ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ જ પ્રિય છે આ 7 ચીજો જન્માષ્ટમી પૂજામાં કરો શામેલ, મળશે વિશેષ આશીર્વાદ

ધાર્મિક

ભારત સંસ્કૃતિ અને સભ્યતાઓનો દેશ છે. અહીં દરરોજ કોઈ ને કોઈ તહેવાર ઉજવવામાં આવે છે. આ હેઠળ શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની આઠમ તિથિ પર કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. જણાવી દઈએ કે આ વખતે જન્માષ્ટમી 30 ઓગસ્ટ 2021, સોમવારે આવી રહી છે. મંદિરોમાં અત્યારથી કૃષ્ણ જન્માષ્ટમીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શ્રી કૃષ્ણના જન્મ સ્થળ વ્રજના વૃંદાવનમાં જન્માષ્ટમીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. નોંધપાત્ર છે કે આઠમના દિવસે જન્મેલા ભગવાન શ્રીકૃષ્ણ ને વિષ્ણુજીના અવતાર માનવામાં આવે છે.

આ દિવસે ભક્તો આખો દિવસ વ્રત કરે છે અને રાતના 12 વાગ્યા સુધી શ્રી કૃષ્ણજીનું જાગરણ, ભજન, પૂજા કરે છે અને જન્માષ્ટમીના દિવસે ભક્તો પોતાના ઘરમાં કાન્હાજીના પારણાને શણગારે છે. તેના પર તેને બેસાડે છે અને તેને ફૂલો અને ગુબ્બારાથી સજાવે છે. કાન્હાજીને વાઘા પહેરાવે છે, ઘરેણાં પહેરાવીને સજાવીને પારણમાં ઝૂલાવે છે.

ભગવાન વિષ્ણુના આઠમા અવતાર ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ કંસાના કાળાવાસમાં દેવકીના આઠમા સંતાન તરીકે થયો હતો. ભગવાન કૃષ્ણને કેટલીક ચીજો જેમ કે વાંસળી, મોરપીંછ, માખણ મિસરી વગેરે જેવી ચીજો ખૂબ પ્રિય હતી. માનવામાં આવે છે કે જન્માષ્ટમીની પૂજામાં તેમની પ્રિય ચીજો શામેલ કરવાથી ભગવાનના વિશેષ આશીર્વાદ મળે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને શ્રી કૃષ્ણજીની પ્રિય એવી 7 ચીજો વિશે જણાવીએ, જેને જન્માષ્ટમીની પૂજામાં સામેલ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

માખણ મિસરી: ટીવી પર જો તમે ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી સીરિયલ જોઈ હશે તો તમે જાણતા હશો કે ભગવાન કૃષ્ણને બાળપણથી જ માખણ મિસરી ખૂબ જ પ્રિય હતા અને તેઓ ગોપીઓનું માખણ ચોરી કરીને ખાતા હતા, આ કારણે તેમનું નામ માખણચોર પણ પડ્યું હતું. જન્માષ્ટમીની પૂજામાં માખણ મિસરીથી કાન્હાજીને ભોગ લગાવવો જોઈએ. તેના માટે તમારે ગાયના દૂધના માખણ અને ખાંડ વાળી મિસરીનો ઉપયોગ કરવો જોઈએ. આ બંને ચીજો સૌથી શુભ માનવામાં આવે છે.

પીસેલા ધાણા: આટલું જ નહીં જન્માષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણની પૂજામાં પીસેલા ધાણાનું પણ વિશેષ મહત્વ હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં ધાણાને ધન સાથે જોડીને જોવામાં આવે છે. ભોગ પ્રસાદમાં ધાણાનો ઉપયોગ કરવો તમને સુખ સમૃદ્ધિ આપે છે. સામાન્ય રીતે લોકો ધાણાની પંજરી બનાવીને ભગવાનને ભોગ તરીકે અર્પણ કરે છે.

મોરપીંછ: જણાવી દઈએ કે શ્રી કૃષ્ણ હંમેશા તેમના મુગટમાં મોરપીંછ ધારણ કરતા હતા. આવી સ્થિતિમાં જન્માષ્ટમીની પૂજામાં મોરપીંછ હંમેશા રાખવા જોઈએ. એવું માનવામાં આવે છે કે ઘરના પૂજાસ્થળ પર મોરપીંછ રાખવાથી તમારા ઘરમાંથી બધી નકારાત્મકતા હંમેશા દૂર રહે છે. સાથે જ ઘરમાં લક્ષ્મીજીનો વાસ પણ થાય છે.

પંચામૃત: જો કે પંચામૃત પાંચ ચીજોને મિક્સ કરીને બનાવવામાં આવતો એવો પદાર્થ છે, જેનાથી ભગવાનને ભોગ લગાવવામાં આવે છે. જેમાં પાંચ સૂકા મેવા, દૂધ, દહીં, ઘી, ગંગાજળ અને મધ હોય છે. બીજી બાજુ જો આ પંચામૃત ભગવાન શ્રીકૃષ્ણના ભોગ માટે જન્માષ્ટમીના દિવસે રાખવામાં આવે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

વાંસળી: જન્માષ્ટમીની પૂજામાં વાંસળી રાખવી ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે વાંસળી પૂજામાં રાખવાથી ભગવાન શ્રીકૃષ્ણ તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે.

ગાયની મૂર્તિ: કાન્હાજીને બાળપણથી જ ગાય એટલે કે ગૌમાતા સાથે વિશેષ લગાવ હતો. તે અવારનવાર ગાયના વાછરડા સાથે રમતા અને ગાયને ચરાવવા લઈ જતા હતા. તેથી કાન્હાજી માટે ભોગ પ્રસાદ તૈયાર કરવામાં ગાયના ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે જ જન્માષ્ટમી પૂજામાં તમે ગાયની નાની મૂર્તિ પણ રાખી શકો છો.

વૈજયંતી ફૂલ: જન્માષ્ટમી પર ભગવાન શ્રીકૃષ્ણની પૂજામાં વૈજયંતીનું ફૂલ જો મળવું શક્ય હોય તો જરૂર લાવો. ભગવાન કૃષ્ણને આ ફૂલ સૌથી પ્રિય માનવામાં આવે છે. પૂજામાં વૈજયંતિના ફૂલ ચળાવવાથી કાન્હાજી પ્રસન્ન થઈને દરેક ઈચ્છા પૂર્ણ કરે છે.

સાથે જ છેલ્લે જણાવી દઈએ કે હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમીનો શુભ સમય 29 ઓગસ્ટ રવિવાર, 30 ના રોજ રાત્રે 11:25 થી શરૂ થઈને 30 ઓગસ્ટ, સોમવારે રાત્રે 1:59 સુધી રહેશે. આટલું જ નહિં, પૂજાનું શુભ મુહૂર્ત 30 ઓગસ્ટ ના રોજ રાત્રે 11:59 વાગ્યાથી લઈને રાત્રે 12:44 વાગ્યા સુધી રહેશે. તેથી રોહિણી નક્ષત્રની શરૂઆત 30 ઓગસ્ટ, સવારે 6:39 શરૂ થઈને 31 ઓગસ્ટ સવારે 9:44 સુધી રહેશે.