અહીં આવેલું છે દેશનું સૌથી ઉંચું શિવ મંદિર, અહીં પર લાગેલા પત્થરોમાંથી નિકળે છે ડમરૂનો અવાજ

ધાર્મિક

હિમાચલ પ્રદેશમાં આવેલું જટોલી શિવ મંદિર ખૂબ જ ખાસ છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શંકરે અહીં નિવાસ કર્યો હતો. તે દેશનું સૌથી ઉંચું શિવ મંદિર પણ માનવામાં આવે છે. આ મંદિર 122 ફૂટની ઉંચાઈ પર છે અને અહીં સુધી પહોંચવા માટે ઘણું ચળવું પડે છે. શ્રાવણ મહિનામાં ભક્તોની અહીં લાઈન લાગે છે અને દર્શન કરવામાં કલાકોનો સમય લાગે છે.

હિમાચલના સોલનમાં બનેલું જટોલી શિવ મંદિર એક ટેકરી પર છે. આ મંદિરનું નિર્માણ દ્રવિડ શૈલીમાં કરવામાં આવ્યું છે. તેની ઉંચાઈ લગભગ 111 ફૂટ છે. મંદિરની ટોચ પર 11 ફૂટનો વિશાળ સોનાનો કળશ પણ સ્થાપિત કરવામાં આવ્યો છે. આ મંદિર પાસે પાણીનો એક જલકુંડ પણ છે. આ જલકુંડ હંમેશા પાણીથી ભરાયેલો રહે છે. ઉનાળાની ઋતુમાં પણ તે સુકાતો નથી.

આ મંદિરની દિવાલો પર વિવિધ દેવતાઓની મૂર્તિઓ કોતરવામાં આવી છે. જ્યારે અંદર સ્ફટિક મણિ શિવલિંગ સ્થાપિત છે. આ ઉપરાંત અહીં ભગવાન શિવની સાથે માતા પાર્વતીની મૂર્તિઓ પણ છે. મંદિરમાં લાગેલા પથ્થરોમાંથી એક ખાસ અવાજ પણ આવે છે. જે ડમરૂ જેવો હોય છે. અહીંના સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ જગ્યા પર ભગવાન શિવ આવીને રોકાયા હતા અને પથ્થરોમાંથી જે અવાજ આવે છે તે ડમરું વગાડવાનો છે.

જલકુંડની કથા: મંદિર પાસે એક જલકુંડ છે અને આ જલકુંડ સાથે પણ એક કથા જોડાયેલી છે. વર્ષ 1950 માં સ્વામી કૃષ્ણાનંદ પરમહંસ નામના સંત અહીં આવ્યા હતા. તે સમયે સોલનમાં પાણીની અછત ચાલી રહી હતી. પાણીની અછતને કારણે લોકો ખૂબ મુશ્કેલીમાં હતા. આવી સ્થિતિમાં સ્વામી કૃષ્ણાનંદ પરમહંસે કઠોર તપ કર્યું અને પોતાના ત્રિશૂલથી પ્રહાર કરીને આ જલકુંડનું નિર્માણ કર્યું. ત્રિશુલ જમીન પર પડતાં જ પાણીનો પ્રવાહ ફાટી પડ્યો. તેમાંથી આ જલકુંડ બનીને તૈયાર થયો. આ જલકુંડ અત્યાર સુધીમાં કે વખત પણ સૂકાયું નથી અને હંમેશા પાણીથી ભરેલું રહે છે. જે લોકો અહીં આવીને આ જલકુંડના પાણીથી એક વખત સ્નાન કરી લે તેમને રોગોથી છુટકારો મળે છે.

39 વર્ષમાં બનીને તૈયાર થયું: જટોલી શિવ મંદિરનું નિર્માણ કાર્ય સંત કૃષ્ણાનંદના માર્ગદર્શન પર કરવામાં આવ્યું હતું. વર્ષ 1974 માં તેમણે આ મંદિરનો પાયો નાખ્યો હતો. જોકે, તેમણે વર્ષ 1983 માં સમાધિ લીધી હતી. તેમના ગયા પછી મંદિર નિર્માણનું કામ મંદિર વ્યવસ્થાપન સમિતિએ સંભાળ્યું હતું. આ ભવ્ય મંદિર બનવામાં 39 વર્ષનો સમય લાગ્યો હતો. ભગવાન શિવને સમર્પિત આ મંદિરમાં સોમવાર અને શ્રાવણ મહિના દરમિયાન ખાસ ભીડ રહે છે. વધુ ભીડને કારણે દર્શન કરવામાં વધુ સમય લાગે છે અને કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડે છે.

કેવી રીતે જવું: સોલન સડક માર્ગ સાથે જોડાયેલો છે. જ્યારે ચંડીગઢ સુધી સરળતાથી હવાઈ માર્ગે દ્વારા પહોંચી શકાય છે. અહીંથી તમે બસ અથવા ટેક્સી દ્વારા સોલન જઈ શકો છો. ચોમાસા દરમિયાન હિમાચલમાં ખૂબ વરસાદ પડે છે. તેથી જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં આ સ્થળની મુલાકાત લેવાથી બચો.