24 સપ્ટેમ્બરની તારીખ ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં નોંધાયેલી છે. 24 સપ્ટેમ્બર 2007ના રોજ ભારતીય ક્રિકેટ ટીમે ઈતિહાસ રચ્યો હતો. પાકિસ્તાન સામે ભારતે સુંદર પ્રદર્શન કરીને પહેલા T20 વર્લ્ડ કપ પર કબજો કર્યો હતો. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં પહેલો T20 વર્લ્ડ કપ જીત્યો હતો.
15 વર્ષ પસાર થઈ ગયા છે અને હવે ભારતીય ટીમ તે ટીમમાંથી સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતને વર્લ્ડ કપ અપાવનાર 11 ખેલાડીઓ કોણ હતા અને આજે તેઓ શું કરી રહ્યા છે? આજે તેઓ કઈ હાલતમાં જીવી રહ્યા છે? ચાલો તે 11 ખેલાડીઓ વિશે જાણીએ.
1- મહેન્દ્ર સિંહ ધોની: મહેન્દ્ર સિંહ ધોનીનું યોગદાન ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં સૌથી વધું રહ્યું છે. ધોનીએ ભારતીય ટીમની કમાન સંભાળી હતી. ધોનીએ વર્ષ 2020માં 15 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. પરંતુ ધોની આઈપીએલમાં રમતા જોવા મળે છે. તે પોતાની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સની કપ્તાની સંભાળે છે.
2- જોગીન્દર શર્મા: જોગીન્દર શર્માને ક્રિકેટ ચાહકો કેવી રીતે ભૂલી શકે છે? જ્યારે ભારતને વર્લ્ડ કપ ફાઈનલમાં જીત માટે પાકિસ્તાનની એક વિકેટની જરૂર હતી ત્યારે આખા દેશને જોગીન્દર શર્મા પાસેથી આશા હતી. કારણ કે છેલ્લી ઓવર તેમણે નાંખી હતી. છેલ્લી ઓવરમાં પાકિસ્તાનના મિસ્બાહ-ઉલ-હકની વિકેટ લઈને તેમણે ટ્રોફી ભારતની જોલીમાં મૂકી હતી. હવે જોગીન્દર હરિયાણા પોલીસમાં ડીએસપી છે.
3- ગૌતમ ગંભીર: ગૌતમ ગંભીર હવે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી સાંસદ છે. ગંભીરનું પણ ટી20 વર્લ્ડકપ 2007માં મોટું યોગદાન રહ્યું હતું. ફાઈનલ મેચમાં તેમણે 75 રનની શ્રેષ્ઠ ઈનિંગ રમીને ક્રિકેટ ચાહકોના દિલ જીતી લીધા હતા. ગંભીરે વર્ષ 2018માં ક્રિકેટને અલવિદા કહી દીધું હતું અને 2019માં સાંસદ બની ગયા હતા.
4- યુવરાજ સિંહ: વાત ટી20 વર્લ્ડ કપ 2007 ની હોય કે 2011ના વનડે વર્લ્ડ કપની હોય, યુવરાજ હંમેશા યાદ આવશે. વર્ષ 2007ના વર્લ્ડ કપમાં જ તેમણે 6 બોલમાં સતત 6 સિક્સર ફટકારી હતી. યુવરાજ હાલમાં રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં ઇન્ડિયા લિજેન્ડ્સ તરફથી રમી રહ્યા છે. તેમણે વર્ષ 2019માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડી દીધું હતું.
5- રોબિન ઉથપ્પા: 36 વર્ષના રોબિન ઉથપ્પાએ થોડા દિવસ પહેલા જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. આ દિવસોમાં તે ભારત અને ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી T20 સીરીઝમાં કમેન્ટ્રી કરી રહ્યા છે.
6- રોહિત શર્મા: રોહિત શર્માને પહેલા T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં શામેલ કરવામાં આવ્યા હતા જ્યારે હવે તે ભારતીય ટીમના કેપ્ટન છે. જણાવી દઈએ કે ફાઇનલમાં પાકિસ્તાન સામે રોહિતે લગભગ 200ના સ્ટ્રાઈક રેટથી 16 બોલમાં 30 રન બનાવ્યા હતા. હવે ઓક્ટોબરમાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં રોહિત ભારતની કેપ્ટનશીપ સંભાળશે.
7- યુસુફ પઠાન: યુસુફ પઠાn પણ તે વર્લ્ડ કપ વિજેતા ટીમના ભાગ હતા. યુસુફ આ દિવસોમાં રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં ઇન્ડિયા લિજેન્ડ્સ માટે રમી રહ્યા છે અને શ્રેષ્ઠ બેટિંગ કરી રહ્યા છે.
8- ઈરફાન પઠાન: યુસુફના નાના ભાઈ ઈરફાને પણ વર્લ્ડ કપમાં ધૂમ મચાવી હતી. ફાઈનલ મેચમાં તેમણે પાકિસ્તાનની 4 ઓવરમાં માત્ર 16 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. ઈરફાન આ દિવસોમાં રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં રમી રહ્યા છે.
9- એસ શ્રીસંત: એસ શ્રીસંતે જ તે કેચ લીધો, જેનાથી પાકિસ્તાનની ઇનિંગ સમાપ્ત થઈ ગઈ હતી અને ભારતે વર્લ્ડ કપ જીત્યો હતો. શ્રીસંતે એક વિકેટ પણ લીધી હતી. તે હવે રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ અને લિજેન્ડ્સ લીગમાં રમતા જોવા મળે છે.
10- હરભજન સિંહ: હરભજન સિંહ ભારતના સ્ટાર બોલર રહ્યા છે. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચુક્યા છે અને હવે તે રાજ્યસભાના સભ્ય છે. તે આમ આદમી પાર્ટીના ભાગ છે.
11- આરપી સિંહ: રુદ્રપ્રતાપ સિંહ એટલે કે આરપી સિંહ પણ T20 વર્લ્ડ કપ 2007ની ફાઈનલ રમ્યા હતા. તે ભારત માટે સફળ સાબિત થયા હતા. તેમણે ફાઇનલમાં ત્રણ વિકેટ ઝડપી હતી. હવે તે ક્રિકેટ મેચોમાં કમેન્ટ્રી કરતા જોવા મળે છે.