હવે રિંકુ સિંહના મુરીદ બન્યા કોહલી, કહ્યું- જે તેમણે કર્યું હું તે વિચારી પણ નથી શકતો

રમત-જગત

IPL 2023માં, કોલકાતા નાઈટ રાઈડર્સના મિડલ ઓર્ડરના બેટ્સમેન રિંકુ સિંહે પોતાની જબરદસ્ત રમતથી દરેકનું દિલ જીતી લીધું હતું. 9 એપ્રિલે ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી મેચમાં તેમણે છેલ્લી ઓવરના છેલ્લા પાંચ બોલમાં સતત પાંચ સિક્સર ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી.

રિંકુ સિંહની આ તાબડતોડ ઇનિંગ્સની દરેકએ પ્રસંશા કરી હતી. ક્રિકેટ જગતથી લઈને બોલિવૂડ સેલેબ્સ સુધીએ રિંકુની ઈનિંગની ખૂબ પ્રશંસા કરી હતી. રિંકુએ તે કારનામું કર્યું જે IPLના 15 વર્ષના ઈતિહાસમાં પહેલાં ક્યારેય જોવા મળ્યું ન હતું.

રિંકુ સિંહના દિવાના દરેક લોકો બની ગયા હતા. સાથે જ હવે દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલીએ પણ રિંકુ સિંહની પ્રસંશા કરી છે. વિરાટ કોહલીએ રિંકુની પ્રસંશામાં મોટી વાત કહી છે. રિંકુના આ કારનામા પર ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું છે કે રિંકુએ જે કર્યું છે તે કરવાનું તે વિચારી પણ નથી શકતા.

વિરાટ કોહલીએ ક્રિકેટર રોબિન ઉથપ્પા સાથે વાતચીતમાં રિંકુ સિંહની ઈનિંગની ખૂબ પ્રશંસા કરી હતી. ઉથપ્પા સાથેની જિયો સિનેમા પર વાતચીતમાં વિરાટે કહ્યું, “આજના યુવાનો જે કરી રહ્યા છે તે જોવા લાયક છે. આ આઈપીએલ જુઓ. હું તે કરવાનું વિચારી પણ નથી શકતો જે આ યુવાનો કરી રહ્યા છે.”

IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા વિરાટે આગળ કહ્યું કે, “રિંકુ સિંહે છેલ્લા 5 બોલમાં 5 સિક્સર ફટકારી જે અદ્ભુત કર્યું છે તેવું ક્યારેય બન્યું નથી. એક મેચ જીતવા માટે સતત પાંચ છગ્ગા મારવા એ કયા લેવલનું છે? આવા યુવાનોને આગળ આવતા જોઈને આનંદ થાય છે.”

KKRને જીતવા માટે જરૂર હતી 29 રનની, રિંકુએ 5 સિક્સ ફટકારી હતી: 9 એપ્રિલ, રવિવારના રોજ હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીવાળી ટીમ ગુજરાત ટાઇટન્સ અને નીતિશ રાણાની કેપ્ટન્સીવાળી ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાયેલી મેચમાં ગુજરાતે પહેલા બેટિંગ કરતા 4 વિકેટ ગુમાવીને 204 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ગુજરાત તરફથી વિજય શંકરે સૌથી મોટી ઇનિંગ રમી હતી.

205 રનના ટાર્ગેટના જવાબમાં કોલકાતાની ટીમે 19 ઓવરમાં 176 રન બનાવી લીધા હતા. છેલ્લી ઓવરમાં જીતવા માટે 29 રનની જરૂર હતી. ગુજરાત તરફથી યશ દયાલ બોલર હતા. પહેલો બોલ ઉમેશ યાદવે રમ્યો હતો અને તેણે સિંએક રન લીધો હતો. ત્યાર પછી રિંકુ સિંહે આગળના પાંચ બોલ રમ્યા. તેણે આ પાંચ બોલમાં સતત પાંચ સિક્સર ફટકારીને મેચ કોલકાતાના હાથમાં મૂકી દીધી હતી.

હૈદરાબાદ સામે પણ ચમક્યો રિંકુ, તેણે 31 બોલમાં 58 રન ફટકાર્યા: તાજેતરમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી મેચમાં પણ રિંકુ સિંહે શાનદાર ઇનિંગ રમી હતી. કોલકાતા 229 રનનો ટાર્ગેટ મેળવી શકી ન હતી પરંતુ રિંકુ ફરી એકવાર ચમક્યા. તેમણે 31 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 58 રન બનાવ્યા હતા.