શાહિદ કપૂર આજે બોલિવૂડના સૌથી ટેલેંટેડ અભિનેતાઓના લિસ્ટમાં શામેલ છે. આ અભિનેતાએ પોતાની કારકિર્દી દરમિયાન ‘જબ વી મેટ’, ‘કબીર સિંહ’ જેવી ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. આજે અભિનેતા પોતાનો 42મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. શાહિદ કપૂરના ચાહકો જન્મદિવસ પર તેમને દિલ ખોલીને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. તો ચાલો, આજે અમે તમને શાહિદ કપૂરની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલી કેટલીક ખાસ અને રસપ્રદ વાતો જણાવીએ.
શાહિદ કપૂર બોલિવૂડ અભિનેતા પંકજ કપૂર અને અભિનેત્રી નીલિમા અઝીમના પુત્ર છે. શાહિદ કપૂર માત્ર 3 વર્ષના હતા જ્યારે તેના માતાપિતાના છૂટાછેડા થઈ ગયા હતા. નીલિમા અઝીમ સાથે છૂટાછેડા લીધા પછી અભિનેતા પંકજ કપૂર મુંબઈ શિફ્ટ થઈ ગયા હતા. જ્યારે શાહિદ કપૂર પોતાની માતા સાથે દિલ્હીમાં રહેતા હતા.
શાહિદ કપૂરને તેમની કારકિર્દીની શરૂઆતમાં ‘ચોકલેટી બોય’ કહેવામાં આવતા હતા. આ અભિનેતા પોતાની એક્ટિંગ ઉપરાંત પોતાના લુક અને ડાન્સ માટે પણ જાણીતા છે. પરંતુ શાહિદ કપૂરની ફિલ્મોમાં સફર બિલકુલ પણ સરળ ન હતી.
એક સ્ટાર કિડ હોવા છતાં, શાહિદ કપૂરે ફિલ્મોમાં પોતાને સ્થાપિત કરવામાં ઘણો સમય લીધો. આ અભિનેતાએ ફિલ્મોમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
પહેલી ફિલ્મ જ રહી સુપરહિટ: ‘તાલ’ અને ‘દિલ તો પાગલ હૈ’ જેવી સુપરહિટ ફિલ્મોમાં આ અભિનેતા બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે જોવા મળી ચુક્યા છે. લાંબા સંઘર્ષ પછી શાહિદને 2003માં ફિલ્મ ‘ઈશ્ક વિશ્ક’થી મોટો બ્રેક મળ્યો હતો. આ ફિલ્મમાં શાહિદ કપૂર અને અમૃતા રાવે મુખ્ય ભૂમિકા નિભાવી હતી. દર્શકોને આ જોડીની કેમેસ્ટ્રી ખૂબ પસંદ આવી હતી.
બેક-ટૂ-બેક ઘણી ફિલ્મો થઈ ફ્લોપ: પહેલી ફિલ્મની સફળતા પછી શાહિદ કપૂરને ઘણી ફિલ્મો મળી, પરંતુ એક પણ ફિલ્મ અભિનેતાને તેમની ડેબ્યૂ ફિલ્મ જેવી સફળતા અપાવી શકી નહીં. શાહિદ બેક ટુ બેક ‘ફિદા’, ‘દીવાને હુયે પાગલ’, ‘વાહ! લાઈફ હો તો ઐસી’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા, પરંતુ આ બધી ફિલ્મો ફ્લોપ સાબિત થઈ હતી.
‘વિવાહ’ એ આપ્યું જીવનદાન: 2006માં શાહિદ કપૂરને ફરી એકવાર ફિલ્મ મેકર સૂરજ બડજાત્યાની ફિલ્મ ‘વિવાહ’થી મોટો બ્રેક મળ્યો. ત્યાર પછી, 2007માં રિલીઝ થયેલી ઇમ્તિયાઝ અલીની ફિલ્મ ‘જબ વી મેટ’ એ અભિનેતાનું નસીબ બદલી નાખ્યું. શાહિદ કપૂરની આ ફિલ્મ બોલિવૂડની શ્રેષ્ઠ રોમેન્ટિક-કોમેડી ફિલ્મોમાંથી એક છે. ત્યાર પછી શાહિદ કપૂરે પોતાની કારકિર્દીમાં ક્યારેય પાછળ વળીને જોયું નથી.