આ કારણે શિવજી એ કર્યો હતો વિષ્ણુજીના પુત્રોનો અંત, વાંચો તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા

ધાર્મિક

પુરાણો અનુસાર ભગવાન વિષ્ણુના પુત્રોનો અંત ભગવાન શિવજીના હાથે થયો છે. ભગવાન શિવજીએ ત્રણેય લોકને રાક્ષસોથી બચાવવા માટે વિષ્ણુના પુત્રોનો વધ કર્યો હતો. તેની સાથે જોડાયેલી કથાનો ઉલ્લેખ શિવ પુરાણમાં જોવા મળે છે. પૌરાણિક કથા અનુસાર, ત્રણેય લોકોને રાક્ષસોથી બચાવવા માટે, ભોલેનાથે બળદનો અવતાર ધારણ કર્યો હતો અને ભગવાન વિષ્ણુના પુત્રોનો વધ કર્યો હતો. જેના કારણે વિષ્ણુજી ખૂબ ગુસ્સે થયા અને તેમણે ભોલેનાથ સાથે યુદ્ધ કર્યું.

પૌરાણિક કથા અનુસાર, ભગવાન વિષ્ણુ રાક્ષસોનો પીછો કરતા પાતાળ લોક પહોંચી ગયા હતા. ત્યાં જઈને વિષ્ણુજીએ જોયું કે ઘણી અપ્સરાઓને રાક્ષસો દ્વારા કેદી બનાવીને રાખવામાં આવી છે. આ બધી અપ્સરાઓ વિષ્ણુજીની ભક્ત હતી અને તેમની દરરોજ પૂજા કરતી હતી. અપ્સરાઓને આ સ્થિતિમાં જોઈને વિષ્ણુજીએ તરત તેમને મુક્ત કરી. કેદમાંથી મુક્ત થયા પછી, અપ્સરાઓએ વિષ્ણુજી સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી. વિષ્ણુ ના પાડી શક્યા નહીં અને તેણે બધી અપ્સરાઓ સાથે લગ્ન કર્યા.

પૌરાણિક કથા અનુસાર લગ્ન કર્યા પછી વિષ્ણુજી પાતાળ લોકમાં જ રોકાઈ ગયા અને ઘણા દિવસો પછી વિષ્ણુલોક પરત આવ્યા. આ અપ્સરાઓએ વિષ્ણુના પુત્રોને જન્મ આપ્યો. પરંતુ બધામાં રાક્ષસોના ગુણો હતા. વિષ્ણુના પુત્રોએ મોટા થયા પછી ત્રણેય લોકમાં આતંક મચાવવાનું શરૂ કર્યું. તેમણે દેવતા-મનુષ્યને ખૂબ પરેશાન કર્યા. વિષ્ણુજીના પુત્રોથી છૂટકારો મેળવવા માટે દેવતાઓ ભોલેનાથના શરણમાં પહોંચ્યા. તેમણે ભોલેનાથને જણાવ્યું કે કેવી રીતે વિષ્ણુજીના પુત્રોએ આતંક મચાવ્યો છે.

દેવતાઓને વિષ્ણુજીના પુત્રોથી બચાવવા માટે શિવજીએ બળદનો અવતાર ધારણ કર્યો. આ અવતાર ધારણ કર્યા પછી તે પાતાળ લોક પહોંચી ગયા. અહીં, તેમણે એક એક કરીને ભગવાન વિષ્ણુના બધા પુત્રોનો નાશ કર્યો અને આ રીતે ત્રણેય લોકને વિષ્ણુના દાનવીય પુત્રોના આતંકથી બચાવવામાં આવ્યા. જો કે આ વાતની જાણ જ્યારે વિષ્ણુજીને થઈ ત્યારે તેમને ભોલેનાથ પર ખૂબ ગુસ્સો આવ્યો અને ક્રોધિત થઈ ગયા.

વિષણુજી તરત વૃષભ સાથે લડવા પહોંચી ગયા. લાંબા સમય સુધી બંને દેવતાઓ વચ્ચે યુદ્ધ ચાલતું રહ્યું. પરંતુ આ યુદ્ધનો કોઈ અંત આવ્યો નહિં. ત્યારે અપ્સરાઓએ આ યુદ્ધને રોકવાનો પ્રયત્ન કર્યો. જેમાં તે સફળ થઈ. ત્યાર પછી શિવજી કૈલાશ ચાલ્યા ગયા અને વિષ્ણુજી તેમના લોક પરત ફર્યા.