કુમાર સાનુએ એક વખત 1 દિવસમાં ગાયા હતા 28 ગીત, જાણો તેમણે આવું શા માટે કર્યું હતું

મનોરંજન

કુમાર સાનુનો ​​જન્મ 20 ઓક્ટોબર 1957ના રોજ પશ્ચિમ બંગાળના કોલકાતામાં થયો હતો. કુમાર સાનુનું સાચું નામ કેદારનાથ ભટ્ટાચાર્ય છે. તેમના પિતાનું નામ પશુપતિ ભટ્ટાચાર્ય છે. તેઓ એક સિંગર અને સંગીતકાર હતા. કુમાર સાનુ તેમના પિતા અને મોટી બહેન સાથે કોલકાતાના સિંધી વિસ્તારમાં રહેતા હતા.

પ્રખ્યાત સિંગર કુમાર સાનુ તેમના સદાબહાર ગીતો માટે જાણીતા છે. બોલિવૂડને ઘણા યાદગાર ગીતો આપનાર આ દિગ્ગજ સિંગરના નામે એક રેકોર્ડ પણ છે. તમને જણાવી દઈએ કે, કુમાર સાનુએ એક દિવસમાં 28 ગીતો ગાઈને એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં કુમાર સાનુનું નામ નોંધાયેલું છે. સોની ટીવીના ડાન્સ રિયાલિટી શો સુપર ડાન્સર ચેપ્ટર 4ના સ્ટેજ પર આવેલા કુમાર સાનુએ પોતાના વર્લ્ડ રેકોર્ડ વિશે વાત કરતા તેની પાછળનું કારણ જણાવ્યું છે.

1993માં જ્યારે કુમાર સાનુ પોતાના શો માટે યુએસ જવાના હતા ત્યારે ઘણી ફિલ્મોના નિર્માતાઓ ખૂબ ચિંતિત હતા. કારણ કે આ શો લાંબા સમય સુધી ચાલવાનો હતો. આવી સ્થિતિમાં પોતાની ફિલ્મો માટે કુમાર સાનુને સાઇન કરનારા નિર્માતાઓને એ વાતની ચિંતા હતી કે જો સાનુ યુએસ ચાલ્યા જશે તો તેમની ફિલ્મોમાં ગીત કોણ ગાશે. જ્યારે તેમણે કુમાર સાનુ સાથે આ વિશે વાત કરી તો તેણે કહ્યું કે તે કોઈને નિરાશ કરશે નહીં.

બીજા દિવસે, તેમણે પોતાના સ્ટુડિયોમાં ગીતો રેકોર્ડ કરવાનું શરૂ કર્યું, જો કે તે સમયે તેમને બિલકુલ અંદાજ ન હતો કે તેણે કેટલા ગીતો ગાયા છે અથવા તેમના નામે કોઈ રેકોર્ડ બની રહ્યો છે. કુમાર સાનુ માત્ર ગીતો રેકોર્ડ કરવામાં મશગૂલ હતા. કારણ કે તેમને માત્ર તેમને આપવામાં આવેલું કામ પૂર્ણ કરવાનું હતું. સુપર ડાન્સર ચેપ્ટર 4 માં આ વાતનો ખુલાસો કરતા કુમાર સાનુએ કહ્યું કે બીજા દિવસે જ્યારે તેમણે સમાચારમાં વાંચ્યું ત્યારે તેમને ખબર પડી કે તેમણે 28 ગીતો ગાયા છે અને તે એક રેકોર્ડ બની ગયો છે. મજાક કરતા બોલિવૂડના સાનુ દાએ કહ્યું કે તેમને રેકોર્ડ વિશે ખબર ન હતી, તે પૈસા ગણવામાં વ્યસ્ત હતા. જો કે પછી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ વાળા લોકોએ પણ તેમને જણાવ્યું કે કુમાર સાનુએ એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

કુમાર સાનુએ સિંગિંગમાં પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 1986માં આવેલી બાંગ્લાદેશી ફિલ્મ “તીન કન્યા” થી કરી હતી. ત્યાર પછી તે પોતાની કારકિર્દી બનાવવા માટે કોલકાતાથી મુંબઈ આવ્યા. અહીં તેમણે વર્ષ 1989માં આવેલી ફિલ્મ હીરો હીરાલાલથી પોતાની બોલિવૂડ કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેમણે ‘જશ્ન હૈ મોહબ્બત કા’ ગીતમાં પોતાનો અવાજ આપ્યો હતો.