53 વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહી ગયા બોલીવુડ સિંગર કેકે, જાણો શું છે તેમના નિધનનું કારણ

બોલિવુડ

બોલિવૂડના પ્રખ્યાત સિંગર કૃષ્ણકુમાર કુન્નથ, જે કેકેના નામથી ઓળખાય છે તેમનું મંગળવારે મોડી રાત્રે નિધન થઈ ગયું. તે કોલકાતામાં એક કોન્સર્ટ કરવા ગયા હતા. કોન્સર્ટ પછી અચાનક તેમની તબિયત બગડી અને તે પડી ગયા. તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા. 53 વર્ષની ઉંમરમાં કેકે આ દુનિયાને હંમેશા હંમેશા માટે અલવિદા કહીને ચાલ્યા ગયા. એવું જણાવવામાં આવી રહ્યું છે કે કેકેનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે.

કોલકાતાના ઉલ્ટાડાંગામાં ગુરુદાસ મહાવિદ્યાલયના નઝરુલ મંચના કોન્સર્ટ દરમિયાન સિંગર કૃષ્ણકુમાર કુન્નથને હાર્ટ એટેક આવ્યો હતો. જોકે હોસ્પિટલ લઈ જતા પહેલા જ તેમનું નિધન થઈ ચુક્યું હતું. જ્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યારે ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા. તમને જણાવી દઈએ કે સ્ટેજ પર પરફોર્મન્સ દરમિયાન સિંગર કૃષ્ણકુમાર કુન્નથ (કેકે) ની તબિયત ખરાબ થઈ ગઈ હતી. ત્યાર પછી તેણે સ્પોટ લાઈટ બંધ કરવા માટે કહ્યું હતું.

કૃષ્ણકુમાર કુન્નથ (કેકે) વારંવાર કહી રહ્યા હતા કે તેમની તબિયત સારી નથી અને ગરમી લાગી રહી છે. ત્યાર પછી તે હોટલમાં ચાલ્યા ગયા. પરંતુ સીડી ચડતી વખતે અચાનક તે પડી ગયા. ત્યાર પછી તેમને કોલકાતા મેડિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CMRI)માં લઈ જવામાં આવ્યા. પરંતુ તે પહેલા જ તેમનું નિધન થઈ ગયું.

હોસ્પિટલ પહોંચ્યા પશ્ચિમ બંગાળ સરકારના મંત્રીઓ: જેવા જ પશ્ચિમ બંગાળ સરકારના મંત્રી અરૂપ વિસ્વાસને આ સમાચાર મળ્યા તેઓ તરત જ હોસ્પિટલ પહોંચ્યા. તેમણે કહ્યું, “હું ઓફિસથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે મને હોસ્પિટલથી ફોન આવ્યો. મેં સાંભળ્યું કે તેમને અહીં મૃત લાવવામાં આવ્યા હતા. હું તેના પરિવાર સાથે વાત કરી રહ્યો છું, જેઓ મુંબઈથી આવી રહ્યા છે.”

શોકમાં બોલિવૂડ, સ્ટાર્સે વ્યક્ત કર્યો શોક: સિંગર કેકેના નિધનના સમાચારથી બોલિવૂડમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સંગીત સાથે જોડાયેલી હસ્તીઓની સાથે ફિલ્મ સ્ટાર્સે પણ અવાજના જાદુગર કેકેના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. સિંગર જાવેદ અલીએ કહ્યું કે “હું આશ્ચર્યચકિત છું. મને આ સમાચાર મારા મેનેજર પાસેથી મળ્યા છે. મારો મેનેજર કેકેના મેનેજરનો મિત્ર છે. તેણે જ આ દુઃખદ સમાચાર આપ્યા છે.” સાથે જ લોકપ્રિય સિંગર ઉદિત નારાયણ પણ કેકેની વિદાયથી તૂટી ગયા છે. તેમણે કહ્યું કે “પહેલા લતા દીદી ચાલ્યા ગયા, પછી બપ્પી દા ચાલ્યા ગયા અને હવે કે.કે. ખબર નથી સિંગિંગ ઈન્ડસ્ટ્રીને કોની નજર લાગી ગઈ છે. 53 તો કોઈ ઉંમર નથી જવાની. હું આશ્ચર્યચકિત છું. ખૂબ જ દુઃખી છું.”

“હમ દિલ દે ચૂકે સનમ” થી ઓળખ મળી: 23 ઓગસ્ટ 1968ના રોજ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં જન્મેલા કેકેએ હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, મરાઠી, બંગાળી અને ગુજરાતી ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો હતો. સિંગર કેકે એ ફિલ્મ “માચીસ” (છોડ આયે હમ વો ગલિયાં) થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. જો કે બોલિવૂડમાં કેકેને સાચી ઓળખ ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ થી મળી હતી.

કેકેના તે ગીતો જે તેમના ચાહકોમાં ખૂબ જ પ્રખ્યાત રહ્યા તેમાં “યારોં” ખૂબ ચર્ચામાં હતું. આ ઉપરાંત સલમાન ખાન, અજય દેવગણ અને એશ્વર્યા રાયની ફિલ્મ “હમ દિલ દે ચૂકે સનમ” નું ગીત “તડપ તડપ કે ઇસ દિલ” એ અનોખી છાપ છોડી હતી. “એસા ક્યા ગુનાહ કિયા જો લૂટ ગયે”નો કોઈ જવાબ ન હતો.