નીતૂ કપૂરનો ખુલાસો, છેલ્લા સમયમાં ઘણૂં બધું કહેવા ઈચ્છતા હતા ઋષિ કપૂર, આ હતી છેલ્લી ઈચ્છા

બોલિવુડ

દિવંગત અને દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરના અચાનક નિધનથી કરોડો ચાહકોના દિલ તૂટી ગયા હતા. કેન્સર જેવી જીવલેણ બીમારી સામે લડતા ઋષિ કપૂર જીવનની લડાઈ હારી ગયા હતા. 30 એપ્રિલ 2020 ના રોજ મુંબઈની એક હોસ્પિટલમાં ઋષિ કપૂરનું 67 વર્ષની ઉંમરમાં નિધન થયું હતું.

મોટા પડદા પર ઋષિએ સાડા ચાર દાયકા સુધી રાજ કર્યું હતું. તેમણે પોતાની લાંબી કારકિર્દીરમાં 100 થી પણ વધુ ફિલ્મોમાં કામ કર્યું. ઋષિના અચાનક નિધનથી દરેકને આઘાત લાગ્યો હતો. સાથે જ તેમની પત્ની અને પ્રખ્યાત અભિનેત્રી નીતુ કપૂરને પણ ઋષિના નિધનથી ઊંડો આઘાત લાગ્યો હતો.

ઋષિ કપૂર ભલે આ દુનિયામાં શારીરિક રીતે હાજર ન હોય, જો કે તેઓ હંમેશા ચાહકો અને પોતાના પરિવારના દિલમાં પોતાની ફિલ્મો અને એક્ટિંગના કારણે જીવંત રહેશે. નીતુ કપૂરે તાજેતરમાં જ ઋષિ કપૂર વિશે વાત કરી છે. ઋષિના નિધન પછી, ઘણા પ્રસંગો પર નીતુએ તેમના વિશે વાત કરી છે અને ફરી એક વખત ઋષિ ને લઈને તેમનું દર્દ છલક્યું છે.

પોતાના તાજેતરના એક ઈન્ટરવ્યુમાં નીતુ કપૂરે ઋષિ કપૂર વિશે ખુલીને વાતચીત કરી છે. નીતુએ પોતાના ઈન્ટરવ્યુમાં ઋષિની છેલ્લી ક્ષણને યાદ કરી છે અને જણાવ્યું છે કે છેલ્લા સમયમાં તેની અને ઋષિ વચ્ચે શું વાતચીત થઈ હતી. બંને વચ્ચે છેલ્લી વાતચીત મુંબઈના સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં થઈ હતી જ્યાં ઋષિને દાખલ કરવામાં આવ્યા હતા.

જે દિવસે છેલ્લી વખત ઋષિ અને નીતુ વચ્ચે વાતચીત થઈ હતી તે દિવસ હતો 13મી એપ્રિલ 2020નો. સંયોગથી 13 એપ્રિલે 41 વર્ષ પહેલા ઋષિ અને નીતુની સગાઈ પણ થઈ હતી. નીતુએ કહ્યું હતું કે તે સમયે ઋષિ કપૂર વેન્ટિલેટર પર હતા અને તે જ પ્રસંગ પર બંનેએ છેલ્લી વાતચીત કરી હતી.

રણબીરના લગ્ન જોવા ઈચ્છતા હતા ઋષિ કપૂર: ઋષિ કપૂર ઈચ્છતા હતા કે તે પોતાના પુત્ર રણબીર કપૂરના લગ્ન જોઈ શકે જોકે તે શક્ય બની શક્યું નહિં. નીતુએ એ પણ જણાવ્યું કે ઋષિ કપૂરને સારવારની પ્રક્રિયામાંથી પસાર થતા જોવું ખૂબ જ દુઃખદાયક હતું. ઋષિ કપૂર ઘણું બધું કહેવા ઈચ્છતા હતા પરંતુ તેઓ પોતાના દિલની વાત કહી શક્યા ન હતા.

નીતુના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં તે ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ દીવાને જુનિયર્સ’માં જજ તરીકે જોવા મળી રહી છે. તેની સાથે શોની જજ અભિનેત્રી નોરા ફતેહી અને કોરિયોગ્રાફર મારઝી પેસ્તોંજી પણ છે.

નીતુ કપૂર ટૂંક સમયમાં મોટા પડદા પર પણ જોવા મળશે. તેની આગામી ફિલ્મનું નામ ‘જુગ જુગ જિયો’ છે જે આ વર્ષે 24 જૂને રિલીઝ થશે. આ ફિલ્મમાં નીતુ અનિલ કપૂર, કિયારા અડવાણી અને વરુણ ધવન સાથે જોવા મળશે.