ક્યારેક કાળા કહીને તો ક્યારેક ભમરની મજાક ઉડાવીને રાજકુમાર રાવને કરવામાં આવતા હતા રિજેક્ટ, પહેલી કમાણી હતી માત્ર આટલા જ રૂપિયા

બોલિવુડ

રાજકુમાર રાવની ગણતરી હિન્દી સિનેમાના શ્રેષ્ઠ અભિનેતાઓમાં થાય છે. રાજકુમારે પોતાની શ્રેષ્ઠ એક્ટિંગથી દર્શકોને ખૂબ પ્રભાવિત કર્યા છે. રાજકુમાર દરેક ફિલ્મમાં દરેક પાત્રથી પોતાના ચાહકોનું દિલ જીતી લે છે. તે એક પછી એક ફિલ્મો કરી રહ્યા છે અને તેમની ફિલ્મો ચાહકોને પસંદ પણ આવી રહી છે.

રાજકુમાર આજે જ્યાં છે ત્યાં પહોંચવાનું સપનું આજના દરેક નવા કલાકાર જુવે છે. જો કે રાજકુમારની આ સફળતા પાછળ તેમની સખત મહેનત અને તેમનો સંઘર્ષ રહ્યો છે. આજે તે ખૂબ જ લોકપ્રિય છે અને લક્ઝરી લાઈફ જીવે છે, જોકે એક સમયે તે માત્ર 10 હજાર રૂપિયામાં કામ કરતા હતા.

રાજકુમારને શરૂઆતના દિવસોમાં યોગ્ય કામ પણ મળતું ન હતું. ફિલ્મોમાં રોલ મેળવવા માટે તેમને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડતું હતું. દર-દરની ઠોકર ખાવી પડી છે. ઘણી વખત તેમને તેમના લુકના કારણે કામ આપવામાં આવતું ન હતું. જો કે, તેમણે હાર ન માની અને ટકી રહ્યા. તેનું જ પરિણામ છે કે તે આજના સમયના લોકપ્રિય અને શ્રેષ્ઠ કલાકારોમાં સ્થાન ધરાવે છે.

રાજકુમાર રાવે ઘણી વખત ઈન્ટરવ્યુમાં પોતાના સંઘર્ષ વિશે વાત કરી છે. એકવાર ફરીથી તેમણે તાજેતરમાં જ પોતાના સંઘર્ષને યાદ કર્યો છે અને જણાવ્યું છે કે તેમને કેવા દુઃખ, મુશ્કેલીઓમાંથી પસાર થવું પડ્યું છે. રાજકુમારે જનાવ્યું છે કે તેમને ઘણી વખત રિજેક્શનનો પણ સામનો કરવો પડ્યો છે.

રાજકુમારના કહેવા મુજબ, ઘણી વખત તેમને તેમના રંગને કારણે રિજેક્ટ કરવામાં આવ્યા હતા. લોકોએ કહ્યું કે તે કાળા છે. આ કારણે તેમને કામ ન મળ્યું. આટલું જ નહીં, રાજકુમારને તેમના આઇબ્રોના કારણે પણ રિજેક્ટ કરવામાં આવ્યા હતા. તેમને કહેવામાં આવતું હતું કે તેમના આઈબ્રો ખૂબ જ કદરૂપી છે.

શરૂઆતના દિવસોમાં રાજકુમારે ઘણી જાહેરાતોમાં કામ કર્યું હતું. જો કે ત્યાં પણ તેમને વધુ મહત્વ આપવામાં આવ્યું ન હતું. નાનું-મોટું કામ કરીને ત્યારે રાજકુમાર એક મહિનમાં 10 હજાર રૂપિયા ખૂબ જ મુશ્કેલીથી કમાતા હતા. તેમના કહેવા મુજબ તેમને ઘણી વખત ભૂખ્યા પેટે સૂવું પડ્યું હતું. કારણ કે દરેક દિવસ એકસરખો ન હતો.

રાજકુમારે આગળ કહ્યું, “તે દિવસોમાં હું મિત્રો સાથે ભોજન શેર કરતો હતો. હું ઓડિશન માટે આમ-તેમ ભટકતો હતો. મારી પાસે પ્લાન પણ ન હતો. હું ઘણા આસિસ્ટન્ટ ડિરેક્ટર્સ અને કાસ્ટિંગ ડિરેક્ટર્સને મળતો હતો. ઓડિશન લેનારા લોકો મને નાની-મોટી ભૂમિકાઓ આપતા હતા અને હું તેમને મોટા રોલ કરવા માટે મનાવવાનો પ્રયત્ન કરતો હતો, પરંતુ કોઈ માનતું ન હતું. છતાં પણ મને વિશ્વાસ હતો કે કોઈને કોઈ મારું ટેલેંટ જરૂર પારખશે.”

અભિનેતા આગળ કહે છે કે, “મને આજે પણ યાદ છે કે કેવી રીતે હું અતુલ મોંગિયાને સતત પૂછતો રહ્યો હતો, જ્યાં સુધી તેમણે મને ‘લવ સેક્સ ઔર ધોખા’ના ઓડિશન માટે બોલાવ્યો નહીં. મેં 3-4 ટેસ્ટ આપ્યા. એક અઠવાડિયું પસર થઈ ગયું, પરંતુ કોઈ જવાબ ન આવ્યો અને પછી તે દિવસ પણ આવી ગયો, જ્યારે મને મારા અત્યાર સુધીના સંઘર્ષનું પરિણામ મળ્યું.”

રાજકુમારના કહેવા મુજબ, “હું ઘરે એકલો હતો, જ્યારે મને મારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ ફોન આવ્યો. તે શબ્દો હતા- ‘થઈ ગયું છે. યૂ ગોટ ધ ફિલ્મ’ હું મારા ઘુંટણ પર પડી ગયો. સૌથી પહેલા મમ્મી ને ફોન કર્યો. ફિલ્મ રિલીઝ થઈ અને મને ખૂબ પ્રેમ મળ્યો.”