મુકેશ અંબાણી એ તિરુપતિ બાલાજી મંદિરમાં કરી પૂજા, ટ્રસ્ટને આપ્યું આટલા અધધધ કરોડનું દાન

વિશેષ

દેશના સૌથી મોટા બિઝનેસમેનમાંથી એક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી આ દિવસોમાં દેશના પ્રખ્યાત મંદિરોમાં દર્શન કરી રહ્યા છે. આ તબક્કામાં શુક્રવારે વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરમાં પૂજા કરી. આ પહેલા સોમવારે તેમણે રાજસ્થાનના નાથદ્વારામાં શ્રીનાથજી મંદિરમાં પણ દર્શન કર્યા હતા.

તિરુપતિ બાલાજી ટ્રસ્ટને આપ્યું 1.5 કરોડનું દાન: પરંપરાગત પોશાકમાં દર્શન કરવા પહોંચેલા રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ પહેલા ભગવાન વેંકટેશ્વરની પૂજા કરી અને પછી તિરુમાલામાં એસવી ગૌશાળાની મુલાકાત લીધી. મુકેશ અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિર ટ્રસ્ટને 1.5 કરોડ રૂપિયાનું દાન પણ આપ્યું. તેને લઈને તેમણે તિરુમાલાના રંગનાયકુલા મંડપમ ખાતે TTD ના એક્ઝિક્યુટિવ ઓફિસર ધર્મ રેડ્ડીને ડિમાન્ડ ડ્રાફ્ટ સોંપ્યો.

ગજરાજના લીધા આશીર્વાદ, રાધિકા મર્ચન્ટ પણ રહી સાથે: મુકેશ અંબાણીએ મંદિરમાં ઉપસ્થિત ગજરાજના આશીર્વાદ પણ લીધા હતા. તેમણે હાથીને કેળા પણ ખવડાવ્યા જે તેણે એક ઝટકામાં ખૂબ પ્રેમથી ખાધા. આ દરમિયાન તેમના પુત્ર અનંત અંબાણીની મંગેતર રાધિકા મર્ચન્ટ પણ હાજર હતી. મીડિયા સાથે વાત કરતા મુકેશ અંબાણીએ કહ્યું કે તેઓ તિરુમાલાની મુલાકાત લઈને ખૂબ જ ખુશ છે અને તેઓ વેંકટેશ્વર સ્વામીને દરેકને આશીર્વાદ આપવાની પ્રાર્થના કરે છે. તેમણે એમ પણ કહ્યું કે તે જ્યારે પણ તિરુપતિની મુલાકાત લે છે ત્યારે મંદિર વધુ સારું બની જાય છે.

સોમવારે શ્રીનાથજીના કર્યા હતા દર્શન: જણાવી દઈએ કે મુકેશ અંબાણીએ સોમવારે રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના નાથદ્વારા શહેરમાં આવેલા શ્રીનાથજી મંદિરમાં પરિવારના સભ્યો સાથે દર્શન કર્યા હતા અને પૂજા કરી હતી. તેઓ ચાર્ટર્ડ પ્લેન દ્વારા ઉદયપુરના ડબોક એરપોર્ટ પહોંચ્યા હતા જ્યાંથી તેઓ રોડ માર્ગે શ્રી નાથદ્વારા મંદિર ગયા હતા.