ધર્મેંદ્રના કારણે અમિતાભને મળી હતી ‘શોલે’, હીમેન સામે બિગ બી એ કરી હતી આજીજી, જાણો તેમના આ રસપ્રદ કિસ્સા વિશે

બોલિવુડ

‘સદી ના મહાનાયક’, બિગ બી, એંગ્રીયંગમેન, શહંશાહ જેવા નામોથી ખાસ ઓળખ ધરાવતા દિગ્ગઝ અભિનેતા અમિતાભ બચ્ચન છેલ્લા 53 વર્ષોથી હિંદી સિનેમામાં કામ કરી રહ્યા છે. બિગ બી છેલ્લા પાંચ દાયકાથી દેશ દુનિયાનું પોતાની અદ્વિતીય એક્ટિંગથી મનોરંજન કરી રહ્યા છે.

લગભગ 27 વર્ષની ઉંમરમાં અમિતાભ બચ્ચને ફિલ્મી દુનિયામાં પગ મૂક્યો હતો. પહેલા બિગ બી વોઈસ નેરેટર તરીકે કામ કરતા હતા અને તેમણે કોલકાતામાં કોલસાની ખાણમાં પણ કામ કર્યું હતું. એક્ટિંગનો શોખ હોવાને કારણે તેઓ મુંબઈ તરફ વળ્યા.

અમિતાભ બચ્ચને વર્ષ 1969માં હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો. બિગ બીની પહેલી ફિલ્મ હતી ‘સાત હિન્દુસ્તાની’. આ ફિલ્મ વર્ષ 1969માં આવી હતી અને મોટા પડદા પર કંઈ ખાસ કમાલ બતાવી શકી ન હતી. અમિતાભને ફિલ્મોમાં પહેલી મોટી સફળતા અને લોકપ્રિયતા ફિલ્મ ‘જંજીર’થી મળી હતી.

ફિલ્મ ‘જંજીર’થી રાતોરાત અમિતાભની કારકિર્દીનો તારો ચમકી ગયો હતો. આ ફિલ્મ સુપરહિટ રહી હતી અને બિગ બીને સ્ટારડમ મળી ગયું હતું. ત્યાર પછી તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. ટૂંક સમયમાં, બિગ બી હિન્દી સિનેમા ઈતિહાસના શ્રેષ્ઠ અને દિગ્ગઝ કલાકાર બની ગયા. આગળ જઈને તેમને બિરૂદ મળ્યું ‘સદી ના મહાનાયક’.

‘સદીના મહાનાયક’નું બિરુદ સીનિયર બચ્ચન વિશે બધું જ જણાવે છે. આજે 79 વર્ષની ઉંમરમાં પણ ફિલ્મોમાં, ટીવી પર અને જાહેરાતોમાં બિગ બી સતત એક્ટિવ છે. ઝંજીર પછી અમિતાભની કારકિર્દીમાં ફિલ્મ ‘દીવાર’ પણ માઈલસ્ટોન સાબિત થઈ હતી. સાથે જ તે જ વર્ષે આવેલી તેમની બ્લોકબસ્ટર ફિલ્મ ‘શોલે’ એ પણ ઇતિહાસ રચ્યો હતો.

ફિલ્મ ‘શોલે’ હિન્દી સિનેમાના ઈતિહાસની સૌથી ચર્ચિત, સફળ અને લોકપ્રિય ફિલ્મોમાંથી એક માનવામાં આવે છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન ઉપરાંત ધર્મેન્દ્ર, સંજીવ કુમાર, હેમા માલિની, જયા બચ્ચન, અમજદ ખાન જેવા જાણીતા કલાકારોએ કામ કર્યું હતું. ફિલ્મની સ્ટોરી સલીમ ખાન અને જાવેદ અખ્તરે લખી હતી.

એક વખત ફિલ્મ શોલેને લઈને બિગ બીએ કહ્યું હતું કે, “હું સલીમ-જાવેદ સાથે ‘જંજીર’ માં કામ કરી ચુક્યો હતો. તે ફિલ્મ તાજેતરમાં જ રિલીઝ થઈ હતી. જ્યારે તેમણે મને શોલેની સ્ટોરી સંભળાવી તો મને પસંદ આવી. તેમણે જઈને મારા માટે થોડું લોબિંગ કર્યું. ડિરેક્ટર રમેશ સિપ્પી જી મારા કામ વિશે વધુ જાણતા ન હતા. તેમણે રમેશજીને મારી ફિલ્મ બતાવી. ત્યાર પછી તેમને લાગ્યું કે ઠીક છે હું લઈ લવ છું. આ દરમિયાન મને લાગ્યું કે કદાચ રમેશજી મને ફિલ્મમાં લે કે ન લે તો હું ધરમજીના ઘરે પહોંચી ગયો હતો.”

‘સદીના મહાનાયક’ એ આગળ ધર્મેન્દ્રને કહ્યું કે, “હું ફિલ્મમાં કામ કરવા ઈચ્છું છું અને જો તમે મારી ભલામણ કરશો તો મને પણ તે સારૂં લાગશે”, તો આ રીતે બિગ બીને શોલેમાં જયનો રોલ મળ્યો હતો અને ધર્મેન્દ્રએ વીરૂ નો રોલ કર્યો હતો. ફિલ્મમાં બતાવવામાં આવેલી બંનેની મિત્રતા ખૂબ હિટ રહી હતી.

બિગ બીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, ટૂંક સમયમાં જ તેમના ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ’ની આગામી સીઝન શરૂ થવા જઈ રહી છે. હાલમાં તે પોતાની આગામી ફિલ્મ ‘રનવે 34’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેમની સાથે મુખ્ય ભૂમિકામાં અજય દેવગણ, રકુલ પ્રીત સિંહ અને બોમન ઈરાની પણ છે. આ ફિલ્મનું નિર્દેશન અજય દેવગણે જ કર્યું છે. આ ફિલ્મ મોટા પડદા પર 29મી એપ્રિલે આવશે.