98 વર્ષની ઉંમરે અલવિદા કહીને ચાલ્યા ગયા દિલીપ કુમાર, આ હોસ્પિટલમાં લીધો છેલ્લો શ્વાસ

બોલિવુડ

હિન્દી સિનેમાની જાન રહેલા અભિનેતા દિલીપકુમાર હવે આ દુનિયામાં નથી રહ્યા. તેમનું 98 વર્ષની ઉંમરમાં મુંબઈની પી.ડી. હિન્દુજા હોસ્પિટલમાં અવસાન થયું છે. દિલીપ કુમારે બુધવારે સવારે લગભગ 7:30 વાગ્યે છેલ્લો શ્વાસ લીધો હતો. દિલીપ સાહેબની સારવાર કરનાર ડૉ. જલીલ પારકરે આ વિશે માહિતી આપી છે. દિલીપકુમાર ઘણા વર્ષોથી બીમાર હતા. મુંબઈમાં ઘણી વખત તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. દિલીપકુમારને 6 જૂને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

દિલીપકુમારનું આ રીતે ચાલ્યા જવાથી બોલિવૂડ અને દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે, ઘણા દિગ્ગજ કલાકારો તેમને નમન કરી રહ્યા છે. તેમને એક મહિનાની અંદર બીજી વખત સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની પત્ની સાયરા બાનો સતત તેમના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી માહિતી મીડિયા દ્વારા ચાહકો સુધી પહોંચાડી રહી હતી. તેની પત્ની સાયરા બાનો છેલ્લા સમય સુધી તેમની સાથે રહી હતી. દિલીપકુમારને છેલ્લા એક મહિનામાં બે વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દિલીપ કુમારના ટ્વિટર હેન્ડલ પરથી 5 જુલાઈએ તેમના સ્વાસ્થ્ય પર અપડેટ આપવામાં આવ્યું હતું.

આ સાથે જ દિલીપકુમારની પત્ની સાયરા બાનો દ્વારા નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું કે દિલીપકુમારના સ્વાસ્થ્યમાં ધીમે-ધીમે સુધારો થઈ રહ્યો છે. તે અત્યારે પણ હોસ્પિટલમાં છે, તમે તેને તમારી પ્રાર્થનામાં રાખો. પરંતુ સાયરા બાનુના આ હેલ્થ અપડેટના માત્ર બે દિવસ પછી જ દિલીપકુમાર આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા. ઘણા સેલેબ્સ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

બ્રિટીશ ઈંડિયાના પેશાવરમાં 11 ડિસેમ્બર, 1922 ના રોજ જન્મેલા અભિનેતા દિલીપકુમારનું સાચું નામ મોહમ્મદ યુસુફ ખાન હતું. યુસુફ ખાને પોતાનો શરૂઆતનો અભ્યાસ નાસિકમાં કર્યો હતો. રાજ કપૂર તેના બાળપણના મિત્ર હતા. યુસુફ ખાને ફિલ્મોમાં આવવા માટે પોતાનું નામ દિલીપ રાખ્યું હતું. લગભગ 22 વર્ષની ઉંમરમાં જ દિલીપકુમારને પહેલી ફિલ્મ મળી ગઈ હતી. વર્ષ 1944 માં તેમણે ફિલ્મ ‘જ્વાર ભાટા’ માં એક્ટિંગ કરી હતી, પરંતુ તેમની આ ફિલ્મને વધારે સફળતા ન મળી. દિલીપ કુમારે અત્યાર સુધીમાં 60 ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે પાંચ દાયકા સુધી બોલિવૂડ પર રાજ કર્યું.

અભિનેતા દિલીપ કુમારે તેની કારકિર્દીમાં ઘણી ફિલ્મોની ઓફર્સને નકારી દીધી હતી, કારણ કે દિલીપ કુમારનું માનવું હતું કે ફિલ્મો ઓછી હોય પરંતુ સારી હોવી જોઈએ. આ સાથે દિલીપકુમારને અફસોસ પણ રહ્યો હતો કે તે પ્યાસા અને દીવાર જેવી ફિલ્મોમાં કામ કરી શક્યા ન હતા. દિલીપકુમારની પત્ની સાયરા બાનોએ તેનું છેલ્લા સમય સુધી ધ્યાન આપ્યું હતું. તેમણે સાયરા બાનો સાથે વર્ષ 1966 માં લગ્ન કર્યા. તે પોતે પણ એક અભિનેત્રી હતી. બંનેનાં લગ્ન થયાં ત્યારે સાયરા બાનો દિલીપકુમાર કરતા 22 વર્ષ નાની હતી.

દિલીપકુમારની કેટલીક યાદગાર ફિલ્મો: જ્વાર ભાટા સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર દિલીપકુમારની યાદગાર ફિલ્મોમાં શહીદ, દેવદાસ, નયા દૌર, મુગલ-એ-આઝમ, મેલા, નદિયા કે પાર, બાબુલ, ફુટપાથ, ગંગા-જમુના, રામ ઔર શ્યામ, કરમા રહી. દિલીપકુમારની છેલ્લી ફિલ્મ કીલા હતી, જે 1998 માં આવી હતી. સરકાર દ્વારા તેમને ઘણા એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.