મારા અંતિમ સંસ્કારમાં રડતા નહિં, હસતા-હસતા મને વિદા કરજો, જાણો રાજુ એ આવું શા માટે કહ્યું હતું

બોલિવુડ

પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ તેમની અંતિમ યાત્રા પર છે. દિલ્હીમાં બુધવારે સવારે રાજુનું અવસાન થયું હતું. રાજુએ દિલ્હીની AIIMSમાં 58 વર્ષની ઉંમરમાં અંતિમ શ્વાસ લીધો, જ્યાં તે 42 દિવસથી દાખલ હતા. જણાવી દઈએ કે રાજુને 10 ઓગસ્ટના રોજ હાર્ટ એટેક આવ્યો હતો. ત્યાર પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

રાજુ 42 દિવસ સુધી જીવન-મરણ વચ્ચે સંઘર્ષ કરતા રહ્યા. ડોક્ટર્સએ તેમને બચાવવાના ખૂબ પ્રયત્ન કર્યા હતા. પરંતુ 42 દિવસ પછી રાજુ દુનિયા છોડીને ચાલ્યા ગયા. રાજુ એક પ્રખ્યાત કોમેડિયન હતા. તેમની કોમેડી દરેકને ખૂબ જ પસંદ આવતી હતી. તેમના અકાળે અવસાનથી દરેક દુઃખી છે.

રાજુનો જન્મ ઉત્તર પ્રદેશના કાનપુરમાં 25 ડિસેમ્બર 1963ના રોજ થયો હતો. રાજુએ 18 વર્ષની ઉંમરમાં ઘર છોડી દીધું હતું. તે પોતાના ફેવરિટ કલાકાર અમિતાભ બચ્ચનની એક ઝલક જોવા અને તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા મુંબઈ આવ્યા હતા. અમિતાભ બચ્ચન જ્યારે ‘કુલી’ ફિલ્મના શૂટીંગ પછી ગંભીર ઈજા થવા પર હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે રાજુ 18 વર્ષની ઉંમરમાં મુંબઈ આવી ગયા હતા.

રાજુએ ફરી ઘરે જવું યોગ્ય ન સમજ્યું. મુંબઈમાં રહીને બિઝનેસ શરૂ કર્યો. અહીંથી જ તેમણે પોતાની કારકિર્દી બનાવી. રાજુ કોઈ ઓળખના મોહતાજ નથી. તે પોતાની કોમેડીથી દરેકના દિલ જીતી લેતા હતા. પરંતુ અવારનવાર કોમેડી કરતા-કરતા કોમેડિયન પોતાના દિલની વાત પણ કહી દે છે. રાજુએ પોતાની એક ઈચ્છા વિશે પણ જણાવ્યું હતું.

રાજુ સ્ટેન્ડઅપ કોમેડી કરીને ખૂબ જ સફળ અને લોકપ્રિય બન્યા હતા. રાજુએ ઘણી વખત તેમના શો દરમિયાન કહ્યું હતું કે હસતાં હસતાં મારા અંતિમ સંસ્કાર કરજો. પરંતુ લોકોની આંખો ભીની છે. આટલા મહાન કલાકારને આપણે ગુમાવ્યા છે. સોશિયલ મીડિયા પર ચાહકો રાજુને યાદ કરીને ઈમોશનલ થઈ રહ્યા છે.

ચાહકો રાજુને તેના જૂના વીડિયો અને તેની તસવીરો શેર કરીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. તેમના અવસાન પર માત્ર ચાહકો જ નહીં પરંતુ બોલિવૂડ સેલેબ્સ, રાજકીય હસ્તીઓ, ક્રિકેટરો વગેરે પણ શોક વ્યક્ત કરી રહ્યાં છે. કોમેડિયન હોવા ઉપરાંત રાજુ બોલિવૂડ અભિનેતા અને બીજેપી નેતા પણ હતા.

આ બોલિવૂડ ફિલ્મોમાં કર્યું કામ: રાજુ શ્રીવાસ્તવ સૌથી પહેલા અનિલ કપૂર અને માધુરી દીક્ષિતની વર્ષ 1988માં આવેલી ફિલ્મ તેઝાબમાં જોવા મળ્યા હતા. ત્યાર પછી તે સલમાન ખાન અને ભાગ્યશ્રીની વર્ષ 1989માં આવેલી ફિલ્મ મૈંને પ્યાર કિયામાં જોવા મળ્યા હતા. ત્યાર પછી શાહરૂખ ખાનની વર્ષ 1992માં આવેલી ફિલ્મ બાઝીગરમાં કામ કર્યું. ત્યાર પછી ગોવિંદા સાથે ‘આમદની અઠન્ની ઘરચા રૂપૈયા’માં પણ કામ કર્યું અને ફિલ્મ ‘બોમ્બે ટુ ગોવા’માં પણ જોવા મળ્યા.

રાજુને ઘર-ઘરમાં ખાસ ઓળખ ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ની પહેલી સિઝનથી મળી હતી. વર્ષ 2005માં તે તેના રનર-અપ રહ્યા હતા. રાજુએ પોતાની અદભુત કોમેડીથી તમામ વયજૂથના લોકોની વચ્ચે ઓળખ બનાવી હતી.