મિર્ઝાપુરના કાલિન ભૈયા ઉર્ફ પંકજ ત્રિપાઠી આપણા બધાના ફેવરિટ છે. તે બોલિવૂડના અનુભવી કલાકાર છે. તેને આપણે ઘણી ફિલ્મોમાં પોતાની એક્ટિંગના જલવા ફેલાવતા જોઈ ચુક્યા છીએ. પરંતુ હવે તેની પત્ની મૃદુલા ત્રિપાઠી પણ બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. રસપ્રદ વાત એ છે કે તે પોતાના પતિ પંકજ ત્રિપાઠીની ફિલ્મમાં જ પોતાની એક્ટિંગ સ્કિલ બતાવશે.
બોલિવૂડમાં ડેબ્યૂ કરશે પંકજ ત્રિપાઠીની પત્ની: ખરેખર પંકજ ત્રિપાઠીની આગામી ફિલ્મ ‘શેરદિલઃ ધ પીલીભીત સાગા’ 24 જૂને રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં તેમની પત્ની મૃદુલા કેમિયો કરશે. તે આ ફિલ્મમાં એક બંગાળી મહિલાનું પાત્ર નિભાવશે. રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મ માટે તેણે કોઈ ફી લીધી નથી. પંકજ ત્રિપાઠી ફી ન લેવાનું કારણ જણાવતા હસી પડ્યા. તે કહે છે કે પત્નીને ફિલ્મમાં એક સુંદર બંગાળી સાડી પહેરવા મળી છે. તેથી તે કોઈ ફી લઈ રહી નથી.
‘શેરદિલઃ ધ પીલીભીત સાગા’ ફિલ્મને શ્રીજીત મુખર્જી ડાયરેક્ટ કરી રહ્યા છે. તેમણે જ મૃદુલાને ફિલ્મમાં કામ કરવા માટે વિનંતી કરી હતી. તેણે પહેલી જ વખતમાં હા પાડી હતી. હવે જોવાનું એ રહેશે કે ફિલ્મમાં મૃદુલા અને પંકજ ત્રિપાઠીની જોડી કેટલી પસંદ કરવામાં આવે છે. જો કે તેની રિયલ લવ લાઈફ સ્ટોરીની વાત કરીએ તો તે પણ કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી.
10માં ધોરણ થી શરૂ થઈ હતી લવ સ્ટોરી: પંકજ જ્યારે 10મા ધોરણમાં હતા ત્યારે તેને મૃદુલા સાથે પ્રેમ થઈ ગયો હતો. બંનેની મુલાકાત એક ફંક્શનમાં થઈ હતી. પંકજ નીચે ઊભા હતા અને મૃદુલા બાલ્કનીમાં હતી. તેમની આંખો મળી અને બસ પ્રેમ થઈ ગયો. ત્યારે પંકજે વિચારી લીધું હતું કે હું લગ્ન કરીશ તો આ છોકરી સાથે જ કરીશ.
પંકજ જ્યારે કામ માટે બહાર જતા હતા ત્યારે તે પત્ર લખીને મૃદુલા સાથે વાત કરતા હતા. આ દરમિયાન તેને એવો ડર પણ સતાવતો હતો કે મૃદુલાના પરિવારના સભ્યો તેના લગ્ન કોઈ અન્ય જગ્યાએ ન કરી દે. જોકે મૃદુલા પણ પંકજને પ્રેમ કરતી હતી, તેથી તેણે પોતાને કોઈપણ રીતે લગ્નથી બચાવી રાખી.
પછી એક દિવસ મૃદુલા નોકરીના બહાને દિલ્હી ગઈ. જેથી તે ત્યાં પંકજ સાથે સમય પસાર કરી શકે. છેવટે, પરિવારના સભ્યોએ તેમના પ્રેમ આગળ ઝૂકવું પડ્યું. પછી બંનેએ લગ્ન કરી લીધા. લગ્ન પછી પંકજ અભિનેતા બનવા ઈચ્છતા હતા તેથી તે મૃદુલા સાથે મુંબઈ શિફ્ટ થઈ ગયા. અહીં, પંકજના સંઘર્ષના દિવસોમાં, મૃદુલા પોતાના પગારમાંથી તેનો ખર્ચ ઉઠાવતી હતી. આ રીતે પંકજની સફળતામાં તેની પત્નીનો મોટો હાથ રહ્યો.
પંકજ ત્રિપાઠીની ફિલ્મ ‘શેરદિલઃ ધ પીલીભીત સાગા’ વિશે વાત કરીએ તો તે તેના માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ ઉત્સાહનું કારણ ફિલ્મમાં તેની પત્ની મૃદુલાની હાજરી પણ છે. આ ફિલ્મમાં સયાની ગુપ્તા અને નીરજ કાબી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શ્રીજીત મુખર્જી ડાયરેક્ટ કરી રહ્યા છે. તેથી ફિલ્મ સારી બનવાની આશા પણ વધારે છે.