જન્મો-જન્મ ના પાપ દૂર કરે છે નિર્જલા એકાદશી, બસ આ નિયમોનું રાખો ધ્યાન મળશે પુણ્ય જ પુણ્ય

ધાર્મિક

એકાદશીના વ્રતનું ખૂબ મહત્વ જણાવવામાં આવ્યું છે. દર મહિનામાં આ વ્રત બે વખત કરવામાં આવે છે. આ રીતે આખા વર્ષ દરમિયાન કુલ 24 એકાદશી વ્રત રાખવામાં આવે છે. જાણાવી દઈએ કે બધા એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. આ વ્રતને શાસ્ત્રોમાં મોક્ષ આપનારું વ્રત કહેવામાં આવ્યું છે. પરંતુ ધ્યાનમાં રાખો કે આ વ્રત વિધિ પૂર્વક કરવાથી જ તેનું સંપૂર્ણ ફળ મળે છે. જો તમે મહિનામાં બે વ્રત રાખી શકતા નથી તો તમારે નિર્જળા એકાદશી વ્રત જરૂર રાખવું જોઈએ. જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશી ને નિર્જળા એકાદશી પણ કહેવામાં આવે છે.

આ વર્ષે આ નિર્જળા એકાદશીનું વ્રત 21 જૂને આવી રહ્યું છે. આ વ્રતના નિયમ અન્ય એકાદશી વ્રત કરતા વધુ મુશ્કેલ છે. પરંતુ આ વ્રત જેટલું મુશ્કેલ છે, તેટલું જ તે અસરકારક છે. જાણો આ વ્રત સાથે જોડાયેલી જાણકારી. એવું કહેવામાં આવે છે કે મહાભારત કાળ દરમિયાન રાજા પાંડુના ઘરમાં બધા સભ્યો એકદશીનું વ્રત કરતા હતા. પરંતુ ભીમને ભૂખ્યા રહેવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. તે આ વ્રત રાખી શકતા ન હતા. આ કારણે ભીમ ખૂબ દુઃખી થયા અને તેમને લાગ્યું કે આ કરીને તે ભગવાન વિષ્ણુનો નિરાદર કરી રહ્યા છે.

ત્યાર પછી ભીમ પોતાની આ સમસ્યા લઈને મહર્ષિ વ્યાસ પાસે ગયા. વેદવ્યાસજીએ ભીમને કહ્યું હતું કે જો તમે મોક્ષ મેળવવા ઈચ્છો તો એકાદશીના વ્રત કરવા ખૂબ જરૂરી છે. જો તમે બે એકાદશી કરી શકતા નથી, તો પછી જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશીનું વ્રત નિર્જળા કરો. પરંતુ તેના નિયમો ખૂબ અઘરા છે. નિયમોનું યોગ્ય રીતે પાલન કરવાથી જ તમને 24 એઆદશીનું પુણ્ય મળશે. ત્યાર પછી ભીમ તૈયાર થઈ ગયા અને નિર્જળા એકાદશિનું વ્રત કરવા લાગ્યા. તે સમયથી આ એકાદશીને ભીમ એકાદશી પણ કહેવામાં આવે છે.

આ વ્રતના નિયમો: આ વ્રતના નિયમો પણ ખૂબ મુશ્કેલ છે. મહર્ષિ વેદ વ્યાસે ભીમને કહ્યું હતું કે આ વ્રત નિર્જળ રહીને કરવામાં આવે છે. તેમાં અન્ન અને પાણી બંનેથી દૂર રહેવું પડશે. મોંમાં માત્ર કુલ્લા કરવા માટે જ પાણી જઈ શકે છે. આ ઉપરાંત કોઈપણ રીતે પાણી તમારા મોંમાં ન જવું જોઈએ. જો પાણી જાય તો આ વ્રત તૂટી જાય છે. જણાવી દઈએ કે નિર્જળા એકાદશી વ્રત સૂર્યોદયથી શરૂ થાય છે અને બીજા દિવસે સૂર્યોદય સુધી ચાલે છે. વ્રતના બીજા દિવસે બારશના દિવસે સવારે સ્નાન કર્યા પછી બ્રાહ્મણોને ભોજન વગેરે આપ્યા પછી જ ઉપવાસ તોડવો. તમારી ક્ષમતા પ્રમાણે દાન કરો.

જાણો મુહૂર્ત: નિર્જળા એકાદશી તિથિ: 21 જૂન 2021, એકાદશી તિથિ શરૂ : 20 જૂન બપોરે 04:21 વાગ્યાથી. એકાદશીની તિથિ સમાપ્ત: 21 જૂન બપોરે 01:31 સુધી ચાલશે. પારણનો સમય: 22 જૂન સવારે 5:13 વાગ્યાથી 08:01 સુધી રહેશે.

વ્રત વિધિ: બ્રહ્મા મુહૂર્તમાં ઉઠ્યા પછી સ્નાન કરીને પીળા કપડા પહેરો. ત્યાર પછી ભગવાનને પીળું ચંદન, પીળા અક્ષત, ફૂલો, ધૂપ, દીવો, નૈવ્ય, કપડાં અને દક્ષીણા વગેરે અર્પણ કરો. ત્યાર પછી તમે ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રના પાઠ પણ કરો. ત્યાર પછી નિર્જાળા એકાદશીની કથા સાંભળો અથવા વાંચો.