ઘુવડ શા માટે છે માતા લક્ષ્મીની સવારી, વાંચો તેની પાછળની પૌરાણિક કથા

ધાર્મિક

હિન્દુ ધર્મમાં લગભગ 33 કરોડ દેવી-દેવતાઓની વાત કહેવામાં આવી છે. જેમાંથી ઘણા દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રોમાં પણ બધાં દેવી-દેવતાઓને કોઈને કોઈ પ્રાણી અને પક્ષી સાથે બતાવ્યા છે. એટલે કે, દરેક દેવતાની પોતાની સવારી હોય છે અથવા કોઈ પ્રિય પ્રાણી અથવા પક્ષી હોય છે.

એવું માનવામાં આવે છે કે બધા દેવી-દેવતાઓ પોતાના પ્રિય વાહન તરીકે કોઈને કોઇ પશુ અથવા પક્ષીની સવારી કરતા હતા. તેથી, હિન્દુ ધર્મમાં પશુ-પક્ષીઓની પણ પૂજા કરવામાં આવે છે. પરંતુ એક પક્ષી એવું પણ છે કે જેના વિશે હિન્દુઓમાં વિચિત્ર ધારણાઓ, માન્યતાઓ અને અંધશ્રદ્ધાઓ પ્રચલિત છે.

આપણે ઘુવડ વિશે વાત કરી રહ્યા છીએ. ઘુવડને હિન્દુઓમાં શુભ અને અશુભ બંને રીતે જોવામાં આવે છે. જે લોકો તેને અશુભ માને છે તે આ પક્ષીથી ધૃણા કરે છે અને તેને જોવું પણ પસંદ કરતા નથી. પરંતુ જે લોકો તેને શુભ માને છે તે ઘુવડની તસવીર અને મૂર્તિઓ પોતાની સાથે રાખે છે. જોકે ભારતીય સમાજમાં ‘ઉલ્લૂ’ કહીને કોઈને સંબોધિત કરવામાં આવે છે તો તેનો અર્થ મૂર્ખ માનવામાં આવે છે.

બીજી બાજુ ઉલ્લૂને ભલે મૂર્ખ માનવામાં આવે છે, પરંતુ દરેક વ્યક્તિની ક્યાંકને ક્યાંક એ જ ઇચ્છા હોય છે કે ઘુવડ પર સવાર માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તેમના પર રહે દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેની પાસે અપાર સંપત્તિ હોય. જેના માટે લોકો લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરે છે. તે ધાર્મિક માન્યતા છે કે જે વ્યક્તિ પર માતા લક્ષ્મીના આશીર્વાદ હોય છે તેના જીવનમાં ધન-સંપત્તિની ક્યારેય અછત થતી નથી. આટલું જ નહીં, હિન્દુ ધર્મમાં માનનારા લોકો વચ્ચે માતા લક્ષ્મીની સંપત્તિની દેવી તરીકે પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં જે રીતે બધા દેવી-દેવતાઓનું વાહન કોઈને કોઈ પ્રાણી કે પક્ષી છે. તે રીતે માતા લક્ષ્મીએ પોતાના વાહન તરીકે ધુવડને પસંદ કર્યું છે. ચાલો જાણીએ માતા લક્ષ્મી દ્વારા પોતાનું વાહન ઘુવડ પસંદ કરવા પાછળની પૌરાણીક કથા.

જણાવી દઈએ કે પૌરાણિક કથા મુજબ હિન્દુ ધર્મના બધા દેવી-દેવતાઓએ પ્રાણીઓ અને પક્ષીઓને તેમના વાહન અથવા સવારી તરીકે પસંદ કર્યા છે, જેમાંથી ઘણા દેવી-દેવતાઓના વાહનોની સ્વતંત્ર દેવતા તરીકે પણ પૂજા થાય છે. જેમ કે ભગવાન શિવનું વાહન નંદી અને ભગવાન વિષ્ણુનું વાહન ગરુડ પોતે પણ પૂજનીય છે. બધા દેવી-દેવતાઓએ પોતાની જરૂરિયાત અને ઈચ્છા મુજબ પોતાનું વાહન પસંદ કર્યું છે. તેવી જ રીતે માતા લક્ષ્મી દ્વારા પોતાના વાહન તરીકે ઘુવડને પસંદ કરવાની કથા ખૂબ રસપ્રદ છે. જણાવી દઈએ કે પ્રકૃતિ અને પશુ-પક્ષીઓના નિર્માણ પછી, જ્યારે બધા દેવી-દેવતાઓ તેમના વાહનોને પસંદ કરી રહ્યા હતા. ત્યારે માતા લક્ષ્મી પણ પોતાનું વાહન પસંદ કરવા માટે પૃથ્વી પર આવી. માતા લક્ષ્મીને જોઈને બધા પશુ-પક્ષી માં તેના વાહન બનવાની હરિફાઈ થઈ.

આવી સ્થિતિમાં માતા લક્ષ્મીજીએ બધા પશુ-પક્ષીને કહ્યું કે હું કારતક મહિનાની અમાસ પર ધરતી પર ભ્રમણ કરું છું, તે સમયે જે પણ પ્રાણી અને પક્ષી તેમના સુધી સૌથી પહેલા પહોંચે છે, હું તેને મારું વાહન બનાવીશ. કારતક અમાસની રાત ખૂબ જ અંધકારમય હોય છે. તેથી જ્યારે માતા લક્ષ્મીજી પૃથ્વી પર ઉતર્યા, તો રાતના અંધારામાં જોવાની ક્ષમતાને લીધે, ઘુવડ એ તેને સૌથી પહેલા જોઈ લીધા અને કોઈ અવાજ કર્યા વગર સૌથી પહેલા લક્ષ્મીજી સુધી પહોંચી ગયું. ઘુવડના આ ગુણથી પ્રસન્ન થઈને માતા લક્ષ્મીએ તેને પોતાની સવારી તરીકે પસંદ કર્યું. ત્યારથી માતા લક્ષ્મી ને “ઉલૂક વાહિની” પણ કહેવામાં આવે છે.

આટલું જ નહીં પૌરાણિક માન્યતાઓ અનુસાર માતા લક્ષ્મીની સવારીને કારણે ઘુવડને શુભતા અને સમૃદ્ધિનું પ્રતિક પણ માનવામાં આવે છે. દિવાળીની રાત્રે ઘુવડનું દેખાવું એ માતા લક્ષ્મીજીના આગમનના સંકેત માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા એ પણ છે કે ઘુવડનો “હૂં હૂં હૂં” નો અવાજ કાઢવો એ મંત્રનો જાપ છે, પરંતુ કેટલાક લોકો અંધશ્રદ્ધાને કારણે તેની બલિ આપે છે, જે એક જીવ હત્યા છે. આ એક પાપ કર્મ છે, ધર્મમાં તે સંપૂર્ણ રીતે પ્રતિબંધિત છે.