નરગિસની આ લાલચ એ ઋષિ કપૂરને બનવયા હતા હીરો, 3 વર્ષની ઉંમરમાં આ ફિલ્મમાં કરી હતી એક્ટિંગ

બોલિવુડ

હિન્દી સિનેમાના દિગ્ગજ અને દિવંગત અભિનેતા ઋષિ કપૂરના નિધનને આજે (30 એપ્રિલ) બે વર્ષ પૂર્ણ થઈ ગયા છે. ઋષિ કપૂરનું વર્ષ 2020માં 30 એપ્રિલે મુંબઈની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. કપૂર પરિવારના સૌથી ચર્ચિત સ્ટાર્સમાં શામેલ રહેલા ઋષિ કપૂર કેન્સર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા.

ઋષિ કપૂરે માત્ર 67 વર્ષની ઉંમરમાં આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. તેમના નિધનથી સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોક છવાઈ ગયો હતો, જ્યારે ચાહકોને પણ મોટો ઝટકો લાગ્યો હતો. જોકે ચાહકોના દિલમાં ઋષિ હંમેશા પોતાની ફિલ્મો, પોતાની એક્ટિંગ અને પોતાના કિસ્સાને કારણે જીવિત રહેશે.

ઋષિ કપૂરે મુખ્ય અભિનેતા તરીકે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 1973માં આવેલી ફિલ્મ ‘બોબી’થી કરી હતી. આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે ઋષિ 21 વર્ષના હતા. ઋષિ કપૂર પોતાની ડેબ્યુ ફિલ્મથી જ દર્શકોના દિલ પર છવાઈ ગયા હતા. ઋષિની આ ડેબ્યુ ફિલ્મ હિટ રહી હતી.

ઋષિ કપૂર સાથે આ ફિલ્મમાં અભિનેત્રી ડિમ્પલ કાપડિયાએ કામ કર્યું હતું. નોંધપાત્ર છે કે ઋષિની સાથે જ આ ડિમ્પલની પણ પહેલી ફિલ્મ હતી. જો કે અભિનેતા તરીકે ફિલ્મોમાં કામ કરતા પહેલા, ઋષિ મોટા પડદા પર બાળ કલાકાર તરીકે પણ કામ કરી ચુક્યા હતા. તે જ્યારે 17 વર્ષના હતા અને માત્ર ત્રણ વર્ષના હતા ત્યારે પણ તે મોટા પડદા પર એક્ટિંગ કરતા જોવા મળ્યા હતા.

ઋષિ કપૂરે માત્ર ત્રણ વર્ષની ઉંમરમાં મોટા પડદા પર એક્ટિંગ કરી હતી. આ ફિલ્મ હતી ‘શ્રી 420’. આ ફિલ્મ હતી ઋષિ કપૂરના પિતા રાજ કપૂરની. આ ફિલ્મ વર્ષ 1955માં આવી હતી. ફિલ્મમાં રાજ કપૂર, નરગીસ, નાદિરા, લલિતા પવાર જોવા મળ્યા હતા. આ ફિલ્મનું એક ગીત હતું ‘પ્યાર હુઆ ઈકરાર હુઆ’. તેમાં ઋષિ કપૂર પણ જોવા મળ્યા હતા જ્યારે તેમની ઉંમર માત્ર 3 વર્ષની હતી. કહેવાય છે કે નરગિસ દ્વારા ચોકલેટની લાલચ આપવા પર ઋષિ આ ગીતમાં કામ કરવા માટે માન્યા હતા.

ઋષિ કપૂરે પોતે આ વાતનો ખુલાસો કરતા કહ્યું હતું કે, “મને કહેવામાં આવ્યું હતું કે મારે ‘શ્રી 420’માં મારે એક શોટ આપવાનો છે અને મારા મોટા ભાઈ અને બહેન પણ આ શોટમાં હશે. જ્યારે પણ શોટ હોય ત્યારે અમારે વરસાદમાં ચાલવાનું હતું. આવી સ્થિતિમાં શૉટ દરમિયાન જ્યારે પણ મારા પર પાણી પડતું ત્યારે હું રડવા લાગતો. આ કારણે તે શૂટિંગ કરી શકતા ન હતા. તો નરગીસે ​​મને કહ્યું કે જો તું શોટ દરમિયાન તારી આંખો ખુલ્લી રાખીશ અને રડીશ નહિ તો હું તને ચોકલેટ આપીશ. ત્યાર પછી મેં માત્ર ચોકલેટ માટે મારી આંખો ખુલ્લી રાખી અને તે મારો પહેલો શોટ હતો.”

