લતા મંગેશકરના નિધન પર 2 દિવસના રાષ્ટ્રીય શોકની ઘોષણા: અહીં કરવામાં આવશે તેમના અંતિમ સંસ્કાર

બોલિવુડ

રવિવારે દેશની પ્રખ્યાત સિંગર અને સ્વર કોકિલા મંગેશકરે દુનિયાને અલવિદા કહી દીધું. તેમના નિધનના સમાચાર સાંભળતાની સાથે જ આખો દેશ શોકમાં ડૂબી ગયો. લતા મંગેશકરના નિધન પર કેન્દ્ર સરકારે બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. લતા દીદીના નિધન પર રાજકીય હસ્તીઓથી લઈને બોલીવુડ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજોએ શોક વ્યક્ત કર્યો છે.

લતા મંગેશકરે રવિવારે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. લતા મંગેશકરને કોવિડ અને ન્યુમોનિયા હોવાનું નિદાન થયું હતું અને ડોકટરોની એક ટીમ સતત તેમની સારવાર કરી રહી હતી. 92 વર્ષની ઉંમરમાં લતા મંગેશકરે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. બોલિવૂડની તમામ દિગ્ગજ હસ્તીઓ તેમને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી રહી છે. અક્ષય કુમાર, ભૂમિ પેડનેકર અને દિયા મિર્ઝા જેવા સેલેબ્સે ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે.

મુંબઈના શિવાજી પાર્કમાં અંતિમ સંસ્કાર: મળતી માહિતી મુજબ, સુરની રાણી લતા મંગેશકરના પાર્થિવ દેહને લગભગ સાડા બાર વાગ્યે તેમના નિવાસ સ્થાને લઈ જવામાં આવશે. આજે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે આજે સાંજે 6:30 કલાકે શિવાજી પાર્ક માં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

મધ્યપ્રદેશમાં શોકની લહેર: મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં જન્મેલા લતા મંગેશકરના નિધનથી સમગ્ર મધ્યપ્રદેશમાં શોકની લહેર છવાઈ ગઈ છે. અહીંના દિગ્ગજ નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્વિટર પર લખ્યું કે સુરની રાણી, પરમ આદરણીય લતા મંગેશકર જીના નિધનથી અન્તર્મન દુઃખ, દર્દ, શોકથી દુઃખી છે. માત્ર દેશે જ નહીં પરંતુ આખી દુનિયાએ એક એવા સિંગરને ગુમાવ્યા છે, જેણે પોતાના મધુર અવાજથી જીવનમાં આનંદ ઘોળનાર અસંખ્ય ગીતો આપ્યા.

લતા દીદીનું તપસ્વી જીવન એ સ્વર સાધનાનો અનોખો અધ્યાય છે. તેમણે આગળ લખ્યું કે તમારું જીવન હિન્દી ફિલ્મ જગતની સાથે જ ભારતીય સંગીતની એવી અદ્ભુત મુસાફરી રહી, જેણે ઘણી પેઢીઓને માનવીય સંવેદનાઓને જીવંત કરીને ગીત-સંગીત સાથે જોડી. ફિલ્મ જગતના ઉદભવથી લઈને અદ્યતન યુગમાં પ્રવેશ કરવા સુધી દીદી સાથી થી સંરક્ષક સુધીની ભુમિકામાં રહ્યા. તમારું યોગદાન અવિસ્મરણીય રહેશે.

બે દિવસનો રાષ્ટ્રીય શોક ઘોષિત: દેશના સૌથી લોકપ્રિય સંગીતકાર લતા મંગેશકરના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર છે. કેન્દ્ર સરકારે તેમને શ્રદ્ધાંજલિ આપતા બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.