માતા બની ‘કુમકુમ ભાગ્ય’ ફેમ પૂજા બેનર્જી, ગયા મહિને છોડ્યો હતો શો, જાણો બેબી બોયને જન્મ આપ્યો કે બેબી ગર્લને

બોલિવુડ

ટીવીની પ્રખ્યાત સિરિયલ ‘કસૌટી જિંદગી કી 2’માં નિવેદિતા બાસુના પાત્રમાં જોવા મળેલી પ્રખ્યાત અભિનેત્રી પૂજા બેનર્જીનું ઘર કિલકારીઓથી ગુંજી ઉઠ્યું છે કારણ કે તે તાજેતરમાં જ એક પુત્રીની માતા બની છે. જણાવી દઈએ કે, મીડિયા સાથે વાત કરતા અભિનેત્રીના ભાઈએ જણાવ્યું કે પૂજાએ એક પુત્રીને જન્મ આપ્યો છે અને માતા અને પુત્રી બંને સ્વસ્થ છે.

રિપોર્ટનું માનીએ તો પૂજા બેનર્જીએ પોતાની નાની પરીને મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં જન્મ આપ્યો હતો. નોંધપાત્ર છે કે, પ્રેગ્નન્સીના કારણે પૂજાએ તાજેતરમાં જ પ્રખ્યાત શો ‘કુમકુમ ભાગ્ય’ને અલવિદા કહી દીધું હતું. જોકે તેણે લગભગ પ્રેગ્નન્સીના 8 મહિના સુધી આ શોમાં કામ કર્યું હતું. પૂજાના ઘરે નાના મહેમાનોના આગમનથી તેમનું ઘર ખુશીઓથી ભરાઈ ગયું છે.

સાથે જ તેના ભાઈ નીલે જણાવ્યું કે, “અમે અત્યારે નાગપુરમાં છીએ અને પરિવારમાં નવા સભ્ય સાથે ખૂબ જ ખુશ છીએ. અમારા પરિવારમાં દરેક વ્યક્તિ ઉત્સવના વાતાવરણમાં ડૂબેલા છે. બેબીના પિતા અને દાદી હોસ્પિટલમાં પૂજા સાથે છે. અમે પોતે પણ બાળકીને મળવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ.”

સાથે જ પૂજાએ પણ પ્રેગ્નન્સી શેડ્યૂલનો ખુલાસો કરતા કહ્યું હતું કે, “હું સવારે 6:30 વાગ્યે ઉઠતી અને ફરવા જતી. મેં સ્વસ્થ આહાર લીધો છે. હું આખો દિવસ એ વાતનું ખાસ ધ્યાન રાખતી હતી કે હું જે પણ ખાવ તે મારા માટે હેલ્ધી હોય. આ દરમિયાન મને પિત્ઝા, વડાપાવ અને સેવપુરી ખાવાનું ખૂબ મન થતું હતું. હું મારો દિવસ બિનઆરોગ્યપ્રદ વાનગી ખાધા વગર પૂરો કરી શકતી ન હતી. પહેલા તો મને પ્રેગ્નન્સી વિશે ઘણી બધી બાબતો સમજાઈ ન હતી, પરંતુ પછી મેં મારા બાળકને ધ્યાનમાં રાખીને દરેક ચીજોનું ખૂબ સારી રીતે પાલન કર્યું.”

જણાવી દઈએ કે, પૂજા બેનર્જીએ પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 2011માં MTV ‘રોડીઝ’ સીઝન 8 થી કરી હતી. ત્યાર પછી તે વર્ષ 2012માં ‘એક દૂસરે સે કરતા હૈ પ્યાર હમ’માં જોવા મળી હતી. આ શોમાં તેને ખૂબ સફળતા મળી. ત્યાર પછી પૂજા બેનર્જીએ ‘વિક્રમ બેતાલ કી રહસ્ય ગાથા’, ‘કહને કો હમસફર હૈ’, ‘દિલ હી તો હૈ’ જેવી ઘણી સીરિયલ્સમાં કામ કર્યું. પરંતુ તેને સૌથી વધુ ઓળખ સિરિયલ કસૌટી ઝિંદગી કી 2 થી મળી હતી. આ દરમિયાન પૂજાએ સંદીપ સહજવાલ સાથે લગ્ન કર્યા.

તાજેતરમાં જ પૂજાએ કુમકુમ ભાગ્યને અલવિદા કહ્યું હતું. રસપ્રદ વાત એ છે કે જ્યારે પૂજાએ શો છોડ્યો ત્યારે શો મેકર્સે તેના માટે એક પાર્ટીનું પણ આયોજન કર્યું હતું, જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. સીરિયલ કુમકુમ ભાગ્યમાં પૂજા ‘રિયા મેહરા’ના પાત્રમાં જોવા મળી હતી. તે લગભગ 3 વર્ષથી આ સિરિયલ સાથે જોડાયેલી હતી. હવે જોવાનું એ રહેશે કે બાળકના જન્મ પછી પૂજા બેનર્જી આ સિરિયલમાં પાછી જોવા મળે છે કે નહિં?