પોલેન્ડની કરોલિના બિલાવસ્કા બની નવી ‘મિસ વર્લ્ડ’, જાણો ક્યા સવાલના જવાબથી માથા પર સજ્જ થયો તાજ

બોલિવુડ

દુનિયાને નવી મિસ વર્લ્ડ મળી ગઈ છે. આ વખતે પોલેન્ડની કરોલિના બિલાવસ્કાએ બાજી મારી લીધી અને મિસ વર્લ્ડનો તાજ પોતાના નામે કરી લીધો. આ સ્પર્ધામાં દુનિયાભરની સુંદરીઓએ ભાગ લીધો હતો, પરંતુ પોલેન્ડની સુંદરીએ પોતાની સુંદરતા અને ટેલેંટના આધારે બધાને પાછળ છોડીને એવોર્ડ પર કબજો મેળવ્યો છે.

ભૂતપૂર્વ મિસ વર્લ્ડ જમૈકાની ટોની એન સિંહે તેને તાજ પહેરાવીને નવી મિસ વર્લ્ડ બનવા બદલ અભિનંદન પાઠવ્યા. આ આયોજન પ્યુર્તો રિકોમાં થયું હતું. અહીંના કોકા-કોલા મ્યુઝિક હોલમાં યોજાયેલી સ્પર્ધામાં કરોલિનાના માથા પર તાજ સજ્જ થયો. સાથે જ અમેરિકાની શ્રી સેની બીજા નંબર પર રહી. આ સાથે કોટે ડી’આઈવરની ઓલિવિયા ત્રીજા સ્થાન પર રહી.

ભારતીય સુંદરીનું સપનું તૂટ્યું: આ સ્પર્ધામાં ભારતીય સુંદરીઓ પણ શામેલ થઈ હતી અને અન્ય દેશોની સુંદરીઓને સખત ચેલેન્જ આપી રહી હતી. તેનું નામ મનસા છે જે વારાણસીની છે. મનસા ટોપ 13 સુધી પહોંચી ગઈ હતી પરંતુ ત્યાર પછી તે ટોપ 6માં જગ્યા બનાવવામાં સફળ ન રહી અને તેનું ટાઈટલ જીતવાનું સપનું તૂટી ગયું.

જો કે મનસા માટે ઘણી પ્રાર્થનાઓ કરવામાં આવી રહી હતી અને તે સારું પ્રદર્શન પણ કરી રહી હતી. છતાં પણ મિસ વર્લ્ડનો તાજ તેના માથા પર સજ્જ થઈ શક્યો નહિં. જોકે સ્પર્ધામાં ભારતીય મૂળની સુંદરીનું પ્રભુત્વ રહ્યું. અમેરિકાના શ્રી સેનીને ફર્સ્ટ રનર અપ તરીકે પસંદ કરવામાં આવી છે. તે ભારતીય મૂળની છે અને અમેરિકામાં રહે છે.

જાણો કોણ છે કરોલિના: કરોલિના પોલેન્ડની રહેવાસી છે. તેના શિક્ષણની વાત કરીએ તો તેણે MBA નો અભ્યાસ કર્યો છે. હવે તે પોતાનો અભ્યાસ શરૂ રાખવા ઈચ્છે છે અને પીએચડી પણ કરવા ઈચ્છે છે. તેને માત્ર અભ્યાસનો જ શોખ નથી, તેની સાથે તે મોડલિંગમાં પણ કારકિર્દી બનાવવા ઈચ્છે છે. આટલું જ નહીં, તેનો ઇરાદો મોટિવેશનલ સ્પીકર બનવાનો છે.

કરોલિના સ્વિમિંગ પણ ખૂબ જ પસંદ કરે છે. આ ઉપરાંત સ્કુબા ડાયવિંગ પણ તેની પ્રિય રમત છે. તે ટેનિસ અને બેડમિન્ટન પણ રમવાનું પસંદ કરે છે. મિસ વર્લ્ડ સ્પર્ધા કોરોના વાયરસના કારણે મૂલતવી રાખવામાં આવી હતી. ઘણી સુંદરીઓને કોરોના થઈ ગયો હતો. ભારતની મનસા પણ આ વાયરસની ઝપેટમાં આવી ગઈ હતી.

જાણો કયા જવાબે બનાવી મિસ વર્લ્ડ: હવે અમે તમને જણાવીએ કે છેવટે તેને કયા સવાલના જવાબથી મિસ વર્લ્ડનો તાજ મળ્યો. સ્પર્ધામાં તેને પૂછવામાં આવ્યું કે સૌથી મહત્વપૂર્ણ શોધ કઇ છે જે હજુ શોધવાની બાકી છે? આ સવાલનો કરોલિનાએ ખૂબ જ સમજદારીપૂર્વક જવાબ આપ્યો. તેણે કહ્યું, “આપણા બધા પાસે અનોખા અનુભવો છે…આપણે નાના-નાના પ્રયત્નોથી પણ અન્યના જીવનને શ્રેષ્ઠ બનાવી શકીએ છીએ.” કરોલિનાના મતે, “જો તમે કંઈક નવું શોધવા ઈચ્છો છો તો… વધુ સહાનુભૂતિ, કરુણા, કૃતજ્ઞતા રાખવાનો પ્રયત્ન કરો.” બસ આ જવાબ જજને પસંદ આવ્યો અને તે મિસ વર્લ્ડ બની ગઈ.