આ એક ડરના કારણે એશ્વર્યા એ રિજેક્ટ કરી હતી ‘કુછ કુછ હોતા હૈ’ ફિલ્મ, પછી રાની મુખર્જી રાતોરાત બની ગઈ સ્ટાર

બોલિવુડ

ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ હિન્દી સિનેમાની સફળ ફિલ્મોમાંથી એક માનવામાં આવે છે. ‘કુછ કુછ હોતા હૈ’ ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી હતી. વર્ષ 1998માં આવેલી આ ફિલ્મનું નિર્દેશન કર્યું હતું પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક કરણ જોહરે. આ રોમેન્ટિક કોમેડી-ડ્રામા ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ આવી હતી.

‘કુછ કુછ હોતા હૈ’ ફિલ્મમાં મુખ્ય ભુમિકામાં અભિનેતા શાહરૂખ ખાન, અભિનેત્રી કાજોલ અને અભિનેત્રી રાની મુખર્જી જોવા મળ્યા હતા. જો કે તમને જણાવી દઈએ કે પહેલા આ ફિલ્મ માટે હિન્દી સિનેમાની સુંદર અને લોકપ્રિય અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચનનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેણે આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી.

મોટા પડદા પર રિલીઝ થયા પછી આ ફિલ્મ એ ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. શાહરૂખ, રાની અને કાજોલનું કામ દર્શકોને ખૂબ પસંદ આવ્યું હતું. જ્યારે કરણ જોહરનું નિર્દેશન પણ હિટ રહ્યું હતું. સાથે જ ફિલ્મના ગીત પણ હિટ રહ્યા હતા. આ ફિલ્મ રાની મુખર્જીની કારકિર્દીમાં પણ માઈલસ્ટોન સાબિત થઈ હતી.

કુછ કુછ હોતા હૈ ફિલ્મ માટે રાની મુખર્જી પહેલા હિન્દી સિનેમાની અન્ય ઘણી પ્રખ્યાત અભિનેત્રીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો, તેમાં એક નામ એશ્વર્યા રાયનું પણ શામેલ છે. રાની મુખર્જીએ આ ફિલ્મમાં ‘ટીના મલ્હોત્રા’નું પાત્ર નિભાવ્યું હતું જેને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.

રાની મુખર્જીની ભૂમિકા માટે પહેલા મેકર્સે એશ્વર્યા રાયની સાથે જ ટ્વિંકલ ખન્ના, કરિશ્મા કપૂર અને રવિના ટંડન જેવી મોટી અભિનેત્રીઓનો સંપર્ક કર્યો હતો. જો કે, કોઈની સાથે વાત બની શકી નહિં. જ્યારે તમામ અભિનેત્રીઓએ આ રોલ માટે ના કહી દીધી, ત્યારે આ રોલ રાની મુખર્જી પાસે આવ્યો.

આ કારણે એશ્વર્યા એ રિજેક્ટ કરી હતી ‘કુછ કુછ હોતા હૈ’: એશ્વર્યા રાયે એક વખત પોતાના એક ઇન્ટરવ્યુમાં આ ફિલ્મને રિજેક્ટ કરવાના કારણનો ખુલાસો કર્યો હતો. એશ્વર્યાએ જણાવ્યું હતું કે તે સમયે હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવી હતી. જોકે મને કોઈ ટોપ અભિનેત્રી તરીકે જોવામાં આવી હતી. ત્યારે મેં હિન્દી સિનેમામાં માત્ર બે થી ત્રણ ફિલ્મોમાં કામ કર્યું હતું.

એશ્વર્યા રાયે આગળ જણાવ્યું હતું કે જ્યારે તેની પાસે ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ આવી હતી ત્યારે તેણે માત્ર ત્રણ જ ફિલ્મોમાં કામ કર્યું હતું. જો મેં આ ફિલ્મ કરી હોત તો લોકોએ મને કહ્યું હોત કે હું એ જ કરી રહી છું જે હું મારા મોડેલિંગના દિવસોમાં કરતી હતી. આવી સ્થિતિમાં એશ્વર્યાએ આ ફિલ્મ રિજેક્ટ કરી હતી.