અછત થતી નથી. પૌરાણીક માન્યતાઓ અનુસાર અખા ત્રીજના દિવસે મહર્ષિ વેદ વ્યાસજીએ મહાભારત લખવાનું શરૂ કર્યું હતું.

આ દિવસે ભગવાન શિવજી એ ભગવાન કુબેરને માતા લક્ષ્મીની પૂજા કરવાનું કહ્યું હતું. ત્યારથી અખા ત્રીજના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા શરૂ થઈ છે. એવું માનવામાં આવે છે કે જે લોકો અખા ત્રીજ પર માતા લક્ષ્મીની પૂજા કરે છે, તેમના ઘરમાં પૈસાની અછત થતી નથી.

અખા ત્રીજના દિવસે યુધિષ્ઠિરને અક્ષય પાત્ર મળ્યું હતું. આ પાત્રની ખાસિયત એ હતી કે તેમાં રાખેલું ભોજન ક્યારેય સમાપ્ત થતું નથી. એવી પણ માન્યતા છે કે ત્રેતાયુગની શરૂઆત અખા ત્રીજના દિવસે જ થઈ હતી. આ દિવસે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મ પણ થયો હતો.

અખા ત્રીજ પર માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે અખા ત્રીજ શુક્રવારે આવી રહી છે. આવી સ્થિતિમાં આ દિવસે માતાની પૂજા કરવાથી વધુ લાભ મળશે. અખા ત્રીજ પર રોહિણી નક્ષત્રમાં સુકર્મા અને ધૃતી યોગ બની રહ્યો છે. આ બંને યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. 14 મે એ રાત્રે 12:15 વાગ્યાથી 01:46 વાગ્યા સુધી સુકર્મ યોગ રહેશે અને ત્યાર પછી ધૃતી યોગની શરૂઆત થશે. આ યોગ દરમિયાન માતાની પૂજા કરો. તો વધુ સારું હશે.

જરૂર ખરીદો સોનું: અખા ત્રીજ પર સોનાની ધાતુ ખરીદવી શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઘરમાં સોનાની ધાતુ લાવવાથી પરિવારમાં સુખ, સમૃદ્ધિ વધે છે અને માતા લક્ષ્મી ઘરમાં વાસ કરે છે. સોનાની ખરીદી ઉપરાંત આ દિવસે દાન કરવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. આ દિવસે માટલું, છત્રી, ખાંડ, ફળ, કપડાં, વગેરેનું દાન કરવાથી પુણ્ય મળે છે.

અખા ત્રીજ પૂજા વિધી: ઘણા લોકો દ્વારા અખા ત્રીજનુ વ્રત પણ રાખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે મહિલાઓ તેમના પરિવારની સમૃદ્ધિ માટે વ્રત રાખે છે. અખા ત્રીજના દિવસે બ્રહ્મમુહુર્તામાં ઉઠીને સ્નાન કરવું જોઈએ. ત્યાર પછી ચોકી પર મા લક્ષ્મી અને નારાયણની મૂર્તિઓ સ્થાપિત કરો અને તેમની પૂજા કરો. ભગવાનની સામે ધૂપ દીપ પ્રગટાવો અને માતાને ચંદન, સફેદ કમળનું ફૂલ, સફેદ ગુલાબ ચળાવો. પૂજા કરતી વખતે વ્રતનો સંકલ્પ કરો. પૂજા કર્યા પછી ગરીબ લોકોને ચીજોનું દાન કરો.

લગ્ન માટે શ્રેષ્ઠ દિવસ: અખા ત્રીજના દિવસે ઘણા ગ્રહ મળીને શુભ યોગ બનાવે છે. તેથી જે કાર્ય માટે મુહૂર્ત નિકળી શકતું નથી તેને અખા ત્રીજના દિવસે કરવામાં આવે છે. અખા ત્રીજના દિવસે મુહૂર્ત કાઢ્યા વગર લગ્ન પણ કરવામાં આવે છે. તેથી જે લોકોની કુંડળી મળી રહી નથી અથવા લગ્નની તારીખ નીકળી રહી નથી તે લોકો આ દિવસે લગ્ન કરી શકે છે. આ ઉપરાંત શુભ કાર્યો પણ આ દિવસે કરી શકો છો.