ફિલ્મ શોલે સાથે જોડાયેલી આ વાત સાંભળીને પરેશાન થઈ ગઈ હતી હેમા માલિની, જાણો તે વાત વિશે

બોલિવુડ

ફિલ્મ ‘શોલે’ બોલીવુડ ફિલ્મ ઈંડસ્ટ્રીની સૌથી સફળ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મ પછી ખરેખર માતાઓએ પોતાના બાળકોને ગબ્બરનો ડર બતાવીને સુવડાવવાનું શરૂ કરી દીધું હતું. સાથે જ ગલી-ગલીમાં મિત્રોની જોડીને જય અને વીરુનું નામ આપવામાં આવ્યું. જણાવી દઈએ કે 15 ઓગસ્ટ 1975 ના રોજ રિલીઝ થયેલી ‘શોલે’ ફિલ્મ સાથે ઘણા કિસ્સા પ્રખ્યાત છે. આવા જ કિસ્સા અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. જેને સાંભળીને ડ્રીમ ગર્લ હેમા માલિની પરેશાન થઈ ગઈ હતી.

જણાવી દઈએ કે હેમા માલિનીને બ્લોકબસ્ટર ફિલ્મ શોલે રિલીઝ થયા પછી એક એવા સમાચાર મળ્યા હતા, જેના કારણે તેના ચહેરાનો રંગ ઉતરી ગયો હતો. આટલું જ નહીં ધર્મેન્દ્ર પણ હેમાને પરેશાન જોઈને ચિંતિત થઈ ગયા હતા.

નોંધપાત્ર છે કે ડાયરેક્ટર રમેશ સિપ્પીની ફિલ્મ શોલેમાં ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન, જયા ભાદુરી, હેમા માલિની, સંજીવ કુમાર જેવા ઘણા મોટા કલાકારો હતા. ફિલ્મ બન્યા પછી એક નહિં ઘણી વખત પેંચ ફસાયો હતો. ક્યારેક કસ્ટમમાં ફિલ્મની પ્રિંટ ફસાઈ ગઈ હતી તો ક્યારેક ફિલ્મના ક્લાઈમેક્સને લઈને શંકા થઈ હતી. સાથે જ આ બધી સમસ્યાઓથી બહાર નીકળીને જ્યારે ફિલ્મ રિલીઝ થઈ તો હેમા એક અલગ પ્રકારની મુંજવણમાં હતી.

જણાવી દઈએ કે હેમા માલિની બીજી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતી, પરંતુ ત્યાં તેની મુલાકાત ડાયરેક્ટર રમેશ સિપ્પી સાથે થઈ હતી. હેમા એ રમેશ પાસે ફિલ્મના રિવ્યૂ માંગ્યા તો તેમણે કહ્યું કે દર્શકોને આ પસંદ ન આવી. સાથે જ તમને બધાને માહિતી માટે જણાવી દઈએ કે આ કિસ્સો કૌન બનેગા કરોડપતિના સેટ પર હેમા અને રમેશ સિપ્પીએ જણાવ્યો હતો.

રમેશે કહ્યું કે ફિલ્મ દર્શકોને સમજમાં ન આવી. તેમને મજા ન આવી. આ સાંભળીને હેમા માલિની ખૂબ જ પરેશાન થઈ ગઈ અને તેના ચહેરાનો રંગ ઉડી ગયો હતો.

ત્યાર પછી આગળની સ્ટોરી અમિતાભ બચ્ચને જણાવી. તેમણે જણાવ્યું કે તે જ સાંજે તેમના ઘરે એક મિટિંગ યોજાઈ હતી જેમાં સલીમ ખાન, રમેશ સિપ્પી અને ધર્મેન્દ્ર હાજર રહ્યા હતા.

તે દરમિયાન એ નક્કી કરવામાં આવ્યું કે ફિલ્મમાં જયના મૃત્યુ વાળો ભાગ બદલવો જોઈએ અને તેને ફરીથી જીવિત કરવામાં આવે, કારણ કે કદાચ રાધા(જયા બચ્ચન) ની ફરીથી વિધવા બનવાની વાત દર્શકો પચાવી શકતા નથી.

પરંતુ રમેશ સિપ્પી એ કહ્યું જે સોમવાર સુધી જોઈ લઈએ, નહિં તો કેટલાક ફેરફાર કરશું. પરંતુ સોમવાર સુધીમાં ફિલ્મ દર્શકોની વચ્ચે એક અલગ જ ઓળખ મેળવી ચુકી હતી.