દુનિયાનું એકમાત્ર જીવિત શિવલિંગ જેની દર વર્ષે વધે છે લંબાઈ, વાંચો તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા

ધાર્મિક

મતંગેશ્વર મંદિરમાં રહેલું શિવલિંગ જીવંત હોવાનું માનવામાં આવે છે. લોકો મુજબ દુનિયાનું એકમાત્ર એવું શિવલિંગ છે જેની ઉંચાઈ સતત વધી રહી છે. આ શિવલિંગની લંબાઈ 9 ફૂટથી વધુ થઈ ગઈ છે. દૂર-દૂરથી લોકો આ ચમત્કારિક શિવલિંગને જોવા માટે આવે છે. મંદિરના પુજારી મુજબ આ શિવલિંગનું કદ દર વર્ષે વધે છે. જો પૂજારીઓની વાત માનીએ તો શિવલિંગ દર વર્ષે 1 ઇંચ જેટલું વધી રહ્યું છે.

અહીંના સ્થાનિક લોકોનું પણ કહેવું છે કે આ શિવલિંગનો આકાર સદીઓથી વધી રહ્યો છે. તેમણે પોતાની આંખોથી આ શિવલિંગનો આકાર વધતા જોયું છે. સ્થાનિક લોકોનું માનીએ તો આ શિવલિંગ પહેલા નાનું હતું. પરંતુ દર વર્ષે તેનું કદ એવી રીતે વધ્યું કે હવે તે 9 ફૂટનું થઈ ગયું છે.

ધરતી નીચે છે સમાયેલું: આ શિવલિંગ સાથે ઘણી વિશેષતાઓ પણ જોડાયેલી છે. આ શિવલિંગ ધરતીથી જેટલું ઉપર છે, તેટલું જ ધરતીની નીચે પણ સમાયેલું છે. શિવલિંગ સાથે અનેક કથાઓ પણ જોડાયેલી છે. સ્થાનિક લોકોનું માનીએ તો જે દિવસે આ શિવલિંગ વધતા પાતાળ લોકને સ્પર્શ કરશે તે દિવસે આ દુનિયા સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જશે. તે દિવસે દુનિયાનો અંત નિશ્ચિત છે.

શિવલિંગ સાથે જોડાયેલી કથા: શાસ્ત્રોમાં આ જીવંત શિવલિંગનો ઉલ્લેખ જોવા મળે છે. શાસ્ત્રો મુજબ ભગવાન શિવએ યુધિષ્ઠિરને એક ચમત્કારિક રત્ન સોંપ્યો હતો. જેને યુધિષ્ઠિરે મતંગ ઋષિને આપ્યો હતો. કોઈક રીતે આ રત્ન રાજા હર્ષવર્મન પાસે આવી ગયો. રાજાએ આ રત્નને જમીનની નીચે દફનાવી દીધો. કથા મુજબ જમીનમાં રત્ન દફનાવ્યા પછી તેનો આકાર સતત વધવા લાગ્યો અને તેણે શિવલિંગનું રૂપ લીધું. મતંગેશ્વર મંદિરમાં આવેલા આ શિવલિંગનું નિર્માણ રત્નથી થયું છે.

ચંદેલ વંશના રાજાઓએ કર્યું હતું નિર્માણ: મધ્યપ્રદેશના છત્રપુરના ખજુરાહોમાં આવેલા મતંગેશ્વર મંદિરનું નિર્માણ ચંદેલ વંશના રાજાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ મંદિર 9 મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. આ મંદિર ભવ્ય રીતે બનાવવામાં આવ્યું છે. મતંગેશ્વર મંદિર 35 ફૂટના ક્ષેત્રમાં ફેલાયેલું છે. મંદિરનું ગર્ભગૃહ ખૂબ જ સુંદર છે. મતંગેશ્વર મંદિર લગભગ એડી 900 થી 925 ની આસપાસના સમયનું માનવામાં આવે છે. મંદિરની સ્થાપત્ય ખજુરાહોના અન્ય મંદિરોથી અલગ છે અને મંદિરના સ્તંભ અને દિવાલ પર ખઝુરાહોના અન્ય મંદિરોની જેમ કામુક મૂર્તિઓ બનાવવામાં આવી નથી.

વૈજ્ઞાનિકોના હાથ પણ ન લાગ્યું કંઈ: કેવી રીતે આ શિવલિંગનું કદ વધી રહ્યું છે. તેના પર અનેક પ્રકારનાં સંશોધન પણ કરવામાં આવ્યાં છે. પરંતુ વૈજ્ઞાનિકોના હાથ કંઈ લાગ્યું નથી. વૈજ્ઞાનિકોએ આ શિવલિંગનું રહસ્ય શોધવા માટે ઘણા પ્રયત્નો કર્યા. પરંતુ નિષ્ફળ રહ્યા અને આજ સુધી કોઈ પણ શિવલિંગના વધતા કદનું કારણ જાણી શક્યા નથી.

ક્યારે જવું: મતંગેશ્વર મંદિરની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી ફેબ્રુઆરી મહિનાનો છે. આ સમયે દુનિયા ભરના લોકો આ મંદિરમાં આવે છે અને ભગવાનના દર્શન કરે છે. ખજુરાહોમાં એક એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન છે. તેથી તે દેશના કોઈપણ ખૂણાથી અહીં સરળતાથી પહોંચી શકાય છે.