બિગ બોસ ટીવીનો સૌથી વિવાદાસ્પદ પરંતુ સૌથી લોકપ્રિય રિયાલિટી શો છે. તેની અત્યાર સુધી 15 સીઝન આવી ચુકી છે. હવે 16મી સિઝનની તૈયારીઓ ચાલી રહી છે. દર વખતની જેમ આ વખતે પણ આ શોને બોલીવુડના દબંગ સલમાન ખાન હોસ્ટ કરશે. જોકે, આ સિઝન સલમાન માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. કારણ કે તેણે બિગ બોસ 16 માટે ખૂબ જ મોટી ફી ચાર્જ કરી છે.
બિગ બોસ 16 માટે સલમાને લીધા 800 કરોડ: તમને જાણીને નવાઈ લાગશે કે સલમાને બિગ બોસની 16મી સીઝન હોસ્ટ કરવા માટે 800 કરોડ રૂપિયાની ડીલ ફાઈનલ કરી છે. આ વાતનો દાવો ક્રિટિક અને ઓવરસીઝ સેન્સર બોર્ડના સભ્ય ઉમૈર સંધુએ પોતાના ટ્વિટમાં કર્યો છે. તેમણે જણાવ્યું કે બિગ બોસ 16ના બદલે સલમાન ખાનને 800 કરોડ રૂપિયા ફી મળી રહી છે.
કહેવામાં આવી રહ્યું છે કે સલમાને મેકર્સ પાસેથી 1050 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ ભાવ-તાલ પછી 800 કરોડ રૂપિયામાં વાત ફાઈનલ થઈ છે. જણાવી દઈએ કે સલમાને બિગ બોસ 15 માટે 350 કરોડ લીધા હતા. એટલે કે આ વર્ષે તેઓ લગભગ બમણી ફી વસૂલી રહ્યા છે.
રસપ્રદ સ્પર્ધકોના જુગાડમાં વ્યસ્ત છે મેકર્સ: બીજી તરફ બિગ બોસ 16માં સ્પર્ધકોના નામને લઈને પણ અફવાઓનું બજાર ગરમ થઈ ગયું છે. મેકર્સ શોને રસપ્રદ બનાવવા માટે તમામ પ્રકારના સ્પર્ધકોને લાવવાના પ્રયત્નોમાં વ્યસ્ત છે. એક મીડિયા રિપોર્ટ મુજબ બિગ બોસની નવી સીઝન માટે અર્જુન બિજલાનીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેણે શોમાં આવવાની ના પાડી દીધી. જો કે, તેને ગયા વર્ષે પણ આ શોની ઓફર મળી હતી.
સાથે જ ‘ખતરો કે ખિલાડી 12’ના ઘણા સ્પર્ધકોના નામ પણ સામે આવી રહ્યા છે. જો કે, હજુ સુધી કોઈ પણ નામને લઈને કોઈ ઓફિશિયલ નિવેદન સામે આવ્યું નથી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે સલમાન અને મેકર્સ બિગ બોસ 16ને પહેલાની તમામ સીઝન કરતાં કઈ રીતે વધુ સારી અને વધુ મનોરંજક બનાવે છે.
આ હશે બિગ બોસ 16 ની થીમ: બિગ બોસ 16ની થીમ વિશે વાત કરીએ તો આ વખતે ઘરનો સેટ પાણી અને સમુદ્ર પર આધારિત હશે. તેની આસપાસ ઘરની ચીજો સજાવવામાં આવશે. દિવાલો પર શાર્ક, જલપરી અને સમુદ્ર સંબંધિત ચીજો હશે. ગયા વર્ષે આ શોની થીમ જંગલ હતી. પરંતુ હવે આ વર્ષે સમુદ્ર રહેશે. જોકે, આ વિશે પણ કોઈ ઓફિશિયલ પુષ્ટિ થઈ નથી.
જો રિપોર્ટ્સનું માનીએ તો સલમાન આ શોનો પ્રોમો ઓગસ્ટ મહિનામાં શૂટ કરી શકે છે. જો કે, દર્શકો અત્યારથી જ બિગ બોસની નવી સીઝન જોવા માટે ઉત્સુક બની રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ વર્ષની સિઝન દર્શકોને કેટલી પસંદ આવશે. કામની વાત કરીએ તો બિગ બોસ ઉપરાંત સલમાન ખાન ટૂંક સમયમાં ટાઇગર 3માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે કેટરિના કૈફ મુખ્ય ભુમિકામાં જોવા મળશે.