આ 5 કારણોથી શરદ પૂર્ણિમાના દિવસે ખાવામાં આવે છે ખીર, માનવામાં આવે છે ખૂબ જ શુભ

ધાર્મિક

આસો મહિનાની પૂનમના દિવસે શરદ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. શાસ્ત્રો અને હિન્દુ ધર્મ અનુસાર આ દિવસનું ખૂબ મહત્વ છે અને એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમા પછી હેમંત ઋતુનું આગમન થાય છે અને વાતાવરણ ધીરે-ધીરે ઠંડૂં થવા લાગે છે. જો કે આ વર્ષે 30 ઓક્ટોબરની રાત્રે શરદ પૂર્ણિમા ઉજવવામાં આવશે. આ પૂર્ણિમાની રાતે ચંદ્ર 16 કળાથી ભરેલો હોય છે, આ જ કારણ છે કે ચંદ્ર ખૂબ જ સુંદર દેખાય છે. શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે આ રાત્રે ચંદ્રના કિરણોમાં ઘણા રોગો દૂર કરવાની ક્ષમતા હોય છે. આ જ કારણ છે કે તેનો લાભ લેવા માટે, છત પર ખુલ્લામાં ખીર મૂકીને બીજા દિવસે તેનું સેવન કરવામાં આવે છે. ચાલો આપણે જાણીએ, આ પાછળના કેટલાક અન્ય કારણો.

ચંદ્ર વરસાવે છે અમૃતના કિરણો: શાસ્ત્રો અનુસાર આ દિવસે ચંદ્રના કિરણોમાં અમૃત હોય છે અને તેમાં અનેક પ્રકારના રોગોનો નાશ કરવાની શક્તિ હોય છે. ચંદ્રના કિરણોથી બાહ્ય શરીર પર તો ફાયદો મળે જ છે, પરંતુ શરીરના અંદરના અંગોને ફાયદો આપવા માટે, ખીરને ચંદ્રના પ્રકાશમાં રાખવામાં આવે છે અને બીજે દિવસે સવારે પ્રસાદ તરીકે ખાવામાં આવે છે. આ જ કારણ છે કે શરદ પૂર્ણિમાની રાતે દરેક ઘરની છત પર ખીર મૂકવામાં આવે છે.

દૂધ અને ખીર બની જાય છે અમૃત: એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રને લગતી દરેક વસ્તુ જાગૃત થઈ જાય છે. દૂધ પણ ચંદ્ર સાથે સંકળાયેલું છે, તેથી તેની ખીર બનાવવામાં આવે છે અને રાત્રે ચંદ્રના પ્રકાશમાં રાખવામાં આવે છે.

શરદ પૂર્ણિમાથી થાય છે શિયાળાની ઋતુનું આગમન: શરદ પૂર્ણિમાથી વાતવરણમાં પરિવર્તનની શરૂઆત થઈ જાય છે. જોકે ઠંડી વધવા લાગે છે અને શિયાળાની ઋતુનું આગમન પણ આ દિવસથી માનવામાં આવે છે. શરદ પૂર્ણિમાની રાતે ખીરનું સેવન એ પણ આ વાતના સંકેત છે કે આપણે ઠંડીની ઋતુમાં ગરમ ​​વસ્તુઓનું સેવન કરવું જોઈએ, કારણ કે આ વસ્તુઓથી શરદીથી મુક્તિ મળે છે.

ખીર એક પૌષ્ટિક પદાર્થ છે: ખીર દૂધ, ચોખા, ડ્રાય ફ્રુટ્સ વગેરે પૌષ્ટિક ચીજો ઉમેરીને બનાવવામાં આવે છે, તે શરીર માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. જ્યારે આ ખીર શરદ પૂર્ણિમાની રાત્રે ખાવામાં આવે છે, ત્યારે તેની અસર બમણી થઈ જાય છે. શાસ્ત્રો અનુસાર શરદ પૂર્ણિમાના દિવસે જો દૂધ અથવા ખીરનો પ્રસાદ વહેંચવામાં આવે તો ચંદ્રદોષ દૂર થઈ જાય છે અને માતા લક્ષ્મીના આશીર્વાદ પણ મળે છે. તેથી કેટલીક જગ્યાએ ખીર પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.