3 વર્ષની ઉંમરથી બોલીવુડમાં કામ કરી રહી છે ઉર્મિલા માતોંડકર, જુવો બાળપણથી લઈને અત્યાર સુધીની તસવીરો

બોલિવુડ

હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી અને શિવસેનાની નેતા ઉર્મિલા માતોંડકર આજે 47 વર્ષની થઈ છે. ઉર્મિલાનો જન્મ 4 ફેબ્રુઆરી 1974 માં મુંબઇમાં થયો હતો. ઉર્મિલા માતોંડકર હિન્દી સિનેમાનું એક જાણીતું નામ છે. ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી ઉર્મિલા આ દિવસોમાં ફિલ્મી દુનિયાથી દૂર છે અને રાજકારણમાં એક્ટિવ છે અને તે અવારનવાર પોતાના નિવેદનોથી હેડલાઇન્સમાં રહે છે. ચાલો આજે તમને તેના 47 મા જન્મદિવસ પર અભિનેત્રી સાથે જોડાયેલી કેટલીક વિશેષ વાતો જણાવીએ.

ઉર્મિલા માતોંડકર માત્ર હિન્દી સિનેમા સુધી મર્યાદિત નથી, તેમણે તેલુગુ, તમિલ, મલયાલમ અને મરાઠી સિનેમામાં પણ કામ કર્યું છે. પરંતુ તેને તેની સાચી ઓળખ માત્ર બોલિવૂડથી જ મળી. 90 ના દાયકામાં ઉર્મિલા ફિલ્મ ઈંડસ્ટ્રીમાં ખૂબ જ એક્ટિવ હતી. આ દરમિયાન તેમણે અનેક હિટ ફિલ્મો આપી હતી.

3 વર્ષની ઉંમરમાં ડેબ્યૂ: બહુ ઓછા લોકો જાણે છે કે ઉર્મિલાએ હિન્દી સિનેમામાં બાળ કલાકાર તરીકે પણ કામ કર્યું છે. જ્યારે તે માત્ર ત્રણ વર્ષની હતી ત્યારે બાળ કલાકાર તરીકે તેણે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. વર્ષ 1977 માં ફિલ્મ કર્મમાં તે જોવા મળી હતી. આ પછી વર્ષ 1983 માં પણ ફિલ્મ ‘માસૂમ’ માં નાની ઉર્મિલા જોવા મળી હતી.

નોંધપાત્ર વાત એ છે કે ફિલ્મ ‘નિર્દોષ’ થી ઉર્મિલાને મોટી ઓળખ મળી. આ ફિલ્મનું એક પ્રખ્યાત ગીત ‘લકડી કી કાઠી, કાઠી પે ઘોડા’ ઉર્મિલા પર જ શૂટ થયું હતું. આ ગીત આજે પણ ખૂબ પ્રખ્યાત છે. આગળ જઈને ઉર્મિલા અન્ય ઘણી ફિલ્મોમાં પણ બાળ કલાકાર તરીકે જોવા મળી હતી.

કહેવામાં આવે છે કે મુખ્ય કલાકાર તરીકે પહેલી વખત ઉર્મિલા મલયાલમ સિનેમામાં જોવા મળી હતી. આ સમય દરમિયાન તેની ફિલ્મ ચાણક્યાન આવી હતી. અને હિંદી સિનેમામાં તેમણે વર્ષ 1991 માં પ્રવેશ કર્યો હતો. વર્ષ 1991 માં ઉર્મિલાની પહેલી હિંદી ફિલ્મ નરસિમ્હા રિલીઝ થઈ હતી.

ઉર્મિલાએ મલયાલમ અને હિન્દી બંને ફિલ્મી દુનિયાથી શરૂઆત કરી હતી. તેની બંને ફિલ્મો હિટ રહી હતી. વર્ષ 1995 માં આવેલી હિન્દી ફિલ્મ ‘રંગીલા’ થી ઉર્મિલાને મોટી ઓળખ મળી હતી અને તે બોલીવુડમાં છવાઈ ગઈ હતી. આ ફિલ્મ પ્રખ્યાત નિર્દેશક રામ ગોપાલ વર્માએ બનાવી હતી. આ ફિલ્મ પછી, ઉર્મિલા ‘રંગીલા ગર્લ’ તરીકે પ્રખ્યાત થઈ.

આગળ જઈને ઉર્મિલાએ રામ ગોપાલ વર્મા સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું, પરંતુ તેના માટે આ સારા સંકેતો નહોતા. ખરેખર બોલીવુડમાં ઘણા લોકો સાથે રામ ગોપાલ વર્માની અનબન હતી અને ઉર્મિલાની રામ ગોપાલ સાથે વધતી નિકટતા પછી તેમના માટે જોખમી સાબિત થઈ. પછી જ્યારે રામગોપાલે ઉર્મિલા સાથે ફિલ્મો બનાવવાનું બંધ કર્યું ત્યારે અન્ય ફિલ્મમેકર્સે પણ ઉર્મિલાથી અંતર બનાવ્યું અને ઉર્મિલાની કારકિર્દી ડૂબતી ગઈ.

ઉર્મિલાએ તેની કારકિર્દીમાં સત્ય, જુદાઇ, ખૂબસૂરત, જંગલ, મસ્ત, કૌન, ભૂત, પ્યાર તુને ક્યા કિયા, એક હસીના થી, પિંજર અને મેંને ગાંધી કો નહીં મારા જેવી ઘણી સુંદર ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મ જુદાઈમાં પણ દર્શકોને ઉર્મિલાનું પાત્ર ખૂબ પસંદ આવ્યું હતું. આ ફિલ્મમાં તેમની સાથે, દિવંગત અને દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવી અને અભિનેતા અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં હતા.

ઉર્મિલાએ વર્ષ 2016 માં 42 વર્ષની ઉંમરમાં કાશ્મીરી મોડલ અને બિઝનેસમેન મોહસીન અખ્તર મીર સાથે લગ્ન કર્યા. ઉર્મિલા છેલ્લે વર્ષ 2018 માં રિલીઝ થયેલી ફિલ્મ બ્લેકમેલમાં જોવા મળી હતી, જેમાં તેણે એક આઇટમ નંબર કર્યો હતો.

લડી 2019 ની લોકસભાની ચૂંટણી: વર્ષ 2019 ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પક્ષમાં રહીને ઉર્મિલાએ મુંબઇથી ચૂંટણી લડી હતી, જોકે તેને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારથી તેને હારનો સામનો કરવો પડ્યો હતો. પછી તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. હાલમાં ઉર્મિલા શિવસેનાની નેતા છે. ડિસેમ્બર 2020 માં, તે શિવસેનામાં જોડાઈ હતી.

Leave a Reply

Your email address will not be published.