રણબીર કપૂર એ પોતે જણાવ્યું ‘8’ નંબર માટે પોતાના પ્રેમનું કારણ, માતા નીતૂ કપૂર સાથે છે સંબંધ, તમે પણ જાણો તે કારણ વિશે

બોલિવુડ

અભિનેત્રી આલિયા ભટ્ટે 27 જૂન 2022 ના રોજ ઘોષણા કરી હતી કે તે અને તેના પતિ રણબીર કપૂર પોતાના પહેલા બાળકનું સ્વાગત કરવા માટે તૈયાર છે. આલિયા આ દિવસોમાં લંડનમાં પોતાની હોલિવૂડની પહેલી ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’નું શૂટિંગ કરી રહી છે. સાથે જ રણબીર 22 જુલાઈએ રિલીઝ થનારી પોતાની ફિલ્મ ‘શમશેરા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. પોતાની આગામી ફિલ્મના પ્રમોશન દરમિયાન એક ઈન્ટરવ્યુમાં રણબીરે પોતાના ફેવરિટ નંબર ‘8’ના મહત્વ વિશે વાત કરી હતી. ચાલો તમને જણાવીએ.

આ પહેલા એવું જણાવવામાં આવ્યું કે આલિયા ભટ્ટે પણ પોતાના બ્રાઈડલ લુકમાં આ નંબર અપનાવ્યો હતો. અભિનેત્રીએ ‘આર’ અને ‘8’ સાથે એક મહેંદી ડિઝાઇન બનાવી હતી. તેણે પોતાના મંગલસૂત્ર અને કલીરેમાં પણ નંબર ‘8’ ડિઝાઈન કરાવ્યો હતો. તેના ચૂડા સેટમાં પણ કુલ આઠ બંગડીઓ હતી.

‘8’ નંબરના મહત્વ વિશે જણાવતાં રણબીરે ‘માશેબલ ઈન્ડિયા’ને કહ્યું, “ઠીક છે, તેમાં કોઈ અંધશ્રદ્ધા નથી, મારી માતાનો જન્મદિવસ 8 (જુલાઈ)ના રોજ છે અને તે માત્ર એક નંબર છે, જેને મેં મારી સાથે જોડ્યો છે. મને ખબર છે કે તે મને પસંદ છે. તે જે રીતે દેખાય છે, તે અનંતની નિશાની છે.”

રણબીરે કહ્યું કે આલિયાને આ નંબર પસંદ છે. તેણે કહ્યું કે, “મારી તમામ કાર આઠ નંબરની છે, મારી ફૂટબોલ જર્સી પણ આઠ નંબરની છે. મને તે પસંદ છે અને હું નસીબદાર છું કે આલિયાને પણ તે નંબર પસંદ છે. અમે બંને અમારા જીવનમાં એક સમયે આઠ નંબરનું ટેટૂ બનાવવાનું પણ વિચારી રહ્યા છીએ, અમે અત્યારે તેના વિશે વાત કરી રહ્યા છીએ. અમે હજી તેના પર નિર્ણય લીધો નથી.”

રણબીર પોતાની આગામી ફિલ્મ ‘શમશેરા’માં અભિનેતા સંજય દત્ત અને વાણી કપૂર સાથે જોવા મળશે. તેમની આગામી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં રણબીર અને આલિયા પહેલી વખત સાથે જોવા મળશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, નાગાર્જુન અક્કીનેની અને મૌની રોય પણ છે અને તે 9 સપ્ટેમ્બર 2022 ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે.