પરિવાર સાથે ખૂબ રમી હોળી, પછી થઈ બેચેની અને આવ્યો હાર્ટ એટેક, આ રીતે દુનિયા છોડી ગયા સતીશ કૌશિક

બોલિવુડ

બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ સમયે શોકની લહેર ચાલી રહી છે. તેનું કારણ દિગ્ગઝ અભિનેતા અને ફિલ્મ મેકર સતીશ કૌશિકનું અચાનક દુનિયા છોડીને જવું છે. આજે 9 માર્ચે સવારે જ્યારે તેમના અવસાનના સમાચાર આવ્યા ત્યારે દરેક આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કોઈએ વિચાર્યું ન હતું કે સતીશ અચાનક દુનિયાને અલવિદા કહી દેશે. ખરેખર, મૃત્યુના એક દિવસ પહેલા, તેઓ સંપૂર્ણપણે ઠીક લાગી રહ્યા હતા. તેમણે પોતાના મિત્રો અને પરિવાર સાથે હોળી પણ સેલિબ્રેટ કરી હતી.

હોળી રમ્યા પછી બગડી તબિયત: 7 માર્ચે સતીશ કૌશિકે જાવેદ અખ્તર અને શબાના આઝમીની હોળી પાર્ટીમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો સાથે ખૂબ હોળી રમી હતી. તેમણે આ હોળી સેલિબ્રેશનની તસવીરો પણ બીજા દિવસે એટલે કે 8 માર્ચે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ તસવીરોમાં તે ખૂબ જ ખુશ અને હસતા જોવા મળી રહ્યા છે. તેમને જોઈને કહેવું મુશ્કેલ છે કે આ રીતે તે અચાનક દુનિયાને અલવિદા કહી દેશે.

આ હોળી પાર્ટીમાં તે મહિમા ચૌધરી, જાવેદ અખ્તર, રિચા ચઢ્ઢા અને અલી ફઝલ સાથે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે બપોર સુધી અહીં હોળી સેલિબ્રેટ કર્યા પછી તેઓ દિલ્હી જવા રવાના થયા હતા. દિલ્હીમાં તેમણે તેમના મિત્રો અને પરિવાર સાથે હોળી સેલિબ્રેટ કરી. પરંતુ હોળી રમ્યા પછી તેઓ બેચેની અનુભવી રહ્યા હતા. આવી સ્થિતિમાં પરિવાર તેમને ફોર્ટિસ હોસ્પિટલમાં લઈ ગયો. અહીં ડૉક્ટરોએ તેમને બચાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યા, પરંતુ તેમણે રાત્રે અંતિમ શ્વાસ લીધો.

આજે મુંબઈમાં કરવામાં આવશે અંતિમ સંસ્કાર: જણાવવામાં આવી રહ્યું છે કે સતીશજીને હાર્ટ એટેક આવ્યો હતો. હાલમાં તેમના મૃતદેહનું દિલ્હીની દીનદયાલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. આ પછી બપોરે 3 વાગ્યાની આસપાસ તેમના પાર્થિવ દેહને મુંબઈ લઈ જવામાં આવશે. અહીં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સતીશના પરિવારમાં તેમની પત્ની શશી અને પુત્રી વંશિકા છે. વંશિકા માત્ર 11 વર્ષની છે. તેમની અચાનક વિદાયથી પરિવારને મોટો આઘાત લાગ્યો છે.

સતીશ કૌશિકની કમી બોલિવૂડમાં હંમેશા રહેશે. તેઓ એક શ્રેષ્ઠમહાન અભિનેતા હતા. તેમની કોમેડી લોકોને ખૂબ પસંદ આવતી હતી. તેમની ડાયલોગ ડિલિવરી અને કોમિક ટાઈમિંગ કમાલની હતી. એક્ટિંગ પછી તેમણે ડાયરેક્શનમાં પણ હાથ અજમાવ્યો. તેમાં પણ તેમને ઘણી સફળતા મળી.

ફિલ્મોમાં કરી યાદગાર ભૂમિકાઓ: જોકે, સતીશ કૌશિકે પોતાની ફિલ્મી કારકિર્દીમાં ઘણી ભૂમિકાઓ નિભાવી હતી. પરંતુ તેમના કેટલાક પાત્રો હજુ પણ લોકોને ખૂબ પસંદ આવે છે. તેમાં, મિસ્ટર ઈન્ડિયાનું કેલેન્ડર પાત્ર દરેકનું ફેવરિટ છે. ત્યાર પછી દિવાના મસ્તાનામાં પપ્પુ પેજરનો રોલ પણ ખૂબ યાદ કરવામાં આવે છે. જાને ભી દો યારોં, કાગઝ, સ્વર્ગ, જમાઈ રાજા, સાજન ચલે સસુરાલ, મિસ્ટર ઔર મિસિસ ખિલાડી તેમની કેટલીક મુખ્ય ફિલ્મો હતી.

નિર્દેશક તરીકે તેમણે મિલેંગે મિલેંગે, શાદી સે પહલે, વાદા, તેરે નામ, બધાઈ હો બધાઈ, મુઝે કુછ કહેના હૈ, હમારા દિલ આપકે પાસ હૈ, હમ આપકે દિલ મેં રહેતે હૈ, પ્રેમ, રૂપ કી રાની ચોરોં કા રાજા જેવી ફિલ્મો બનાવી. તેઓ બધાઈ હો બધાઈ અને મિસ્ટર ઈન્ડિયા જેવી ફિલ્મોના પ્રોડ્યૂસર પણ રહ્યા. સાથે જ મિલેંગે મિલેંગે, શાદી સે પહલે અને જાને ભી દો યારોમાં તેમણે લેખક તરીકે કામ કર્યું.