એક સમયે 8 કલાક કામ કરીને કમાતી હતી માત્ર 200 રૂપિયા, 12 પાસ હાઉસ વાઈફ કવિતા ચાવલા બની કરોડપતિ, જાણો તેના જીવનની કેટલીક રસપ્રદ વાતો

મનોરંજન

દિગ્ગઝ અભિનેતા અમિતાભ બચ્ચનના ક્વિઝ રિયાલિટી શો KBCની 14મી સિઝનને તેનો પહેલો કરોડપતિ મળી ગયો છે. KBCની પહેલી કરોડપતિ કોલ્હાપુરની 45 વર્ષની હાઉસ વાઈફ કવિતા ચાવલા છે, જેણે સાચો જવાબ આપીને એક કરોડ મેળવી લીધા છે. શો સાથે જોડાયેલો એક પ્રોમો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં કવિતા ચાવલા એક કરોડ જીત્યા પછી ખૂબ જ ખુશ થઈ રહી છે, તો સાથે જ બિગ બી પણ ખુબ જ ખુશ જોવા મળી રહ્યા છે.

આ ઉપરાંત કવિતા ચાવલા હવે 7.5 કરોડના સવાલ માટે પણ રમવા જઈ રહી છે. ચેનલે સોશિયલ મીડિયા પર તેનો પ્રોમો શેર કરતા લખ્યું કે, “છેલ્લો સવાલ, છેલ્લો પડાવ. 1 કરોડ જીત્યા પછી, શું કવિતા ચાવલા જીતશે 7.5 કરોડ રૂપિયાનું છેલ્લું ઇનામ?” ચાલો જાણીએ કવિતા ચાવલાના સંઘર્ષની સ્ટોરી.

KBC માટે 22 વર્ષથી કરી રહી હતી તૈયારી: જણાવી દઈએ કે, કવિતા ચાવલા એક હાઉસવાઈફ છે જે લગભગ 22 વર્ષથી KBCમાં આવવાની તૈયારી કરી રહી હતી. કવિતાના કહેવા મુજબ, જ્યારથી KBC શરૂ થયું છે ત્યારથી તે તેનો ભાગ બનવા ઈચ્છતી હતી પરંતુ દસમા પછી તેના લગ્ન થઈ ગયા. તેના પિતાએ પણ ભણાવવાની મનાઈ કરી. જો કે, જ્યારે કવિતાના શિક્ષકે તેને આગળ ભણાવવાની વાત કરી ત્યારે તેના પિતાએ તેને બારમા ધોરણ સુધી ભણાવી. ત્યાર પછી કેબીસીમાં આવવા માટે કવિતાની સફર શરૂ થઈ. હવે એક કરોડની વિજેતા બન્યા પછી કવિતા ચાવલા ખૂબ જ ઈમોશનલ થઈ ગઈ અને તેમણે પોતાના સંઘર્ષની સ્ટોરી પણ કહી.

કવિતાએ જણાવ્યું કે કેવી રીતે આ 22 વર્ષોમાં તેમણે KBCમાં આવવા માટે ઘણી વખત તૈયારી કરી પરંતુ તે ચાર વખત ફેલ થઈ. જોકે જ્યારે તેમાં આવવાની તક મળી અને તે કરોડપતિ બનીને સામે આવી. જ્યારે કવિતાને પૂછવામાં આવ્યું કે, તમે KBC માટે કેટલા સમયથી પ્રયત્ન કરી રહ્યા હતા? તેના જવાબમાં કવિતાએ કહ્યું કે, હું વર્ષ 2000થી કેબીસીની તૈયારી કરી રહી હતી.

જ્યારે પહેલી વખત આ શો જોયો હતો ત્યારે મારું મન હતું કે મારે આ શોમાં જવું છે પરંતુ ત્યારે મારો પુત્ર નાનો હતો તેથી હું જઈ શકી નહીં. મેં ઘણી વખત રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. 2012 પહેલા હું લેન્ડલાઈન અથવા પછી એસટીડીથી રજીસ્ટ્રેશન કરાવીને આવતી હતી પરંતુ એટલો રિસ્પોન્સ આવતો ન હતો. ત્યાર પછી, 2012 માં જ્યારે મેં કીપેડ ફોન લીધો, ત્યારે મને પહેલી વખત KBC તરફથી ફોન આવ્યો.

તેના 5 વર્ષ પછી મને ફરીથી ફોન આવ્યો, તો આ વખતે મારો એક જવાબ ખોટો આવ્યો, જેના કારણે આ તક પણ મારા હાથમાંથી જતી રહી. પછી 2020માં ઓડિશન સુધી પહોંચી અને પછી 2021માં સૌથી ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ સુધી પહોંચી પરંતુ હોટ સીટ પર બેસી ન શકી. આ વખતે જ્યારે હું પરત આવી ત્યારે મારા પુત્રએ મને એક ટેબ ગિફ્ટ કર્યું જેથી હું ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ માટે તૈયારી કરી શકું. હવે આ વર્ષે ફાઈનલી હોટ સીટ પર પહોંચી છું.

20 રૂપિયામાં 8 કલાક કરતી હતી સિલાઈ: કવિતા ચાવલાએ જણાવ્યું કે, “જ્યારે હું નાની હતી, ત્યારે હું પરિવારના ભરણપોષણ માટે કલાકો સુધી સિલાઈનું કામ કરતી હતી. મને 8 કલાક સીલાઈ કરવાના માત્ર 20 રૂપિયા મળતા હતા. તે 20 રૂપિયા મારી પહેલી કમાણી હતી અને KBCમાં થયેલી મારી કમાણી મારા જીવનની સૌથી મોટી કમાણી છે. મેં જે 22 વર્ષથી હોટ સીટ પર બેસવાની રાહ જોઈ. સખત મહેનત કરી, ઘણા રિજેક્શનનો સામનો કર્યો છતા પણ હાર ન માની. આજે તે બધાનું ફળ મને મળી ગયું છે.”

જીતેલી રકમ વિશે વાત કરતાં કવિતાએ જણાવ્યું કે, “મારો પુત્ર 22 વર્ષનો છે. અમે તેના અભ્યાસ માટે ઘણી લોન લીધી હતી. સૌથી પહેલા તેને ક્લીયર કરીશું. ત્યાર પછી તેના યૂકે અભ્યાસ માટે જેટલા પૈસા લાગશે, તેના માટે પૈસા બચાવીશું.” હવે જોવાનું એ રહેશે કે શું કવિતા ચાવલા 7.5 કરોડના સવાલનો જવાબ આપી શકશે કે નહીં?