એક એવું મંદિર જ્યાં રહે છે 25000 ઉંદર, વાંચો આ મંદિર સાથે જોડાયેલી પૌરાણીક કથા

ધાર્મિક

ભારતમાં એવા ઘણા મંદિરો છે જે તેમની અલગ ઓળખ માટે જાણીતા છે. રાજસ્થાનના બિકાનેરમાં આવેલું કરણી માતા મંદિર પણ પોતાનામાં ખાસ છે. આ મંદિરની વિશેષતા અહીં રહેતા 25 હજાર ઉંદરો છે. ભક્તો આ ઉંદરને માતાના સંતાન માને છે. આટલું જ નહિં અહીં આવતા શ્રદ્ધાળુઓને પ્રસાદ તરીકે ઉંદરનું જૂઠાણ આપવામાં આવે છે.

 મંદિર રાજસ્થાનમાં બિકાનેરથી લગભગ 30 કિમી દૂર દેશનોકમાં આવેલું છે. આ મંદિરને ઉંદરો વાળી માતા, ઉંદરોનું મંદિર અને મુશકનું મંદિર પણ કહેવામાં આવે છે. અહીં રહેતા ઉંદરને કાબા કહેવામાં આવે છે. મંદિરમાં 25 હજારથી વધુ ઉંદરો હોવાથી અહીં ભક્તો તેમના પગ ઉપાડીને નહિં પરંતુ ઘસીને ચાલે છે. તેનાથી કોઈ ઉંદર પગ નીચે નથી આવતો. જો આવું થાય છે, તો તે ખૂબ અશુભ માનવામાં આવે છે.

મા કરણીનો જન્મ 1387 માં એક ચારણ પરિવારમાં થયો હતો. તેમના બાળપણનું નામ રીઘુબાઈ હતું. લોકો તેને જગદંબા માતાનો અવતાર પણ માને છે. તેના લગ્ન સાઠિકા ગામના કિપોજી ચારણ સાથે થયા હતા. માતાનું સાંસારિક જીવનમાં મન ન લાગ્યું તો તેમણે પોતાની નાની બહેન ગુલાબના લગ્ન કિપોઝી ચારણ સાથે કરાવ્યા. ત્યાર પછી તે માતા રાનીની ભક્તિ અને લોકોની સેવામાં લાગી ગઈ. કહેવામાં આવે છે કે તે 151 વર્ષ દુધી જીવીત હતી.

કરણી માતા મંદિરમાં કાળા અને સફેદ બંને ઉંદરો છે. સફેદ ઉંદરને વધુ પવિત્ર માનવામાં આવે છે. મંદિરમાં ઉંદર હોવા પાછળ એક રસપ્રદ કથા છે. એકવાર કરણી માતાના બાળકો, તેના પતિ અને તેની બહેનનો પુત્ર લક્ષ્મણ બધા કપિલ તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા. આવી સ્થિતિમાં માતાએ મૃત્યુના દેવ યમને વિનંતી કરી કે તે લક્ષ્મણને જીવંત બનાવે. ત્યાર પછી યમરાજે તેને ઉંદર તરીકે પુનર્જીવિત કર્યો.

બીજી માન્યતા મુજબ 20 હજાર સૈનિકોની ટુકડી દેશનોક ઉપર હુમલો કરવા માટે આવી હતી. માતાએ તેને પોતાના પ્રતાપથી ઉંદરનું સ્વરૂપ આપ્યું. એક રસપ્રદ વાત એ પણ છે કે જ્યારે પણ સવારે 5 વાગ્યે અને સાંજે 6 વાગ્યે આરતી થાય છે તો ઉંદર પોતાની રીતે દરમાંથી બહાર નીકળી જાય છે.

સામાન્ય રીતે જો ઘરમાં કોઈ ઉંદર કોઈ ચીજ જૂઠી કરે છે તો તેને ફેંકી દેવામાં આવે છે. પરંતુ આ મંદિરમાં ભક્તોને ઉંદર દ્વારા જૂઠી કરેલી પ્રસાદી આપવામાં આવે છે. આજ સુધી આ પસાદ લીધા પછી કોઈની બીમાર થવાની વાત સામે આવી નથી.