ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી એ મુંબઈના અલીબાગમાં ખરીદ્યો લક્ઝરી બંગલો, કરોડોમાં છે કિંમત, આ બોલિવુડ અભિનેતાની એક્સ વાઈફ એ કર્યો છે ડિઝાઈન

રમત-જગત

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ મુંબઈમાં 23 ફેબ્રુઆરીના રોજ આવાસ લિવિંગમાં 2000 ચોરસ ફૂટનો વિલા ખરીદ્યો છે. મુંબઈના અલીબાગ વિસ્તારમાં આવેલા આ લક્ઝરી વિલાની કિંમત 6 કરોડ રૂપિયા છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની અલીબાગ વિસ્તારમાં આ બીજી પ્રોપર્ટી છે. આ પહેલા તે મુંબઈના વર્લી વિસ્તારમાં ઓમકાર ટાવરમાં ઘર ખરીદી ચુક્યા છે. અલીબાગ વિસ્તારમાં આવેલો વિરાટનો આ વિલા પણ ખૂબ લક્ઝુરિયસ છે.

ભારતના બેટિંગ સ્ટાર વિરાટ કોહલીએ તાજેતરમાં જ અલીબાગના આવાસમાં એક લક્ઝરી બંગલો ખરીદ્યો છે. વિરાટ કોહલી હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી 4 ટેસ્ટ મેચની સીરીઝ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં અલીબાગમાં બંગલો ખરીદવાની તમામ ફોર્માલિટી તેમના મોટા ભાઈ વિકાસ કોહલીએ પૂરી કરી છે.

વિરાટ અને અનુષ્કાની અલીબાગમાં પહેલી પ્રોપર્ટી નથી. આ કપલે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અલીબાગમાં 19.24 કરોડ રૂપિયાનું ફાર્મહાઉસ પણ ખરીદ્યું હતું. તેમણે 1.15 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી હતી.

એક રિપોર્ટ મુજબ, વિરાટ કોહલીએ આવાસ વિલેજમાં 2,000 ચોરસ ફૂટના વિલા પર 6 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. તેમણે આ પ્રોપર્ટી પર સ્ટેમ્પ ડ્યુટી તરીકે 36 લાખ રૂપિયા ચૂકવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વિલામાં 400 ચોરસ ફૂટનો સ્વિમિંગ પૂલ પણ શામેલ છે. બોલિવૂડ અભિનેતા સંજય ખાનની પુત્રી અને રિતિક રોશનની એક્સ પત્ની સુઝૈન ખાને પ્રોજેક્ટનું ઈન્ટિરિયર ડિઝાઈન કર્યું છે.

એડવોકેટ મહેશ મ્હાત્રે આવાસ લિવિંગ અલીબાગ એલએલપીના કાનૂની સલાહકાર તરીકે કામ કરે છે. તેમણે જણાવ્યું, “આવાસ પોતાની પ્રાકૃતિક સુંદરતાના કારણે સેલિબ્રિટીઝ માટે એક મનપસંદ સ્થળ છે. આ ઉપરાંત, માંડવા જેટી આવાસથી પાંચ મિનિટના અંતરે છે અને સ્પીડ બોટ્સે હવે મુંબઈનું અંતર ઘટાડીને માત્ર 15 મિનિટ કરી દીધું છે.”

 

View this post on Instagram

 

A post shared by Virat Kohli (@virat.kohli) 

રિપોર્ટ મુજબ, “અલીબાગમાં સરેરાશ જમીનની કિંમત પ્રતિ ચોરસ ફૂટ 3,000 રૂપિયાથી 3,500 રૂપિયાની આસપાસ છે અને ઈલીટ ક્લાસ માટે આ ફેવરિટ વીકેંડ ડેસ્ટિનેશન પણ છે.” તમને જણાવી દઈએ કે માત્ર વિરાટ કોહલી જ નહીં પરંતુ ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન કેપ્ટન રોહિત શર્માએ પણ અલીબાગમાં જમીન ખરીદી છે. રોહિત શર્માએ 2021માં મહત્રોલી ગામમાં ચાર એકર જમીન ખરીદી હતી.

સાથે જ બીજી તરફ, ભારતે ઓસ્ટ્રેલિયાને સીરીઝની પ્રથમ બે મેચમાં હરાવીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જાળવી રાખી છે. ભારતે નાગપુર અને દિલ્હી બંને ટેસ્ટ માત્ર ત્રણ દિવસમાં જીતી લીધી હતી. જો ભારત ઓસ્ટ્રેલિયા સામે વધુ એક સીરીઝ જીતે છે, તો તે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લેશે.

જો કે આ સિરીઝમાં હજુ સુધી કોહલી મોટો સ્કોર બનાવી શક્યો નથી. કોહલીએ ત્રણ ઇનિંગ્સમાં 76 રન બનાવ્યા છે. આ સાથે જ રોહિત શર્માએ સીરીઝની પ્રથમ મેચમાં મેચ વિનિંગ સદી ફટકારી હતી. તેણે અત્યાર સુધી બે મેચમાં 183 રન બનાવ્યા છે અને તે સિરીઝમાં અત્યાર સુધીમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે.