પ્રખ્યાત કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવ નું 58 વર્ષની ઉંમરમાં નિધન, આટલા દિવસોથી એમ્સમાં હતા ભરતી

બોલિવુડ

છેવટે 40 દિવસ સુધી જીવન અને મૃત્યુની લડાઈ લડ્યા પછી પ્રખ્યાત કોમેડિયન, અભિનેતા અને બીજેપી નેતા રાજુ શ્રીવાસ્તવ દુનિયા છોડી દીધી. 58 વર્ષની ઉંમરમાં તેમનું નિધન થયું. તેમના નિધનથી ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે. રાજુનું આ રીતે ચાલ્યા જવું ચાહકોને ખૂબ મોટો ઝટકો આપી ગયું.

રાજુના નિધનની પુષ્ટિ તેના પરિવારે કરી. લગભગ 42 દિવસથી રાજુ દિલ્હી AIIMSમાં ભરતી હતા. તેમના નિધનથી દરેક સ્તબ્ધ થઈ ગયા છે. આ તેમની જવાની ઉંમર ન હતી. દરેકને હસાવનાર રાજુ દરેકને રડાવીને ચાલ્યા ગયા. દિલ્હીની AIIMSમાં તેમણે 58 વર્ષની ઉંમરમાં અંતિમ શ્વાસ લીધા.

રાજુ શ્રીવાસ્તવ એક શ્રેષ્ઠ કોમેડિયન હોવાની સાથે સાથે અભિનેતા પણ હતા અને તેઓ રાજનેતા પણ બની ચુક્યા હતા. રાજુ ભારતીય જનતા પાર્ટીના સભ્ય હતા. રાજુએ બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. દર્શકોને હંમેશા તેમની કોમેડી અને હસતો ચેહરો પ્રભાવિત કરતા હતા.

જણાવી દઈએ કે દિલ્હીમાં 10 ઓગસ્ટના રોજ જીમમાં કસરત કરતી વખતે તે નીચે પડી ગયા હતા. ટ્રેડમિલ પર દોડતી વખતે તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો અને તેઓ નીચે પડી ગયા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યારથી તેમની સારવાર ચાલી રહી હતી. પરંતુ હવે 42 દિવસ પછી તેમના વિશે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે.

રાજુને બચાવવાના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ તેને બચાવી શકાયા નહીં. ન્યૂઝ એજન્સી એએનઆઈએ ટ્વિટ કરતા લખ્યું કે, “કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું 58 વર્ષની ઉંમરમાં દિલ્હીમાં નિધન થયું, તેના પરિવારે કરી પુષ્ટિ. જિમ વર્કઆઉટ દરમિયાન તેમને છાતીમાં દુ:ખાવો થયો અને તેઓ પડી ગયા ત્યાર પછી તેમને 10 ઓગસ્ટના રોજ દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા.”

બુધવારે મોડી રાત્રે વારંવાર આવ્યા એટેક: રાજુની હાલત બુધવારે રાત્રે વધુ ખરાબ થઈ ગઈ હતી. તેમને બુધવારે રાત્રે વારંવાર એટેક આવી રહ્યા હતા. ડોક્ટરોને ખબર પડી કે રાજુના મગજના એક ભાગમાં સોજો છે. તેમની તબિયત સતત બગડતી ગઈ અને થોડા સમય પહેલા જ તે દુનિયા છોડીને ચાલ્યા ગયા.

દિગ્ગજોએ વ્યક્ત કર્યો શોક, આપી ભાવનાત્મક શ્રદ્ધાંજલિ: ‘રામાયણ’માં ભગવાન શ્રી રામની ભૂમિકા નિભાવનાર અભિનેતા અરુણ ગોવિલે ટ્વીટ કરીને લખ્યું કે, “એક મહિના સુધી સતત હોસ્પિટલમાં જીવન માટે સંઘર્ષ કરી રહેલા અમારા મિત્ર અને કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવ છેવટે જીવનની લડાઈ હારી ગયા, ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ૐ શાંતિ”.

બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ લખ્યું કે, “પ્રખ્યાત હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવજીના દુઃખદ અવસાનના સમાચાર ખૂબ જ દુઃખદાયક છે. હાસ્ય જગત માટે તેમનું નિધન એક અપુરણીય ખોટ છે. ભગવાનને પ્રાર્થના છે કે પુણ્યાત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે અને શોકગ્રસ્ત પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ૐ શાંતિ!”.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે લખ્યું કે, “પ્રખ્યાત કોમેડિયન, રાજુ શ્રીવાસ્તવજીના નિધનથી હું ખૂબ જ દુઃખી છું. તે એક કુશળ કલાકાર હોવાની સાથે-સાથે એક ખૂબ જ જીવંત વ્યક્તિ પણ હતા. સામાજિક ક્ષેત્રમાં પણ તે ખૂબ એક્ટિવ રહેતા હતા. તેમના શોકગ્રસ્ત પરિવાર અને ચાહકો પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છું. ૐ શાંતિ!”.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું કે, “પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવજીના નિધન વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું. ભગવાન દિવંગત આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે. દુઃખની આ ઘડીમાં તેમના પરિવાર અને તમામ ચાહકો પ્રત્યે મારી સંવેદના.”