આચાર્ય સ્વામી ધર્મેન્દ્ર હિન્દુ પ્રેમીઓની વચ્ચે એક પ્રખ્યાત નામ છે. વિશ્વ હિંદુ પરિષદના કેન્દ્રીય માર્ગદર્શક મંડળમાં તેમનું મહત્વપૂર્ણ સ્થાન રહ્યું છે. અમારે ખૂબ જ દુઃખ સાથે કહેવું પડી રહ્યું છે કે આચાર્ય ધર્મેન્દ્ર હવે આપણી વચ્ચે નથી રહ્યા. સોમવાર, 19 સપ્ટેમ્બર ના રોજ સવારે તેમણે અંતિમ શ્વાસ લીધો.
નથી રહ્યા હિન્દુ નેતા: આચાર્યનું નિધન રાજસ્થાનના જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં થયું. તેમને અહીં મેડિકલ આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત છેલ્લા એક મહિનાથી ખરાબ ચાલી રહી હતી. તેમણે 80 વર્ષની ઉંમરમાં અંતિમ શ્વાસ લીધો.
હિન્દુ નેતા આચાર્ય સ્વામી ધર્મેન્દ્ર 1966ના ગૌરક્ષા આંદોલનથી લઈને શ્રી રામ જન્મભૂમિ મુક્તિ આંદોલન સુધી ઘણી જગ્યા પર એક્ટિવ રહ્યા. તેમણે પોતાના જીવનનો મોટાભાગનો સમય જયપુરના તીર્થ વિરાટ નગરની પવિત્ર વાણગંગાના કિનારે પસાર કર્યો. તેમને બે પુત્રો સોમેન્દ્ર શર્મા અને પ્રણવેન્દ્ર શર્મા છે.
હિન્દુત્વને સમર્પિત હતું સંપૂર્ણ જીવન: આચાર્યએ પોતાનું મોટાભાગનું જીવન હિન્દી, હિન્દુત્વ અને હિન્દુસ્તાન માટે સમર્પિત કર્યું હતું. તેઓ તેમના પિતા મહાત્મા રામચંદ્ર વીર મહારાજના પગલે ચાલ્યા. તેમની જેમ તેઓ પણ જીવનભર ભારતની સેવા, ઉપવાસ, સત્યાગ્રહ, જેલની મુસાફરી, આંદોલન અને હિજરતમાં રોકાયેલા રહ્યા. તેમના પિતાએ ઉપવાસ કરીને પોતાને નરકંકાલ જેવા બનાવી લીધા હતા.
1966ના ગૌરક્ષા આંદોલનમાં આચાર્ય ધર્મેન્દ્રની મહત્વપૂર્ણ ભૂમિકા રહી. ત્યાર પછી તેમણે દેશના તમામ સમુદાયો, સંતો અને સંસ્થાઓ સાથે મળીને એક મોટું સત્યાગ્રહ આંદોલન કર્યું. આ દરમિયાન તેઓ 52 દિવસ સુધી ઉપવાસ પર બેઠા હતા. રામ મંદિર કેસના કારણે પણ તેઓ હેડલાઇન્સમાં રહ્યા હતા. જ્યારે બાબરી મસ્જિદ વિધ્વંસ બાબત પર નિર્ણય આવવાનો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે ‘હું આરોપી નંબર વન છું. મેં જે પણ કર્યું છે તે બધાની સામે કર્યું છે. હું સજાથી ડરતો નથી.’
આચાર્યની વિદાય પર શોકની લહેર: આચાર્ય ધર્મેન્દ્રએ એપ્રિલ 1984માં વિશ્વ હિંદુ પરિષદ વતી ધર્મ સંસદમાં રામ જન્મભૂમિના દ્વાર ખોલવા માટે જે જન જાગરણ યાત્રાઓ થઈ હતી તેનો પ્રસ્તાવ પારિત કરાવવામાં અને રામ જાનકી રથ યાત્રામાં મુખ્ય ભુમિકા નિભાવી હતી. તેમના નિધન પર ઘણા હિન્દુ સંગઠનો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો. મોદીએ જણાવ્યું કે આચાર્ય ધર્મેન્દ્રનું નિધન ધાર્મિક અને આધ્યાત્મિક જગત માટે એક ન પુરી શકાય તેવી ખોટ છે.
જણાવી દઈએ કે આ પહેલા મોદીએ આચાર્ય ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય વિશે પણ ચિંતા વ્યક્ત કરી હતી. સાથે જ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, રાજ્યસભા સાંસદ ઘનશ્યામ તિવારી અને બીજેપી પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયા સહિત ઘણા નેતાઓ તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતા કરતા જોવા મળ્યા હતા.