કમાણીનો કેટલો ભાગ દાન કરવો જોઈએ? જાણો શાસ્ત્રો મુજબ દાનના પ્રકાર અને મહત્વ

ધાર્મિક

ધાર્મિક ગ્રંથો મુજબ વ્યક્તિએ જીવનમાં દાન જરૂર કરવું જોઇએ. દાન તેને કહેવામાં આવે છે જ્યારે કોઈ વ્યક્તિ તેની ઈચ્છાથી કોઈ ચીજ સામે વાળી વ્યક્તિને આપે છે અને તેને પછી ક્યારેય પરત નથી લેતા. દાનમાં પૈસા ઉપરાંત અન્ન, જળ, શિક્ષા, ગાય, બળદ જેવી ચીજો પણ શામેલ છે. દાન આપવું એ આપણું કર્તવ્ય અને ધર્મ છે. શાસ્ત્રોમાં દાન કરવાનું મહત્વ પણ જણાવવામાં આવ્યું છે.

શાસ્ત્રોના એક શ્લોક મુજબ – “દાનં દમો દયા ક્ષાન્તિઃ સર્વેષાં ધર્મસાધનમ્॥ યાજ્ઞાવલ્ક્યસ્મૃતિ, ગૃહસ્થ।”. આ શ્લોકનો અર્થ છે દાન અંતકરણનો સંયમ છે, દયા અને ક્ષમા એ સામાન્ય ધર્મ સાધન માનવામાં આવે છે. દાન એ એક પ્રકારની સામાજિક વ્યવસ્થા છે. દાન કરવાથી સમાજમાં સંતુલન રહે છે. જ્યારે અમીર લોકો દાન આપે છે, ત્યારે ઘણા ગરીબ પરિવારોનું ભરણ પોષણ થઈ જાય છે. ભારતીય સંસ્કૃતિ મુજબ ભગવાન દરેક જીવમાં વાસ કરે છે. તેથી કોઈને ભૂખ્યા ન રાખવા જોઈએ. જો તમે દાન કરો છો, તો આપણી સંસ્કૃતિ અતૂટ બની જાય છે.

એટલા માટે તે ખૂબ જ જરૂરી છે કે તમે સ્વૈચ્છિક અને દિલ ખોલીને દાન કરો. એક સવાલ એ પણ આવે છે કે આપણે કેટલું દાન કરવું જોઈએ. શાસ્ત્રોમાં પણ આ માહિતી આપવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું છે કે વ્યક્તિએ કમાણીનો કેટલો ભાગ દાન તરીકે લોકોમાં વહેંચવો જોઈએ. તેના વિશે જાણતા પહેલા ચાલો તે જાણી લઈએ કે દાન કેટલા પ્રકારના હોય છે.

નિત્યદાન: આ એક એવું દાન છે જેમાં વ્યક્તિ કોઈના પરોપકારની ભાવના નથી રાખતા. તે દાન આપવાના બદલામાં કોઈ ફળની ઈચ્છા પણ નથી રાખતા. તે નિ:સ્વાર્થ દાન કરે છે. તેના બદલામાં તે કંઈપણ નથી ઈચ્છતા. આવું દાન નિત્યદાન કહેવાય છે.

નૈમિત્તિક દાન: જ્યારે વ્યક્તિના પાપનો ઘડો ભરાઈ જાય છે, ત્યારે તે, તે પાપોની શાંતિ માટે વિદ્વાન બ્રાહ્મણોના હાથ પર આ દાન રાખે છે. આવા દાનને નૈમિત્તિક દાન કહેવામાં આવે છે.

કામ્યા દાન: જ્યારે કોઈ વ્યક્તિ સંતાન, સફળતા, સુખ, સમૃદ્ધિ અને સ્વર્ગ મેળવવાની ઇચ્છા રાખે છે અને તે દાન કરે છે, તો તેને કામ્યા દાન કહેવામાં આવે છે.

વિમલ દાન: જ્યારે આપણે ભગવાનને પ્રસન્ન કરવા માટે કોઈ દાન કરીએ છીએ, ત્યારે તેને વિમલ દાન કહેવામાં આવે છે.

દાન કોને કરવું જોઈએ? ધન-સંપત્તિથી સમૃદ્ધ વ્યક્તિ જ દાન માટે સક્ષમ હોય છે. ગરીબ અને મુશ્કેલીથી પોતાનું ગુજરાન ચલાવનાર લોકોએ દાન આપવું જરૂરી નથી. આ શાસ્ત્રનો નિયમ કહે છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ તેના માતાપિતા, પત્ની અને બાળકોનું પેટ કાપ્યા પછી દાન કરે છે, તો તેને પુણ્ય નહીં પરંતુ પાપ મળે છે. દાન હંમેશાં લાયક વ્યક્તિને જ આપવું જોઈએ. અયોગ્યને આપેલું દાન વ્યર્થ થઈ જાય છે.

કમાણીનો કેટલો ભાગ દાન કરવો જોઈએ: શાસ્ત્રોમાં ઉલ્લેખિત શ્લોક મુજબ – “ન્યાયોપાર્ઝિતવિત્તસ્ય દશમોશેન ધીમતઃ। કર્તવ્યો વિનિયોદશ્ચ ઈશ્વરપ્રીત્યર્થમેવ ચ॥” તેનો અર્થ એ છે કે કમાયેલા દસમા ભાગની રકમ દાનમાં આપવી જોઈએ. આ દાન કરવું તમારી ફરજ છે. આ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે.