જાણો પંચામૃતના પાંચ તત્વોનું મહત્વ અને ભગવાનને શા માટે ચળાવવામાં આવે છે આ ભોગ

ધાર્મિક

હિન્દુ ધર્મમાં ભગવાનની પૂજા અને આરતી પછી પંચામૃત વહેંચવાની પરંપરા આજથી નહિં, પરંતુ સદીઓથી છે. આપણે પંચામૃત આપણા હાથમાં લઈએ છીએ અને તેનું પાન કરીને માથા પર લૂછીએ છીએ. પરંતુ આ પંચામૃત શું છે? તેનું પૂજા પાઠ પછી વિતરણનું આટલું મહત્વ શા માટે છે? શું તમે ક્યારેય વિચાર્યું છે? કદાચ બની શકે છે કે અગણિત લોકોને પંચામૃતના ધાર્મિક મહત્વ વિશે જાણ હોય, પરંતુ શું તમે જાણો છો કે આ સ્વાસ્થ્યની દ્રષ્ટીએ પણ ખૂબ જ સારું માનવામાં આવે છે. આ ઉપરાંત પંચામૃતમાં શામેલ થતા પાંચ તત્વ આપણને આ ભૌતિક સંસાર વિશે પણ સંદેશ આપે છે તો ચાલો જાણીએ તેના વિશે.

જો કે દરેક દેવી-દેવતા સાથે જોડાયેલા વિવિધ પ્રકારના પ્રસાદ અને ભોગની પ્રથા છે, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને ધર્મશાસ્ત્રમાં પંચામૃતનું અલગ સ્થાન છે. એક ચમચી પંચામૃત કોઈ મહાપ્રસાદથી ઓછું નથી. તેનું મહત્ત્વ એટલું વધારે છે કે મંદિરમાં લોકો તેના માટે કલાકો સુધી લાઈનમાં રાહ જુવે છે. કેટલાક લોકો “ચરણામૃત” ને પંચામૃત પણ કહે છે. અને તેને પંચામૃત અથવા ચરણામૃત કહેવા પાછળ ઘણા ઉંડા અર્થ છુપાયેલા છે.

પંચામૃત એટલે પાંચ પવિત્ર તત્વોનું મિશ્રણ. આ પાંચ તત્વોમાં દૂધ, દહીં, મધ, ઘી અને ગંગાજળ શામેલ હોય છે. પંચામૃત જેનું પ્રસાદ તરીકે વિશેષ સ્થાન છે. તેનાથી ભગવાનનો અભિષેક પણ કરવામાં આવે છે. પંચામૃત ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તે પીવામાં પણ સ્વાદિષ્ટ હોય છે. પંચામૃતમાં મિક્સ કરેલા બધા પદાર્થોનો ઉપયોગ 33 કરોડ દેવી-દેવતાઓની પૂજામાં જરૂર કરવામાં આવે છે. વેદો અનુસાર પંચામૃત મનુષ્યના સફળ જીવનનો આધાર છે. તેના પાન કરતાની સાથે જ ભગવાન આશીર્વાદ આપવા માટે વિવશ બની જાય છે. આની સાથે તેને બધી મુશ્કેલીઓમાંથી છુટકારો મળે છે. પંચામૃતના પાનથી વ્યક્તિના જીવનમાં સુખ, સમૃદ્ધિ આવે છે. તેમાં મિક્સ કરેલા પદાર્થોનું પોતાનું ખાસ મહત્વ છે. જેનાથી સંતાન સુખ, જ્ઞાન, સુખ અને ખ્યાતિ મળે છે. ચાલો જાણીએ પંચામૃતના પાંચ તત્વોના મહત્વ વિશે.

દૂધ: દૂધ પંચામૃતનો પહેલો ભાગ છે. દૂધ શુદ્ધતાનું પ્રતીક છે, એટલે કે આપણું જીવન દૂધ જેવું શુદ્ધ હોવું જોઈએ. દૂધથી રાજસુખ, સામાજિક સન્માન, પદ-પ્રતિષ્ઠા અને સ્વાસ્થ્ય સારું રહે છે.

દહીં: દૂધની જેમ દહીં પણ સફેદ હોય છે. તેની વિશેષતા એ છે કે તે બીજાને પણ પોતાના જેવા બનાવે છે. સાથે જ દહીંથી સારું સ્વાસ્થ્ય, શાંતિ અને શારીરિક સુખ મળે છે.

ઘી: આ સ્નેહનું પ્રતીક છે. દરેક સાથે આપણા મધુર સંબંધ હોય, આ જ ભાવના છે ઘી પારલૌકિક જ્ઞાન, અચલ સંપત્તિ, સફળ ધંધો અને માતા લક્ષ્મીના આશીર્વાદ વરસાવે છે.

મધ: મધ મીઠું હોવાની સાથે શક્તિશાળી પણ છે. મધના ઉપયોગથી બેરોજગારી છુટકારો અને દુશ્મનો પર વિજય મળે છે. મધની ખાસિયત એ છે કે તે પાણીમાં હોય ત્યારે પણ સરળતાથી મળી શકતું નથી. તે જ રીતે દરેક માનવીએ સંસારમાં રહીને પણ સાંસારિકતાથી અલગ રહેવું જોઈએ. સાંસારિક દુષ્ટતાઓને તમારામાં શામેલ થવા ન દો અને તમારા ગુણોને જાળવી રાખો. મધ આપણને આ સંદેશ આપે છે.

ગંગાજળ: હિન્દુ ધર્મમાં ગંગાજળનું ઘણું મહત્વ છે. આ પવિત્ર જળનો ઉપયોગ પંચામૃતમાં પણ કરવામાં આવે છે. ગંગાજળ મોહ, ક્રોધ અને અહંકારને શાંત કરવાનું કાર્ય કરે છે.

હવે તમે વિચારી શકો છો કે માત્ર પંચામૃતના પાન કરવાથી કેટલા ગુણો ધરાવતા પદાર્થનું આપણે સેવન કરીએ છીએ. તેથી જ કહેવામાં આવે છે કે સનાતન ધર્મમાં કરવમાં આવતી દરેક પૂજામાં વૈજ્ઞાનિકતાની ખૂબ નજીક હોય છે.

પંચામૃતનું મહત્વ: હિન્દુ ધર્મમાં ભગવાનની આરતી પછી ભગવાનને પંચામૃત આપવામાં આવે છે. હિન્દુ ધર્મમાં તેનું ખાસ મહત્વ છે. તેને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે તેના કારણે માથા સાથે લગવ્યા પછી તેનું સેવન કરવામાં આવે છે.

પંચામૃત મંત્ર: પંચામૃતનું સેવન કરતી વખતે, નીચે આપેલો શ્લોક બોલવાનો પણ એક નિયમ છે- “અકાલમૃત્ય્હરણ સર્વવ્યાધિવિનાશનમ વિષ્ણુપાદોદંક (પિત્વા પુનર્જન્મ ન) વિદયતે” એટલે કે ભગવાન વિષ્ણુના ચરણોનું અમૃતરૂપી જળ, બધા પાપોનો નાશ કરશે. તે ઔષધી સમાન છે. એટલે કે, પંચામૃત અકાળ મૃત્યુને દૂર રાખે છે. તે તમામ પ્રકારના રોગોનો નાશ કરે છે અને તેના પાનથી પુનર્જન્મ નથી થતો.

પંચામૃતના ફાયદા: પંચામૃતમાં કેલ્શિયમ ભરપુર માત્રામાં હોવાને કારણે હાડકાં મજબૂત બને છે. પંચામૃત ના પાન મનને શાંત કરે છે અને ગુસ્સો ઓછો કરે છે. પંચામૃત તમારું પાચન ઠીક કરે છે અને ભૂખ ન લાગવાની સમસ્યાથી છુટકારો મળે છે આયુર્વેદ અનુસાર પંચામૃત ઠંડું, પૌષ્ટિક અને કફ નાશક પણ છે. પંચામૃતમાં તુલસીના પાન ઉમેરવાથી તેની રોગનિવારક ક્ષમતામાં વધારો થાય છે.

એવું માનવામાં આવે છે કે પંચામૃત હંમેશાં તાંબાના વાસણ દ્વારા આપવું જોઈએ. તાંબામાં રાખેલું પંચામૃત એટલું શુદ્ધ બને છે કે તે અનેક બિમારીને દૂર કરી શકે છે. તેમાં મિક્સ કરેલા તુલસીના પાન તેની ગુણવત્તામાં વધારો કરે છે. આ પંચામૃત લેવાથી બુદ્ધિ, સ્મરણ શક્તિ વધે છે. તુલસીના રસથી અનેક રોગો દૂર થાય છે અને મગજને શાંતિ મળે છે. પંચામૃત અમૃત સમાન છે અને તેનું નિયમિત સેવન કરવાથી શરીર રોગ મુક્ત રહે છે.