સંગમના કિનારે શા માટે સૂતેલા છે રામભક્ત હનુમાન? જાણો તેની પાછળનું રહસ્ય

ધાર્મિક

ભગવાન શ્રી રામના સૌથી મોટા ભક્ત હનુમાનજીનું નામ હંમેશાં ચમત્કારો સાથે જોડાયેલું રહે છે. તેણે પોતાના બળ અને બુદ્ધિથી ઘણા ચમત્કારો કર્યા છે. પછી ભલે તે લક્ષ્મણજી માટે સંજીવની બૂટી લાવવાનું હોય કે પછી હ્રદયમાં બેઠેલા રામ-સીતાના દર્શન કરાવવાના હોય. હનુમાનજીની કથા એવા ઘણા ચમત્કારો સાથે જોડાયેલી છે. આપણે બધા જાણીએ છીએ કે ભગવાન રામ કરતાં વધુ મંદિર તેમના ભક્ત હનુમાનના છે. દરેક ગલીમાં હનુમાનજીનું મંદિર જોવા મળે છે. પરંતુ તેના કેટલાક મંદિરો એવા છે જે ખૂબ જ ખાસ છે. તેમાંનુ એક ખાસ મંદિર છે સંગમ કિનારે આવેલું લેટે હનુમાન મંદિર.

હનુમાનજીનું આ મંદિર ખૂબ જ ખાસ છે કારણ કે અહીં પવન પુત્ર હનુમાનની મૂર્તિ ઉભી નથી પરંતુ સૂતેલી છે. આ મંદિર વિશે એવી માન્યતા છે કે જો સંગમ સ્નાન કર્યા પછી મંદિરના દર્શન કરવામાં ન આવે તો સ્નાન અધુરું રહે છે. ચાલો આપણે જાણીએ કે આ મંદિરમાં સૂતેલા હનુમાનનું રહસ્ય અને આ મંદિરની સ્થાપના કેવી રીતે થઈ.

આ છે આ મંદિરનું અનોખું રહસ્ય: દક્ષિણાભિમુખી હનુમાનજીની આ મૂર્તિ 20 ફૂટ લાંબી છે. સાથે તે જમીનની સપાટીથી 5-7 ફુટ નીચે દબાયેલી છે. સંગમ શહેરમાં તેને બડે હનુમાનજી, કિલે વાલે હનુમાનજી અને બાંધ વાલે હનુમાનજીના નામથી ઓળખવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે હનુમાનજીની આ મૂર્તિના ડાબા પગ નીચે કામદા દેવી અને જમણા પગની નીચે આહિરાવણ દબાયેલા છે. આ સાથે જમણા હાથમાં રામ લક્ષ્મણ અને ડાબા હાથમાં ગદા છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં આવનારા તમામ ભક્તોની ઇચ્છા પૂર્ણ થાય છે.

જો આપણે સૂતેલા હનુમાનના રહસ્ય વિશે વાત કરીએ, તો એવું કહેવામાં આવે છે કે જ્યારે રાવણની સેનાને હરાવીને હનુમાનજી લંકાથી પરત ફરી રહ્યા હતા, ત્યારે તેઓ થાક અનુભવી રહ્યા હતા, પછી આરામ માટે તેમણે સંગમ કિનારો પસંદ કર્યો અને અહીં આવીને સૂઈ ગયા. તેથી અહીં સૂતેલા હનુમાનજીનું મંદિર બનાવવામાં આવ્યું છે.

શું છે આ મંદિરનો ઇતિહાસ: માનવામાં આવે છે કે આ મંદિર 600 થી 700 વર્ષ જૂનું છે. કથાઓ અનુસાર, કન્નૌજના રાજાને કોઈ સંતાન નથી, આવી સ્થિતિમાં તેમના ગુરુએ એ ઉપાય જણાવ્યો કે હનુમાનજીની એવી મુર્તિ બનાવો, જ્યારે તે રામ અને લક્ષ્મણજીને નાગપાશથી બચાવવા માટે પાતાળલોકમાં ગયા હતા. સાથે જ રાજાના ગુરુએ એમ પણ કહ્યું હતું કે હનુમાનજીની મૂર્તિ વિંધ્યાચલ પર્વત પરથી બનાવીને લાવવી પડશે.

આ પછી જ્યારે કન્નૌજના રાજા હનુમાનજીની મૂર્તિને વિંધ્યાચલથી બોટમાં લાવી રહ્યા હતા, ત્યારે અચાનક બોટ તૂટી ગઈ અને મૂર્તિ ડૂબી ગઈ. રાજા દુખી મનથી ઘરે પરત ફર્યા. એવું કહેવામાં આવે છે કે થોડા વર્ષો પછી જ્યારે ગંગાની જળ સપાટી ઓછી થઈ, ત્યારે રામ ભક્ત બાબા બાલગીરી મહારાજને આ મૂર્તિ મળી અને ત્યાર પછી ત્યાંના રાજાએ મંદિર બનાવ્યું.

મૂર્તિને સ્પર્શ કરી શક્યા નહીં મોગલ શાસકો: જ્યારે ભારતમાં મોગલ શાસકો આવ્યા ત્યારે તેઓએ હિન્દુ મંદિરો તોડવાનું શરૂ કર્યું, પરંતુ સંગમ કિનારે સ્થિત આ મંદિરની મૂર્તિને મોગલ શાસકો હલાવી શક્યા નહિં. એવું કહેવામાં આવે છે કે જ્યારે મુગલ શાસકોએ આ મૂર્તિને હલાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે તે જમીન પર ઘસાતી ચાલી ગઈ. આ કારણે આ મૂર્તિ 6 થી 7 ફૂટ નીચે દબાયેલી છે.

Leave a Reply

Your email address will not be published.