‘તારક મેહતા’ ના જેઠાલાલને સુંદરે આપ્યા સારા સમાચાર, ટૂંક સમયમાં આવી રહી છે નવી દયાબેન, વીડિયોમાં જુવો તેની પહેલી ઝલક

મનોરંજન

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવી સીરિયલમાંથી કેટલાક કલાકારો દૂર જવાથી શોને મોટો ઝટકો લાગ્યો હતો, પરંતુ હવે શોના મેકર્સ આ કમીને દૂર કરવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જ શૈલેષ લોઢાએ શો છોડી દીધો હતો, ત્યાર પછી ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મેકર્સ પ્રયત્ન કરી રહ્યા છે કે દર્શકોનો રસ શો પ્રત્યે બની રહે. આવી સ્થિતિમાં તે કોઈને કોઈ નવો ટ્વિસ્ટ લાવી રહ્યા છે.

શોના નિર્માતા અસિત મોદીએ હિંટ આપી હતી કે દયાબેન પરત ફરવાના છે. જોકે તેમણે એ નથી જણાવ્યું કે દયાબેનના રોલમાં દિશા વાકાણી જોવા મળશે કે કોઈ અન્ય અભિનેત્રી જોવા મળશે. જો કે આ બધાની વચ્ચે ‘તારક મેહતા’ના નવા પ્રોમોમાં દયાબેનના આગમનની ઝલક જોવા મળી છે.

શોનો પ્રોમો થયો વાયરલ: સામે આવેલા પ્રોમોમાં સૌથી પહેલા એક મહિલાના પગ પર ફોક્સ કરવામાં આવે છે જે ચાલી રહી હોય. આગળ, જેઠાલાલ ફોન પર વાત કરતાં આશ્ચર્યચકિત થઈ જાય છે. તે ફોન પર સુંદર સાથે વાત કરે છે જે કહે છે કે તે પોતે બેહનાને લઈને આવશે. જેઠાલાલ જ્યારે આ સાંભળે છે, ત્યારે તેની ખુશીનો કોઈ પાર નથી રહેતો. તેમના માટે આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. તે સુંદરને પૂછે છે કે તે મજાક તો નથી કરી રહ્યોને. સુંદર કહે છે કે બેહના મુંબઈ પરત આવશે. જણાવી દઈએ કે શોમાં સુંદર, દયાબેનના ભાઈ છે.

સુંદરે જેઠાલાલને કર્યા ખુશ: પ્રોમો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ઓફિશિયલ સોશિયલ મીડિયા પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. આ સાથે કેપ્શનમાં લખ્યું છે કે, ‘સુંદર પાસે જેઠાલાલ માટે સારા સમાચાર છે. શું તમે અંદાજ લગાવી શકો છો?’

તમને જણાવી દઈએ કે શોની પહેલી દયાબેન એટલે કે દિશા વાકાણી હાલમાં જ બીજા બાળકની માતા બની છે. આવી સ્થિતિમાં તેના માટે આવવું મુશ્કેલ લાગી રહ્યું છે. દિશાએ 2017માં શોમાંથી મેટરનિટી બ્રેક લીધો હતો. તે સમયે તેમની પુત્રીનો જન્મ થયો હતો. ત્યારથી દિશા શોમાં પરત ફરી નથી.