સ્વર કોકિલા, ભારત રત્ન, લતા મંગેશકર પંચતત્વોમાં ભળી ગયા છે. મુંબઈના શિવાજી પાર્કમાં સંપૂર્ણ રાજકીય સમ્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કાર એ જ પૂજારી દ્વારા કરવામાં આવ્યા જેમણે બાલાસાહેબ ઠાકરેના અંતિમ સંસ્કાર કર્યા હતા. લતા મંગેશકરને મુખાગ્નિ આપતા પહેલા તેમને બંદૂકની સલામી આપવામાં આવી. લતાજીને મુખાગ્નિ આપતા જ વાતાવરણ ખૂબ જ ગમગીન બની ગયું. લોકોની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા.
પીએમ મોદી થયા શામેલ: ભારત રત્ન લતા મંગેશકરના અંતિમ સંસ્કારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ શામેલ થયા. એરપોર્ટથી સીધા શિવાજી પાર્ક પહોંચેલા પીએમ મોદીએ લતાજીના પાર્થિવ દેહ પર ફૂલ ચળાવીને તેમને શ્રદ્ધાંજલિ આપી અને તેમના પાર્થિવ દેહની પરિક્રમા કરી. પીએમ મોદીએ લતા મંગેશકરના ભાઈ હૃદયનાથ મંગેશકર અને પરિવારના અન્ય સભ્યોને મળ્યા અને તેમને સાંત્વના પણ આપી.
ઉદ્ધવ ઠાકરેએ આપી શ્રદ્ધાંજલિ: પીએમ મોદી પછી મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ તેમને શ્રદ્ધાંજલિ આપી. ત્યાર પછી રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી, એનસીપી ચીફ શરદ પવાર, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે તેમને ફૂલ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી.
શાહરૂખ ખાને આપી શ્રદ્ધાંજલિ: લતા મંગેશખરના નિધનથી બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન પણ ખૂબ જ દુઃખી જોવા મળ્યા. શાહરૂખ લતાજીના અંતિમ સંસ્કારમાં શામેલ થવા માટે શિવાજી પાર્ક પહોંચ્યા હતા અને તેમને ફૂલ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. શાહરૂખે લતાજીના પાર્થિવ દેહની પરિક્રમા પણ કરી હતી.
View this post on Instagram
અંતિમ સંસ્કારમાં ઉમટ્યું બોલિવૂડ: શાહરૂખ ઉપરાંત અભિનેતા આમિર ખાન, અભિનેતા રણવીર સિંહ અને સંગીતકાર શંકર મહાદેવન પણ શિવાજી પાર્કમાં થયેલા અંતિમ સંસ્કારમાં શામેલ થયા અને તેમને શ્રદ્ધાંજલિ આપી. લતાજીના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં બોલિવૂડ સાથે જોડાયેલા લોકો પહોંચ્યા હતા. જાવેદ અખ્તર, શ્રદ્ધા કપૂર સહિત જુની અને નવી પેઢીના બોલીવુડ કલાકાર ત્યાં પહોંચ્યા.
પત્ની અંજલિ સાથે પહોંચ્યા સચિન તેંડુલકર: ભારત રત્ન લતા મંગેશકરના અંતિમ સંસ્કારમાં દિગ્ગજ ક્રિકેટર અને ભારત રત્ન સચિન તેંડુલકર પોતાની પત્ની સાથે પહોંચ્યા હતા. તેમણે પણ તેમની પત્ની સાથે લતાજીના પાર્થિવ દેહની પરિક્રમા કરી.
View this post on Instagram
અંતિમ યાત્રા માટે એકઠી થઈ ભીડ: આ પહેલા લતા મંગેશકરના પાર્થિવ દેહને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર માટે શિવાજી પાર્ક લાવવામાં આવ્યું. અંતિમ યાત્રામાં તેમને અંતિમ વિદાય આપવા માટે લોકોની ભીડ એકઠી થઈ હતી. દરેક વ્યક્તિ તેની એક છેલ્લી ઝલક જોવાની ઈચ્છા સાથે કારની પાછળ પાછળ ચાલી રહ્યા હતા.
અમિતાભ બચ્ચન ઘર પર શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા: આ પહેલા લતા મંગેશકરના નિધન પછી તેમના પાર્થિવ દેહને મુંબઈમાં તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યું. જ્યાં શ્રદ્ધાંજલિ આપનારાઓની ભીડ જોવા મળી. મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પોતાની પુત્રી શ્વેતા બચ્ચન સાથે તેમના ઘરે પ્રભુ કુંજ પહોંચ્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપી. અહીં પણ બોલિવૂડ અને અન્ય ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોની ભીડ રહી.
રાષ્ટ્રીય શોક, 2 રાજ્યોમાં રજાની ઘોષણા: લતા મંગેશકરના નિધનથી દરેક વ્યક્તિ દુઃખી છે. દેશમાં બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. હવે મહારાષ્ટ્ર સરકારે આવતીકાલે એટલે કે 7 ફેબ્રુઆરીએ એક દિવસની જાહેર રજાની ઘોષણા કરી છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં ગઈ કાલે લતા દીદીના સમ્માનમાં અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે.