હજુ સુધી બેહોશ છે રાજૂ શ્રીવાસ્તવ, હાર્ટ એટેકથી 40 કલાક પછી પણ નથી આવ્યો હોંશ, ડૉક્ટર એ કહી આ વાત

બોલિવુડ

પ્રખ્યાત કોમેડિયન, અભિનેતા અને બીજેપી નેતા રાજુ શ્રીવાસ્તવના ચાહકો માટે હજુ સુધી રાહતના કોઈ સમાચાર આવ્યા નથી. બુધવારે જિમમાં વર્કઆઉટ દરમિયાન રાજુ શ્રીવાસ્તવને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યાર પછી તેમને ઉતાવળમાં દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે હજુ સુધી તેમની તબિયતમાં કોઈ સુધારો આવ્યો નથી.

રાજુની હાલત ખૂબ જ નાજુક છે. તેમને હજુ સુધી હોશ આવ્યો નથી. તેનો આખો પરિવાર અને ચાહકો શોકમાં છે. બધાને હસાવનાર રાજુ હજુ સુધી હોશમાં આવ્યા નથી. આ સમાચાર તેમના ચાહકોને ખૂબ જ પરેશાન કરી રહ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે 58 વર્ષના રાજુને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.

રાજુ શ્રીવાસ્તવના સ્વાસ્થ્યને લઈને તેમની પુત્રી અંતરા શ્રીવાસ્તવે પણ મોટી માહિતી આપી છે. અંતરાએ પિતા વિશે કહ્યું કે તેમની હાલતમાં કોઈ સુધારો નથી. અંતરાએ જણાવ્યું કે પિતાની તબિયતમાં હજુ કોઈ સુધારો થતા જોવા મળી રહ્યો નથી. આ પહેલા રાજુના પીઆરઓ દ્વારા પણ આ માહિતી શેર કરવામાં આવી હતી.

અંતરાએ જણાવ્યું કે, “તે અત્યારે ગંભીર હાલતમાં છે, હોસ્પિટલમાં દાખલ છે. ડોકટરો તેમની સારવાર આઈસીયુમાં જ કરી રહ્યા છે. તેમની હાલતમાં ન તો સુધારો થયો છે કે ન તો ખરાબ થઈ છે. આખી મેડિકલ ટીમ તેના સારા સ્વાસ્થ્ય માટે પ્રયત્ન કરી રહી છે. અમે બસ પ્રાર્થના કરી રહ્યા છીએ અને આશા રાખીએ છીએ કે તે ટૂંક સમયમાં સ્વસ્થ થઈ જાય. આ સમયે મારી માતા આઈસીયુમાં તેમની સાથે છે.

પિતા વિશે અંતરાએ આગળ કહ્યું કે, મારા પિતા દિલ્હીથી અન્ય જગ્યાઓ પર અવારનવાર મુસાફરી કરતા રહે છે. એટલા માટે તેણે નક્કી કર્યું હતું કે સારા સ્વાસ્થ્ય માટે તેમણે દરરોજ વર્કઆઉટ કરવું પડશે. તે દરરોજ જીમ જતા, દરરોજ કસરત કરતા ક્યારેય મિસ નથી કરતા. તેમને કોઈ હૃદયની બીમારી ન હતી. તે એકદમ ઠીક હતા. તેથી જ આ બધું ખૂબ જ શોકિંગ લાગી રહ્યું છે.

કોમેડિયન સુનીલ પાલ સતત સોશિયલ મીડિયા દ્વારા રાજુના જલ્દી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. તેઓ પોતાના ટ્વિટર પર વીડિયો શેર કરી રહ્યા છે. સાથે જ બીજી તરફ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ રાજુ માટે પ્રાર્થના કરી છે અને તેમણે સુનિલ પાલને કહ્યું છે કે રાજુ શ્રીવાસ્તવ માટે કોઈપણ ચીજની જરૂર હોય તો અમારો સંપર્ક કરો.

જણાવી દઈએ કે રાજુ શ્રીવાસ્તવે અભિનેતા તરીકે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું, જોકે તેમને સફળતા મળી ન હતી. ત્યાર પછી રાજુએ ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’માં ભાગ લીધો હતો. આ શોએ તેને ઘણી લોકપ્રિયતા અને સફળતા અપાવી. તેમણે શોમાં બીજું સ્થાન મેળવ્યું હતું. ત્યાર પછી તે મહામુકાબાલા શો નચ બલિયેની સીઝન 6 માં પણ જોવા મળ્યા હતા.