બદ્રીનાથ ધામ મેળવવા માટે વિષ્ણુજીએ કર્યું હતું આ કામ, વાંચો તેની સાથે જોડાયેલી પૌરાણીક કથા

ધાર્મિક

બદ્રીનાથ ધામ શ્રીહરિ વિષ્ણુનું સ્થાન માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર શ્રીહરિ વિષ્ણુ આ જગ્યા પર આવીને આરામ કરે છે. જો કે, શ્રીહરિ વિષ્ણુ પહેલા બદ્રીનાથ ધામ ભગવાન શિવ અને માતા પાર્વતીનું વિરામ સ્થાન હતું. દંતકથા અનુસાર શ્રીહરિ વિષ્ણુએ કપટપૂર્વક ભગવાન શિવ અને પાર્વતી પાસેથી આ ધામ મેળવ્યું હતું. ત્યાર પછી ભગવાન શિવ અને માતા પાર્વતી આ મંદિર છોડી કેદારનાથ ધામ ગયા અને આ સ્થાનને તેમનું વિરામ સ્થાન બનાવ્યું. ચાલો જાણીએ કે શ્રીહરિ વિષ્ણુએ ભગવાન શિવ અને માતા પાર્વતી પાસેથી આ નિવાસસ્થાન કેવી રીતે મેળવ્યું હતું.

દંતકથા અનુસાર ભગવાન શિવ અને પાર્વતી માતા બદ્રીનાથમાં રહેતા હતા. એકવાર પૃથ્વી પર આવીને શ્રીહરિ વિષ્ણુ પોતાના માટે નિવાસસ્થાનની શોધ કરવા લાગ્યા. આ સમય દરમિયાન તે આ જગ્યા પર આવ્યા હતા. શ્રીહરિ વિષ્ણુને આ જગ્યા એટલી પસંદ આવી કે તેમને આ જગ્યાને પોતાનું નિવાસ સ્થાન બનાવવાનું નક્કી કરી લીધું. શ્રીહરિ વિષ્ણુ વિચારમાં પડી ગયા કે તેઓ કેવી રીતે ભગવાન શિવ અને પાર્વતી પાસેથી આ જગ્યા મેળવશે.

આ જગ્યા મેળવવા માટે શ્રીહરિ વિષ્ણુએ એક યોજના બનાવી અને એક બાળકનું રૂપ ધારણ કર્યું. ભગવાન શિવ અને પાર્વતી માતા જ્યારે તેમના ઘરે પરત ફર્યા ત્યારે શ્રીહરિ વિષ્ણુ બાળકરૂપમાં તેમના ઘરની બહાર મળ્યા. બાળકને જોતાં માતા પાર્વતીની મમતા જાગી ગઈ અને તેમણે શિવજીને કહ્યું કે તે બાળકને ખોળામાં લેવા ઈચ્છે છે. ભગવાન શિવને બાળક પર શંકા થઈ અને માતા પાર્વતીને કહ્યું કે તે બાળકને ખોળામાં ન લે. પરંતુ બાળકને રડતા જોઈને માતાને પાર્વતી પોતાને રોકી શક્યા નહિં અને તેમણે બાળકને પોતાના ખોળામાં લીધું.

પોતાના નિવાસસ્થાનની અંદર લઈ જઇને તેણે બાળકનું દૂધ પણ પીવડાવ્યું અને તેમને સૂવડાવ્યા. આ પછી ભગવાન શિવ અને માતા પાર્વતી સ્નાન કરવા નદી કીનારે ગયા. જ્યારે તે પરત પોતાના નિવાસ સ્થાન પર આવ્યા ત્યારે તેમના ઘરનો દરવાજો ન ખુલ્યો. માતા પાર્વતીએ શિવજીને તેનું કારણ પૂછ્યું. ત્યારે તેમણે કહ્યું કે શ્રીહરિ વિષ્ણુ બાળક સ્વરૂપમાં આવ્યા હતા અને હવે તેમણે અંદરથી દરવાજો બંધ કરી દિધો છે.આ સાથે આ નિવાસ સ્થાન તેમનું બની ગયું છે. હવે આપણે કોઈ અન્ય જગ્યા પર જઈને રહેવું પડશે.

અંદરથી ભગવાન વિષ્ણુએ કહ્યું કે મને આ જગ્યા ખૂબ પસંદ આવી છે. મને અહીં આરામ કરવા દો. હવે તમે અહીંથી કેદારનાથ જાઓ. ત્યાર પછી શિવજી અને પાર્વતી માતા કેદાનનાથ ગયા અને તેને તેમનું નિવાસ સ્થાન બનાવ્યું. એવું માનવામાં આવે છે કે ત્યાર પછી બદ્રીનાથ વિષ્ણુજીનું અને કેદારનાથ શિવજી અને પાર્વતીનું નિવાસ સ્થાન બન્યું. આ દેવી-દેવતા આ જગ્યા પર રહે છે.