સાવધાનઃ ​​જો તમારી આંખમાં પણ જોવા મળી રહ્યા છે આ 5 લક્ષણ, તો હોઈ શકે છે આઈ કેંસર અથવા ટ્યૂમર

હેલ્થ

આંખ આપણા શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે. પ્રકાશ વગર જીવન અંધકારમય બની જાય છે. આંખોમાં જ્યારે પણ કોઈ સમસ્યા થાય તો તરત જ આંખના નિષ્ણાતને મળવું જોઈએ. ઘણી વખત આપણે સમસ્યાઓને અવગણીએ છીએ અને પછી તે મોટું સ્વરૂપ લઈ લે છે. હવે આંખના કેન્સરને જ જુવો. ઘણા લોકો તેના વિશે જાણતા પણ નથી.

કેન્સર એક એવી બીમરી છે કે તેની જાણ જેટલી વહેલી થાય તેટલી તેની સારવાર સરળ બને છે. કેન્સર જ્યારે પણ થાય છે ત્યારે શરીર કેટલાક ખાસ સંકેત આપે છે. તેમને ઓળખીને આપણે કેન્સર પ્રત્યે એલર્ટ રહી શકીએ છીએ. આજે અમે તમને આંખના કેન્સર સાથે જોડાયેલા શારીરિક લક્ષણો વિશે જણાવીશું.

આંખનું કેન્સર થવા પર શરીર આપે છે આ સંકેત: ધુંધળું દેખાવું આંખના કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. જો ચશ્મા પહેર્યા પછી પણ તમને ચીજો સ્પષ્ટ દેખાતી નથી, તો સમજી લો કે કંઈક ગડબડ છે. આવી સ્થિતિમાં ચીજોને અવગણવાને બદલે, આપણે આંખોની તપાસ કરાવવી જોઈએ.

આંખોમાં દુખાવો થવો, આંખો વારંવાર લાલ થવી, આંખોમાં મોતી જેવી ગાઠ્ઠો બની જવી અથવા આંખોમાંથી સતત પાણી આવવું એ પણ આંખના કેન્સર અથવા ટ્યૂમરના લક્ષણ હોઈ શકે છે. આ સ્થિતિમાં તમારે જરૂરી તબીબી સહાય લેવી જોઈએ. જો તમને અચાનક અથવા ધીમે-ધીમે આંખોથી દેખાતું બિલકુલ બંધ થઈ જાય તો પણ તે આંખના ટ્યૂમર અથવા કેન્સરનું લક્ષણ પણ હોઈ શકે છે. કેટલીક વખત આ સંકેતોમાં એક જ ચીજનું બે-બે દેખાવું પણ શામેલ હોય છે.

આંખોમાં વધુ પડતી બળતરા થવી, તેનું સતત લાલ રહેવું એ પણ આંખના કેન્સરના લક્ષણો હોઈ શકે છે. આંખોમાં વારંવાર ખંજવાળ આવવી, આંખોમાં કાળા કે સફેદ મોતી હોવા પણ આંખના ગંભીર રોગના સંકેત આપે છે.

આ લોકોને રહી શકે છે સૌથી વધુ જોખમ: જો કે આંખનું કેન્સર થવાનું કોઈ નક્કર કારણ નથી, પરંતુ અમુક પ્રકારના લોકોને આંખનું કેન્સર થવાનું જોખમ વધારે હોય છે. જે લોકોની આંખનો રંગ વાદળી અથવા લીલો હોય છે, તેમને આંખનું કેન્સર થવાનું જોખમ વધારે રહે છે. વધુ ગોરો રંગ ધરાવતા લોકોમાં અન્ય લોકો કરતા આંખના કેન્સરના કેસ વધુ જોવા મળે છે. 70 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં આંખોનું કેન્સર થવાની શક્યતા વધી જાય છે.

કેટલાક લોકોમાં ત્વચાના વિકારને કારણે પણ આંખના કેન્સરનું જોખમ વધી જાય છે. સાથે જ ડિસપ્લાસ્ટિક નેવસ સિન્ડ્રોમ પણ આંખના કેન્સરનું કારણ બની શકે છે. યુવી લાઇટ એક્સપોઝર અને બાળકોમાં માતા-પિતાના અમુક જનીનો પણ કેન્સરનું જોખમ વધારે છે. તે મ્યૂટેશનને કારણે પણ હોઈ શકે છે.