રાજાસ્થાન રોયલ્સ એ શેર કર્યો વિરાટના ડાંસનો વીડિયો, જુવો વિરાટનો આ વીડિયો

રમત-જગત

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટીમ ઈન્ડિયાએ 2-1થી પોતાના નામે કરી છે. આ સિરીઝની છેલ્લી મેચ ડ્રો પર સમાપ્ત થઈ હતી, પરંતુ વિરાટ કોહલી માટે આ મેચ ખૂબ જ ખાસ હતી. તેમણે ટેસ્ટ ક્રિકેટમાં સદીની સાડા ત્રણ વર્ષની લાંબી રાહ સમાપ્ત કરી અને 186 રનની શાનદાર ઇનિંગ રમી. આ મેચ પછી વિરાટ કોહલીએ મુંબઈમાં નોર્વે ડાન્સ ગ્રુપ ક્વિક સ્ટાઈલ સાથે ક્રિકેટ બેટ પકડીને ડાન્સ કર્યો હતો. વિરાટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

હવે IPL ટીમ રાજસ્થાન રોયલ્સે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર કોહલીના ડાન્સનો વીડિયો શેર કરીને ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરની મજાક ઉડાવી છે. બટલર IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી જ રમે છે. રાજસ્થાન રોયલ્સે તેમના ટ્વિટમાં લખ્યું છે કે જોસ બટલર દરેક બોલનો સામનો કરતા પહેલા તે જ રીતે સ્ટેપ કરે છે જે રીતે કોહલી તેના ડાન્સમાં કરી રહ્યા છે.

વિરાટે ડાન્સ ગ્રુપ સાથે મુલાકાત વિશે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પણ શેર કરી હતી. તેમણે લખ્યું હતું, “લાગે છે કે હું મુંબઈમાં કોઈને મળ્યો હતો.” વિરાટ કોહલીએ નોર્વેના જે ડાન્સ ગ્રૂપ સાથે આ વીડિયો શેર કર્યો હતો, તે ફિલ્મ ‘તનુ વેડ્સ મનુ’ના ‘સાડી ગલી’ અને ‘બાર બાર દેખો’ના ‘કાલા ચશ્મા’ જેવા બોલિવૂડ ગીત પર વીડિયો બનાવ્યા પછી ખૂબ ચર્ચામાં રહ્યા છે.

અમદાવાદમાં ચોથી ટેસ્ટ પછી કોહલીએ મુખ્ય કોચ રાહુલ દ્રવિડ સાથે પણ પોતાની ટેસ્ટ સદીના દુષ્કાળ વિશે વાત કરી હતી. કોહલીએ કહ્યું, “સાચું કહું તો, મેં મારી ખામીઓને કારણે મારા માટે સમસ્યાઓ વધવા દીધી છે. સદી ન ફટકારી શકવાની નિરાશા એક એવી ચીજ છે જે એક બેટ્સમેન તરીકે તમારા પર વધી શકે છે. મેં અમુક હદ સુધી મારી સાથે આવું થવા દીધું. પરંતુ તેની બીજી બાજુ એ છે કે હું એવી વ્યક્તિ નથી જે 40-45 રન બનાવીને ખુશ થાય. જ્યારે હું 40 પર બેટિંગ કરું છું ત્યારે મને ખબર હોય છે કે હું 150 રન બનાવી શકું છું. તે મને ખૂબ ખાઈ રહ્યું હતું.”