પછી 17 વર્ષની ઉંમરમાં પિતાનું યુવા પાત્ર નિભાવ્યું: ઋષિ પછી વર્ષ 1970માં આવેલી રાજ કપૂરની ફિલ્મ ‘મેરા નામ જોકર’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમણે પોતાના પિતાનું યુવા પાત્ર નિભાવ્યું હતું. તેની સાથે જોડાયેલો એક કિસ્સો પોતાના ઈન્ટરવ્યુમાં સંભળાવતા ઋષિએ કહ્યું હતું કે, “અમે ઘરે ભોજન કરી રહ્યા હતા અને મારા પિતાએ મારી માતાને કહ્યું, કૃષ્ણા, હું ઈચ્છું છું કે ચિન્ટુ મેરા નામ જોકરમાં મારું યુવા પાત્ર નિભાવે. અને હું એટલો ઉત્સાહિત થઈ ગયો કે મારી ફિલ્મોમાં કામ કરવાની વાતો ચાલી રહી છે.”

ઋષિ સાહેબે આગળ કહ્યું હતું કે, “મેં તેમની સામે કશું કહ્યું નહિં. મેં મારું ભોજન સમાપ્ત કર્યું અને મારા રૂમમાં ગયો. મમ્મી ત્યારે પપ્પાને કહેતી હતી કે ફિલ્મના કારણે મારા અભ્યાસ પર અસર થશે. તે અલગ વાત છે કે તે ફિલ્મથી મારા જીવન પર કોઈ અસર થઈ નહિં, પરંતુ જ્યારે તે આ વાત પર વિચાર કરી રહ્યા હતા ત્યારે હું મારા રૂમમાં આવ્યો અને મારા સ્ટડી ટેબલનું ડ્રોઅર ખોલ્યું. તેમાં એક ફુલ શીટ હતી. મેં તેના પર મારા ઓટોગ્રાફની પ્રેક્ટિસ શરૂ કરી.”

રાજ સાહેબે ફિલ્મ ‘મેરા નામ જોકર’ માટે પોતાનું આખું જીવન આપી દીધું. તેમાં ઘણા પૈસા પણ લગાવવામાં આવ્યા હતા. તેને આ ફિલ્મથી ઘણી આશાઓ હતી પરંતુ જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તે બોક્સ ઓફિસ પર પીટાઈ ગઈ. આ ફિલ્મને બનાવવામાં 6 વર્ષનો સમય લાગ્યો હતો, જો કે આ ફિલ્મ દર્શકોના દિલ પર કોઈ જાદુ ન ચલાવી શકી.

રાજ સાહેબે આગળ વધીને પુત્ર ઋષિ ને લઈને ફિલ્મ ‘બોબી’ બનાવી. આ ફિલ્મમાં શ્રેષ્ઠ એક્ટિંગ કરીને ઋષિ માત્ર સફળ અને લોકપ્રિય જ ન બન્યા, પરંતુ તેણે પિતાને ફિલ્મ ‘મેરા નામ જોકર’થી થયેલા ભારે નુક્સાનથી પણ બચાવ્યા હતા.

તેમણે તેના વિશે કહ્યું હતું કે પિતાએ ફિલ્મ ‘બોબી’ મને લોન્ચ કરવાના હેતુથી નથી બનાવી. તેમણે આ ફિલ્મ એટલા માટે બનાવી હતી કે જેથી તે પોતાની મોટા બજેટમાં બનેલી ફ્લોપ ફિલ્મ મેરા નામ જોકરનું દેવું ચૂકવી શકે. આ માટે રાજ સાહેબને સુપરહિટ ફિલ્મની જરૂર હતી.