બાળપણમાં પકડ્યું હતું બેટ, પિતાના મૃત્યુ સમયે પણ ન અતકયો જુસ્સો! જાણો કેવી રીતે ચીકુ બન્યો ‘કિંગ કોહલી’

રમત-જગત

વિરાટ કોહલીનું નામ સાંભળતા જ પાકિસ્તાન સામે ટી20 વર્લ્ડ કપ 2022માં રમાયેલી 82 રનની ઇનિંગ્સ, મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ઈનિંગ સહિત ઘણી મેચ-વિનિંગ ઇનિંગ્સ યાદ આવે છે.

વિરાટ કોહલીનું નામ આજે દુનિયાના શ્રેષ્ઠ ખેલાડીઓમાં શામેલ છે અને તેની પાછળ તેમનો રમત પ્રત્યેનો પ્રેમ અને સમર્પણ છે જેણે દિલ્હીના એક સામાન્ય પરિવારના છોકરાને આ ઉંચાઈઓ પર પહોંચાડ્યો છે.

વિરાટ કોહલીનો જન્મ 5 નવેમ્બર 1988ના રોજ દિલ્હીમાં પંજાબી પરિવારમાં થયો હતો, તેના પિતા પ્રેમ કોહલી વ્યવસાયે વકીલ હતા અને માતા સરોજ કોહલી એક હાઉસવાઈફ છે.

તે તેમના પરિવારમાં સૌથી નાના છે. તેમને એક મોટો ભાઈ અને એક મોટી બહેન પણ છે. વિરાટની માતા કહે છે કે જ્યારે તે 3 વર્ષનો હતો, ત્યારે તેણે બેટ પકડી લીધું હતું અને પોતાના પિતાને પોતાની સાથે રમવા માટે હંમેશા પરેશાન કરતો હતો.

વિરાટના શોખને જોઈને તેના પિતાએ વિરાટને 9 વર્ષની ઉંમરમાં ક્રિકેટ એકેડેમી જોઈન કરાવી, જ્યાં તેને તેના કોચ રાજકુમાર શર્મા દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી.

વિરાટ કોહલીએ ક્રિકેટમાં શરૂઆત ઓક્ટોબર 2002 થી કરી હતી. જ્યારે તેમને પહેલી વખત દિલ્હીની અંડર-15 ટીમમાં શામેલ કરવામાં આવ્યો હતો. તે સમયે, વિરાટે 2002 અને 2003માં પોલી ઉમરીગર ટ્રોફીમાં પહેલી વખત પ્રોફેશનલ ક્રિકેટ રમી હતી. 2004ના અંત સુધીમાં તેને દિલ્હીની અંડર-17 ટીમના સભ્ય બનાવવામાં આવ્યા હતા.

વિરાટ કોહલી તેના પિતાને ખૂબ જ પ્રેમ કરતા હતા અને તેના પિતા પણ હંમેશા તેને સારા ક્રિકેટર બનવાનું કહેતા હતા. 2006 માં, જ્યારે તે કર્ણાટક માટે રમી રહ્યા હતા, ત્યારે મેચ પછી જ્યારે તે ઘરે પહોંચ્યા તો અચાનક તેમના પિતાની તબિયત ખરાબ થઈ ગઈ અને તેમનું હાર્ટ એટેકથી મૃત્યુ થઈ ગયું. પિતાના મૃત્યુ પછી પણ કોહલી બિલકુલ રડ્યા નહીં અને બીજા દિવસે સવારે કોચને ફોન કરીને કહ્યું કે તે મેચ રમશે.

વિરાટની આ ભાવના જોઈને તેના કોચ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. વિરાટે એક ઈન્ટરવ્યુમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે મારા માટે કોઈ પણ મેચ મિસ કરવી મંજૂર ન હતું. અને તેથી જ મેં તે મેચ પૂરી કરી અને પછી મારા પિતાના અંતિમ સંસ્કારમાં ગયો.