‘ધ કશ્મીર ફાઇલ્સ’: પહેલા દિવસે જ કરી આટલા અધધધ કરોડની કમાણી, દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે ફિલ્મ, IMDB રેટિંગ 10/10

બોલિવુડ

કશ્મીરના સત્યને રજૂ કરતી ફિલ્મ ‘ધ કશ્મીર ફાઇલ્સ’ દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. પહેલા જ દિવસે આ ફિલ્મ એ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી લીધી છે. દેશભરમાં લગભગ 700 સ્ક્રીન પર આવેલી આ ફિલ્મને જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો થિએટર પહોંચી રહ્યા છે.

રેટિંગ પણ જબરદસ્ત: આ ફિલ્મને ફિલ્મ સમીક્ષકોએ ખૂબ જ સારું રેટિંગ આપ્યું છે. રિલીઝ થતા પહેલા જ આ ફિલ્મનું જ્યાં પણ પ્રમોશનલ પર્ફોર્મન્સ થયું છે, દરેક જગ્યાએ તેને સારો રિસ્પોન્સ મળ્યો છે. આ ફિલ્મનું IMDB રેટિંગ 10/10 છે.

આ ફિલ્મ 80ના દાયકાના અંતમાં અને 90ના દાયકાની શરૂઆતમાં કાશ્મીર ખીણમાં હિંદુઓ, ખાસ કરીને પંડિતો પર થયેલા અત્યાચારની સાચી ઘટનાઓ પર આધારિત છે. પાકિસ્તાની ઉશ્કેરણી હેઠળ, અલગાવવાદીઓએ ખીણના પંડિતો પર નિર્દયતાથી અત્યાચાર કર્યો હતો. મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને પણ છોડવામાં આવ્યા ન હતા. ઘણી મહિલાઓ પર બળાત્કાર કરીને તેમની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. ખીણમાં આ અત્યાચાર ત્યાં સુધી ચાલુ રહ્યો જ્યાં સુધી લગભગ તમામ પંડિતો કશ્મીર ખીણમાંથી નાસી ન ગયા . આ અત્યાચાર અને હત્યાકાંડ આ ફિલ્મમાં બતાવવામાં આવ્યો છે.

મિથુન, અનુપમ ખેરની સુંદર એક્ટિંગ: અનુપમ ખેર અને મિથુન ચક્રવર્તી અભિનીત ફિલ્મ ધ કશ્મીર ફાઇલ્સ 11 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. દર્શકોને ફિલ્મની સ્ટોરી ખૂબ જ પસંદ આવી રહી છે. જો કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સાથે જોડાયેલી ઘણી ફિલ્મો અત્યાર સુધીમાં આવી ચુકી છે, પરંતુ હવે એક એવી ફિલ્મ આવી છે જેમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે આતંકવાદીઓએ કશ્મીરી પંડિતોને તેમના ઘર છોડીને ભાગવા માટે મજબૂર કર્યા હતા. આ ફિલ્મને વિવેક અગ્નિહોત્રીએ ડાયરેક્ટ કરી છે. ફિલ્મના ટ્રેલર પરથી જ આ વાતની માહિતી મળી હતી કે મિથુન ચક્રવર્તી, અનુપમ ખેર, દર્શન કુમાર અને પલ્લવી જોશી જેવા મોટા કલાકારોએ ખૂબ જ સુંદર એક્ટિંગ કરી છે.

પહેલા જ દિવસની કમાણી 3 કરોડ: હવે વાત કરીએ આ ફિલ્મના પહેલા દિવસના કલેક્શનની. આ ફિલ્મને ભારતમાં ખૂબ જ મર્યાદિત 700 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી છે. છતાં પણ પહેલા જ દિવસે ફિલ્મ એ 3 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

શા માટે મળી ઓછી સ્ક્રીન: જો કે આશ્ચર્યની વાત એ છે કે આ ફિલ્મની આટલી વધુ લોકપ્રિયતા હોવા છતાં પણ તેને ખૂબ જ ઓછી સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી છે. સમાચાર મુજબ તેની પાછળ એક કારણ એ પણ સાંભળવા મળી રહ્યું છે કે પ્રભાસની ફિલ્મ રાધેશ્યામ પણ આજે રિલીઝ થઈ છે. આ જ કારણ છે કે કશ્મીર ફાઇલ્સને ઓછી સ્ક્રીન મળી છે. વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મમાં કલમ 370થી લઈને કશ્મીરના ઈતિહાસની પણ વાત કરવામાં આવી છે. આ ફિલ્મમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે કેવી રીતે માત્ર રાજકીય કારણોસર કશ્મીરી પંડિતોની પીડા વર્ષો સુધી દબાવી રાખવામાં આવી.