મુસાફરી દરમિયાન ભૂખ લાગવી ખૂબ જ સામાન્ય વાત છે. ખાસ કરીને જ્યારે તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો, ત્યારે તમને સુંદર નજારો જોતા-જોતા કંઈક ખાવા-પીવાનું મન જરૂર થાય છે. હવે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરો માટે એક સારા સમાચાર છે. તમે હવે જ્યારે પણ ટ્રેનમાં મુસાફરી કરશો ત્યારે તમને ખાવા-પીવાનું ફ્રીમાં મળી શકે છે. તમે ચા અને કોફીથી લઈને દાળ રોટલી અને શાક તમામ ચીજોનો સ્વાદ ફ્રીમાં લઈ શકો છો. જોકે તેની એક શરત છે.
ટ્રેનમાં મુસાફરોને મળશે મફત ભોજન: રેલવે મુસાફરોની સુવિધા માટે ઘણીવાર ઘણા નિયમો બનાવે છે. પરંતુ માહિતીના અભાવે લોકો તેનો પૂરો લાભ લઈ શકતા નથી. ફ્રીમાં ભોજન મેળવવાનો નિયમ પણ એવો જ છે. તમને ખાસ પરિસ્થિતિમાં ટ્રેનની અંદર IRCTC તરફથી ફ્રીમાં ભોજન, પાણી અને ઠંડા પીણા મળે છે. આ ફ્રી ફૂડ ત્યારે જ મળશે જ્યારે તમારી ટ્રેન મોડી પહોંચશે.
આ છે ફ્રી ભોજનની શરત: IRCTCના નિયમો મુજબ, જો તમારી ટ્રેન બે કલાક કે તેથી વધુ મોડી થાય છે, તો તમને ફ્રીમાં ભોજન આપવામાં આવશે. તે તમારા મુસાફરીના સમય પર નિર્ભર કરે છે કે તમને માત્ર નાસ્તો મળશે કે ભોજન અથવા બંને. સૌથી સારી વાત એ છે કે આ ફૂડ માટે તમારે તમારા ખિસ્સામાંથી એક પૈસો પણ ચૂકવવો પડતો નથી.
ટ્રેન મોડી થવાની સ્થિતિમાં તમે કોઈપણ ખચકાટ વગર પોતાના માટે ભોજન અથવા નાસ્તો મંગાવી શકો છો. IRCTCની કેટરિંગ પોલિસી હેઠળ તમને નાસ્તો અને હળવું ભોજન મળશે. આ માટે માત્ર બે શરતો છે. પહેલા તમારી ટ્રેન 2 કલાક કે તેથી વધુ મોડી હોવી જોઈએ. બીજી તમારી ટ્રેન એક્સપ્રેસ ટ્રેન હોવી જોઈએ. આ સુવિધા શતાબ્દી, રાજધાની અને દુરંતો જેવી એક્સપ્રેસ ટ્રેનોમાં ઉપલબ્ધ છે.
મેનુમાં શું-શું છે? જો ફ્રી ફૂડ સાંભળીને તમારા મોંમાં પાણી આવી ગયું છે, તો ચાલો ફૂડના મેનુ પર એક નજર કરીએ. જો તમે નાસ્તાના શોખીન છો તો IRCTC તમને ચા-કોફી અને બિસ્કિટ આપશે. કેટલીક વખત બિસ્કીટને બદલે ચાર બ્રેડ સ્લાઈસ(બ્રાઉન/વ્હાઈટ), બટર ચિપલેટ પણ મળી શકે છે. બીજી તરફ, જો બપોરના સમયે તમારા પેટમાં ઉંદરો કૂદકા મારતા હોય, તો તમે રોટલી, દાળ અને શાક-પુરી જેવી ચીજોનો ફ્રીમાં આનંદ માણી શકો છો.