કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અવારનવાર ચર્ચામાં રહે છે. ઘણા લોકોના મનમાં એ સવાલ પણ ઉઠે છે કે તે કેટલી સંપત્તિના માલિક છે. આ સવાલ જેટલો સરળ છે જવાબ તેટલો જ મુશ્કેલ છે. 1957થી અત્યાર સુધીમાં સિંધિયા પરિવારના ઉમેદવારોએ જે સંપત્તિ જાહેર કરી છે તે, તે આંકડાથી ખૂબ ઓછી છે જેટલી સામાન્ય ધારણા છે.
400 અબજ રૂપિયા છે સિંધિયા પરિવારની સંપત્તિ: જ્યોતિરાદિત્ય સિંધિયાએ જ્યારે ચૂંટણી માટે અરજી કરી હતી ત્યારે તેમણે પોતાની સંપત્તિ 2 અબજથી વધુ હોવાનું જણાવ્યું હતું, જોકે સિંધિયા પરિવારની જે સંપત્તિને લઈને અનેક કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે, તેમની અંદાજિત કિંમત લગભગ 40 હજાર કરોડ એટલે કે 400 અબજ રૂપિયા છે.
ઘણી પેઢીઓ સાથે ચાલી રહ્યો છે સંપત્તિનો વિવાદ: સિંધિયા પરિવારનો સંપત્તિ વિવાદ ખૂબ જૂનો છે. તે રાજમાતા વિજયારાજે સિંધિયાના સમયથી શરૂ થયું હતું. ખરેખર આ કેસ રાજમાતાની બે વિલ વચ્ચે ફસાયેલો છે. રાજમાતાએ તેમના વિલમાં પુત્ર માધવરાવ સિંધિયા અને પૌત્ર જ્યોતિરાદિત્યને સંપત્તિમાંથી બહાર કર્યા હતા.
ફઈ અને ભત્રીજા વચ્ચે છે સંપત્તિની લડાઈ: રાજમાતાએ પોતાની સંપત્તિનો એક ભાગ પોતાની ત્રણ પુત્રીઓ- ઉષા રાજે, વસુંધરા રાજે અને યશોધરા રાજેના નામે કર્યો હતો. માધવરાવ જ્યાં સુધી જીવતા હતા ત્યાં સુધી તેઓ આ કેસ કોર્ટમાં લડતા રહ્યા. તેમના ગયા પછી હવે આ લડાઈ જ્યોતિરાદિત્ય લડી રહ્યા છે. બીજી તરફ જ્યોતિરાદિત્યની ત્રણ ફઈ પણ મિલકત પર પોતાના દાવા માટે લડાઈ લડી રહી છે.
બે વિલ વચ્ચે અટવાયેલી છે બાબત: વર્ષ 1984માં બોમ્બે હાઈકોર્ટના એક નિર્ણય મુજબ સિંધિયા પરિવારની તમામ સંપત્તિ વિજયરાજે અને તેમના એકમાત્ર પુત્ર માધવરાવ વચ્ચે અડધી-અડધી વહેંચવામાં આવી હતી. આ ત્યારે થયું હતું જ્યારે રાજમાતાએ અરજી દાખલ કરી હતી. તેમણે આવું એટલા માટે કર્યું હતું કારણ કે રાજમાતાના પતિ જીવાજી રાવ સિંધિયાએ મૃત્યુ પહેલા કોઈ વસિયત છોડી ન હતી. ત્યાર પછી જ્યારે રાજમાતા અને માધવરાવ વચ્ચે સંપત્તિને લઈને વિવાદ થયો, ત્યારે કોર્ટે તે બંનેમાં અડધા-અડધા ભાગમાં વહેંચી દીધી હતી.
ત્યાર પછી વર્ષ 1990 માં, માધવરાવ સિંધિયાએ ગ્વાલિયર કોર્ટમાં એક અરજી દાખલ કરી જેમાં તેમણે દાવો કર્યો કે તે પોતે જ સિંધિયા રાજવંશની તમામ સંપત્તિના એકમાત્ર વારસદાર છે. હાલમાં આ કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. સાથે જ રાજમાતાની ત્રણ પુત્રીઓ માધવરાવના આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢે છે. તે તેના ડિફેંસમાં રાજમાતાની વર્ષ 1985 ની એક વસીયતનો હવાલો આપે છે.
આ વસિયતનામા દ્વારા રાજમાતાએ તેમના પુત્ર અને પૌત્રને પોતાની તમામ સંપત્તિ માંથી બહાર કર્યા હતા. આ વારસદારમાં રાજમાતાએ પોતની બે તૃતીયાંશ સંપત્તિ ત્રણ પુત્રીઓના નામે જ્યારે એક તૃતીયાંશ ભાગ એક ટ્રસ્ટ દ્વારા ચેરેટીના નામે કરી દીધી હતી.
સાથે જ રાજમાતાના પક્ષકાર વકીલો દ્વારા વર્ષ 2001 માં એક બીજું વસિયતનામું કોર્ટમાં બતાવ્યું હતું. આ વસિયતનામા મુજબ રાજમાતાએ પોતાની તમામ સંપત્તિ ત્રણેય પુત્રીઓના નામે કરી દીધી હતી. જો કે કોર્ટ આ વસિયતનામાની માન્યતાની તપાસ કરી રહી છે.
આ વાતની શક્યતા ઓછી છે કે આ બાબત ટૂંક સમયમાં હલ થશે. જ્યોતિરાદિત્ય સિંધિયાની ત્રણ ફઈ ઉષા રાજે, વસુંધરા રાજે અને યશોધરા રાજે સિંધિયા પોતાની સંપત્તિ પર હક છોડવા માટે રાજી નથી. સાથે જ જ્યોતિરાદિત્ય પણ પોતાની સંપત્તિ લેવાથી પાછળ હટવાના નથી.