‘રોકી’થી લઈને ‘અધીરા’ સુધી, સંજય દત્તના સિનેમામાં 41 વર્ષ, અભિનેતાએ ચાહકોને કહી આ ખાસ વાત

બોલિવુડ

છેલ્લા ચાર દાયકાથી હિન્દી સિનેમામાં કામ કરી રહેલા સુપરસ્ટાર સંજય દત્તે બોલિવૂડમાં 41 વર્ષની સુંદર સફર કરી છે. હિન્દી સિનેમામાં કામ કરતા સંજય દત્તને 41 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. તેણે 41 વર્ષ પહેલા વર્ષ 1981માં પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. નરગીસ અને સુનીલ દત્તના પુત્ર સંજય દત્તે પણ તેમની જેમ બોલિવૂડમાં સ્થાન મેળવ્યું છે.

સંજય દત્તની ફિલ્મી કારકિર્દીની શરૂઆત ફિલ્મ રોકીથી થઈ હતી. આ ફિલ્મ વર્ષ 1981માં આવી હતી. સંજયની ફિલ્મ એ રિલીઝ થયાના 41 વર્ષ પૂર્ણ કરી લીધા છે અને આ સાથે જ સંજય દત્તના પણ બોલિવૂડમાં 41 વર્ષ પૂર્ણ થઈ ચુક્યા છે. જણાવી દઈએ કે સંજય દત્તે ફિલ્મોમાં મુખ્ય અભિનેતા તરીકે 21 વર્ષની ઉંમરમાં કામ કરવાનું શરૂ કર્યું હતું અને આ ટ્રેન્ડ આજે પણ અકબંધ છે. અત્યારે પણ સંજય દત્ત ફિલ્મોમાં કામ કરી રહ્યો છે, જોકે હવે તે સાઈડ અને સપોર્ટિંગ રોલમાં જોવા મળે છે.

સંજુ બાબાના નામથી પ્રખ્યાત સંજય દત્તે હિન્દી સિનેમામાં પોતાના 41 વર્ષ પૂરા થવા પર સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી હતી અને તેણે પોતાની ખાસ તસવીર શેર કરી છે. આ સાથે તેણે એક ખાસ નોટ પણ લખી છે. સંજયે ઈન્સ્ટાગ્રામ પરથી તેની તસવીર શેર કરી છે જે તેની પહેલી ફિલ્મ રોકી સાથે જોડાયેલી છે. તેમાં યુવાન સંજય દત્ત માથા પર બેન્ડ બાંધેલા જોવા મળી રહ્યા છે અને તેમણે બેન્ડ સાથે મેચિંગ કલરનાં કપડાં પણ પહેર્યાં છે. સંજયની જૂની તસવીર ચાહકોને પસંદ આવી રહી છે.

ઇન્સ્ટાગ્રામ પર આ તસવીર શેર કરવાની સાથે સંજય દત્તે એક ખાસ કેપ્શન પણ આપ્યું છે, તેમણે પોતાના કેપ્શનમાં લખ્યું છે કે, “4 દાયકા + 1 વર્ષ ચોક્કસપણે જીવનભરની એક સફર છે. તમે બધાએ મને રોકી તરીકે અને હવે અધીરા તરીકે જે પ્રેમ આપ્યો તે બદલ આપ સૌનો આભાર. હું આશા રાખું છું કે આવનારા સમયમાં હું મારા બધા ચાહકો અને શુભેચ્છકોનું મનોરંજન કરતો રહીશ. સિનેમાના 41 વર્ષ”.

સંજય દત્તે પોતાની પોસ્ટમાં પોતાની પહેલી ફિલ્મ ‘રોકી’ થી લઈને પોતાની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘KGF 2’ વિશે વાત કરી છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં રિલીઝ થયેલી કન્નડ અભિનેતા યશની ફિલ્મ ‘KGF 2’માં સંજય દત્તે પણ કામ કર્યું છે.

તેણે આ ફિલ્મમાં વિલન ‘અધીરા’નું પાત્ર નિભાવ્યું છે, જે ચાહકોને ખૂબ પસંદ આવ્યું છે. સંજય અને યશની આ ફિલ્મ એ કમાણીના લગભગ દરેક રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ફિલ્મ દુનિયાભરમાં કમાણીની બાબતમાં ભારતીય સિનેમાની ત્રીજી સૌથી સફળ ફિલ્મ બની ચુકી છે.

સંજયની પોસ્ટ પર ચાહકોએ લૂટાવ્યો પ્રેમ: સંજય દત્તની પોસ્ટ પર અને બોલિવૂડમાં તેના 41 વર્ષ પૂર્ણ થવા પર ચાહકોએ પણ પ્રેમ લૂટાવ્યો છે. સંજય દત્તની પુત્રી ત્રિશાલા દત્તે હાર્ટ ઈમોજી કોમેન્ટ કર્યું છે. સાથે જ એક ચાહકે ફાયર ઇમોજી સાથે કમેન્ટમાં ‘બાબા’ લખ્યું છે. સાથે જ એક યુઝરે લખ્યું છે કે, “લગે રહો બાબા”. એક અન્ય યુઝરે કમેન્ટમાં લખ્યું છે કે, “તમે એક મહાન અભિનેતા છો”.

‘સંજુ બાબા’ના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે હવે ‘KGF 2’ પછી ટૂંક સમયમાં અક્ષય કુમાર અને માનુષી છિલ્લરની ફિલ્મ ‘પૃથ્વીરાજ’માં જોવા મળશે. આ ફિલ્મ 3 જૂને રિલીઝ થશે. ત્યાર પછી સંજય દત્ત રણબીર કપૂર અને વાણી કપૂરની ફિલ્મ ‘શમશેરા’માં પણ જોવા મળશે.